પ્રશાંત દયાળ (શિવા. ભાગ-23): મને જીવનમાં આવો વિચાર જ નહોતો આવ્યો કે, મારે આ પ્રકારે પોતાના જ લોકો સામે લડાઈ લડવી પડશે! અને જેમના માટે લડાઈ શરૂ કરી તેઓ મને લડાઈના પ્રારંભમાં જ છોડીને જતા રહેશે! પણ હવે મારી સાથે જે કંઈ થોડા લોકો હતા, તેમના માટે આ લડાઈ લડવાની હતી. મને પાક્કી ખાતરી હતી કે આ આખી ઘટનામાં મને બધા જ છોડી જતા રહેશે છતાં શિવાની (Shivani Dayal) મારી સાથે ઊભી રહેશે. આકાશ પણ હવે મોટો થઈ ગયો હતો. તે લગભગ પંદર વર્ષનો હતો એટલે તેને ઘરમાં શું ચાલી રહ્યું છે? અને પપ્પા શું કરી રહ્યા છે? તેની ખબર પડવા લાગી હતી. શિવાનીનો સ્વભાવ પડશે ત્યારે દેવાશે; તેવો હતો. જેના કારણે તેની અંદર ચિંતા હોવા છતાં તે ચિંતા ચહેરા પર લાવી મારી હિંમતને ઘટાડવા માગતી નહોતી; પણ આકાશના ચહેરા પર હું ચિંતા જોઈ શકતો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) અમારી પિટિશન થઈ ગઈ, પણ આ પિટિશન દાખલ કરવા સામે ભાસ્કરના કાઉન્સિલનો વિરોધ એવો હતો કે, દિવ્ય ભાસ્કર (Divya Bhaskar)એક ખાનગી સંસ્થા છે. તે પોતાના કર્મચારીને કેટલો પગાર આપે છે? અથવા આપવો જોઈએ? તે નક્કી કરવાનો અધિકાર ભાસ્કર મૅનેજમેન્ટનો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં. જ્યારે અમારા કાઉન્સિલ ગિરીશ પટેલની દલીલ હતી કે, ભાસ્કર ખાનગી સંસ્થા હોવાને કારણે તેમાં કામ કરતા કર્મચારીઓને બંધારણે જે અધિકારો આપ્યા છે; તે અધિકારોનું રક્ષણ થાય છે કે નહીં? તે જોવાની જવાબદારી હાઇકોર્ટની છે એટલે હાઇકોર્ટનો હસ્તક્ષેપ જરૂરી છે.
હું અને મારી ટીમ, જે પિટિશનનો હિસ્સો હતી તે હાઇકોર્ટ જતી હતી. અમારો ક્રમ આવે તેની અમે રાહ જોતા હતા. ઘણી વખત તો અમારો ક્રમ એટલો પાછળ રહેતો કે, આખો દિવસ કોર્ટમાં બેસી રહ્યા પછી પણ અમારો ક્રમ આવતો નહોતો. મેં હાઇકોર્ટનું રિપોર્ટિંગ પણ કરેલું હતું, પણ ત્યારે હું પત્રકાર તરીકે કોર્ટમાં જતો હતો. એક સામાન્ય માણસ જ્યારે ન્યાય માગવા માટે હાઇકોર્ટમાં આવે ત્યારે તેને માત્ર તારીખો મળે તો તેની મનોસ્થિતિ શું થતી હશે? તેનો અનુભવ મને પહેલી વખત થઈ રહ્યો હતો. હું જ્યારે હાઇકોર્ટના પગથિયાં ચઢતો હોવું ત્યારે મને માનસિક થાક લાગતો હતો. મારી અંદરનો આત્મવિશ્વાસ હલી ગયો! મને ખબર નહોતી કે, હું મારી સાથે રહેલા સાથીઓને ન્યાય અપાવી શકીશ કે નહીં? કારણ કે હાઇકોર્ટમાં મુદતો ઉપર મુદત પડી રહી હતી. બીજી તરફ મારા સહિત મારા સાથીઓની અલગ અલગ રાજ્યોમાં બદલી કરી દેવામાં આવી હતી. અમે કોઈપણ ત્યાં ગયા નહોતા. જેના કારણે ભાસ્કર મૅનેજમેન્ટે અમારો પગાર પણ બંધ કરી દીધો હતો. મારી પાસેની બચતને કારણે મારી પાસે તો વ્યવસ્થા હતી, પણ મારી સાથેના સાથીઓ હવે આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. આ તબક્કે મને વિચાર આવ્યો કે, જે સાથીઓ મારી સાથે હતા પણ મારો સાથ છોડી જતા રહ્યા તે સારું થયું. કારણ, તેઓ પણ આ રીતે દુઃખી થતા હોત.
મુદત હોય કે નહીં, હું રોજ હાઇકોર્ટ જતો. છેલ્લે હાઇકોર્ટ સામે આવેલી ચ્હાની લારી પર બેસી રહેતો હતો. હું સાંજે ઘરે પાછો ફરું ત્યારે શિવાની મારી સામે જોતી, પણ કંઈ પુછતી નહીં. પણ આકાશ તરત મને પુછવા આવતો— બાબા શું થયું? હું કહેતો— કંઈ નહીં, તારીખ પડી. આકાશના ચહેરા પર દુઃખ દેખાતું. કદાચ તેને ખબર પડતી નહોતી કે તેના બાબાએ જે લડાઈની શરૂઆત કરી છે તે લાંબી છે.
ભાસ્કર મૅનેજમેન્ટ આ લડાઈ લંબાવવા માગતું હતું. આ લડાઈ અમારા માટે નવી અને પહેલી હતી, પણ ભાસ્કર મૅનેજમેન્ટ માટે આ પ્રકારના કોર્ટકેસ કંઈ નવી વાત નહોતી. મૅનેજમેન્ટ પાસે અધિકારીઓની ફોજ, પૈસા અને વકીલ હતા. સામા પક્ષે અમે એકલા હતા. અમારી પાસે પૈસા પણ નહોતા. અનેક વખત મુદત હોય ત્યારે ભાસ્કરના વકીલ ‘સીકનોટ’ મુકી મુદત માગી લેતા હતા. આમ સ્થિતિ તંગ થઈ રહી હતી. મને સમજાતું હતું કે, ભાસ્કર પોતાની સ્ક્રિપ્ટ પ્રમાણે આગળ વધી રહ્યું છે. દિલ્હી, મુંબઈ અને ભોપાલથી ભાસ્કરના અધિકારીઓ અમદાવાદ આવી ગયા હતા. તેઓ મને એક ‘પાંચ તારક’ હોટલમાં મીટિંગ માટે બોલાવતા હતા, પણ મને ખબર હતી કે મારા ઇરાદાઓ ઉપર કોઈ શંકા કરે નહીં; તે માટે હું દરેક મીટિંગમાં મારા બે સાથીઓને સાથે લઈ જતો હતો. મીટિંગો પર મીટિંગો ચાલી રહી હતી.
ભાસ્કરના અધિકારીઓ અમને સતત સમજાવી રહ્યા હતા કે, હાઇકોર્ટમાં તમને ન્યાય મળશે નહીં અને ન્યાય મળશે તો ભાસ્કર સુપ્રીમકોર્ટ સુધી જશે. તમે થાકી જશો, પણ ત્યારે અમારી થાકવાની તૈયારી હતી એટલે મીટિંગોમાં કોઈ પરિણામ આવતું નહોતું. એક તબક્કો એવો આવ્યો કે, મારી સાથે રહેલા એક સાથીનાં મનમાં એવી પણ શંકા ગઈ કે, ભાસ્કર અને તેમની સામે લડી રહેલા પત્રકારો વચ્ચે સમાધાન થાય તેવું હું ઇચ્છતો નથી. મારા માટે આ ઘટના બહુ આઘાતજનક હતી. છતાં આ તમામ માનસિક પ્રશ્નો સાથે લડાઈમાં આગળ વધવાનું હતું. આમ કરતાં કરતાં સપ્તાહો આગળ વધી રહ્યાં હતાં. મારી ધારણા કરતાં વધુ સમય હાઇકોર્ટમાં નીકળી રહ્યો હતો. હજી તો અમારી પિટિશન દાખલ કરવી કે નહીં? તે મુદ્દે જ દલીલ ચાલી રહી હતી.
એક સવારે ઊઠી હું રોજની ટેવ પ્રમાણે મારાં ઘરની અંદર એક નાનકડું મંદિર છે ત્યાં દર્શન કરવા ગયો. મેં ત્યાં જોયું તો એક પાણી ભરેલી તપેલી હતી અને પાણીમાં બરાબર વચ્ચે ગણેશની નાનકડી ચાંદીની મૂર્તિ હતી. મને આશ્ચર્ય થયું. કારણ કે મેં ક્યારેય આવું જોયું નહોતું. મેં શિવાનીને બૂમ પાડી બોલાવી; તે રસોડામાંથી બહાર આવી. મેં તેને તપેલી તરફ ઇશારો કરતાં પુછ્યું, “આ શું છે?”
તે મારી સામે જોઈ હસી અને કહ્યું, “તમારું કામ થાય એટલા માટે કર્યું છે.”
મેં પુછ્યું, “એટલે શું?”
શિવાનીએ ફોડ પાડતાં કહ્યું, “મારી આઈ કહે છે કે, તમારું કોઈ કામ ન થાય તો તે કામ ભગવાન ગણેશને સોંપી દેવાનું.”
મેં કહ્યું, “પણ ભગવાન ગણેશને તે પાણીમાં કેમ ડુબાડ્યા છે?”
તે ફરી હસવા લાગી અને કહ્યું, “જો જો તમારું કામ થઈ જશે! મેં ભગવાનને કહ્યું છે— જ્યાં સુધી તું મારા પ્રશાંતનું કામ નહીં કરે ત્યાં સુધી હું તને પાણીની બહાર કાઢીશ નહીં. જો તારે પાણીની બહાર નીકળવું હોય તો પ્રશાંતનું કામ કરવું પડશે.”
મને શિવાનીની શ્રદ્ધા, ભરોસો અને ઈશ્વર પાસે જે પ્રકારે જિદ્દ કરી રહી હતી તેનું હસવું આવ્યું. મને હસતો જોઈ તેણે કહ્યું, “હસશો નહીં. કામ થાય છે કે નહીં; પછી મને કહેજો.”
મેં પાણીની તપેલીમાં રહેલા ભગવાનને નમસ્કાર કરતાં કહ્યું, “ભગવાન! શિવાનીનો વિશ્વાસ જીતે તેવું પરિણામ આપજે.”
આમ શિવાની પણ ઘરમાં રહી મારી સાથે લડાઈ લડી રહી હતી. તેનો પ્રશાંત કાયમ બીજા માટે લડતો અને જીતતો રહે તે જોવું તેને ગમતું હતું એટલે તે મને સતત પ્રોત્સાહિત કરતી હતી. તેને હું હારેલો થાકેલો મંજૂર નહોતો. હજી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવા ઉપર મેટર પેન્ડિંગ હતી. આવતીકાલે શું થશે તેની કોઈને ખબર નહોતી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796