પ્રશાંત દયાળ (શિવા. ભાગ-25): આમ કરતાં કરતાં પાંચ મહિના થઈ ગયા. મારા સાથીઓ થાકી ગયા હતા. કેટલાક સાથીઓ મને ફોન કરી કહેતાં, હવે અમારા એકાઉન્ટમાં છેલ્લા એકસો રૂપિયા પડ્યા છે. અમે શું કરીએ? આ બહુ આકરો કાળ હતો! હું પણ ભાંગી પડવાની તૈયારી પર હતો, પણ અમે થાકી ગયા છીએ તેવું કહેવાની અમારી હિંમત નહોતી.
એક સાથે પાંચ–સાત રિપોર્ટર અમદાવાદ (Ahmedabad) ઑફિસમાં નહોતા. જેનાં કારણે દિવ્ય ભાસ્કરને (Divya Bhaskar) નવા પત્રકારોની પણ જરૂર હતી. અમદાવાદમાં ટોપના પત્રકારો હતા, સારા પત્રકારની સાથે તેઓ સારા માણસ પણ હતા. મને બરાબર યાદ છે… એક મહિલા પત્રકારનો ભાસ્કર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો. આ પત્રકારે પૂરા આદર સાથે કહ્યું, “મને ભાસ્કર જેવાં ગ્રૂપમાં નોકરી મળે તેનો આનંદ છે, પણ જે હમણા તમારી સામે લડી રહ્યા છે; તેઓ પણ મારા સાથીઓ છે. મને લાગે છે… હાલના તબક્કે મારે તમારી સાથે જોડાવું જોઈએ નહીં.”
આવી બધી ઘટનાઓ મને બળ પૂરું પાડી રહી હતી. પણ આટલા વર્ષો સુધી રોજના પંદર–સત્તર કલાક કામ કર્યા પછી અચાનક તમારી પાસે કંઈ જ કામ ન હોય તો શું થાય? હું અંદરથી માનસિક રીતે ભાંગી પડ્યો હતો. શિવાની (Shivani Dayal) મને કાયમ કહેતી, “મેં તમને જન્મ આપ્યો નથી; બાકી હું તમને નખશીખ ઓળખું છું. હવે તમે ડિપ્રેશન તરફ જઈ રહ્યા છો.”
મેં કહ્યું, “તારી વાત સાચી છે. હું શું કરું?”
તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, “ડિપ્રેશનમાં જવા કરતાં તમે કંઈક લખો. તમારી પાસે એટલી બધી એવી વાતો છે, જે હજી લોકો સુધી પહોંચી નથી.”
હું જ્યારે જ્યારે ભટકી જતો અને મને લાગતું કે, આગળ રસ્તો બંધ છે; ત્યારે શિવાની મને બંધ રસ્તાને કેવી રીતે પાર કરી શકાય? તેની સલાહ આપતી હતી. શિવાનીની વાત સાચી હતી. મેં ઘરે બેસી એક નવલકથા લખવાની શરૂઆત કરી. ગુજરાત પોલીસના બનાવટી એન્કાઉન્ટર આધારિત આ નવલકથા હતી. હું મારા ડિપ્રેશનથી ભાગવા માટે રોજના પાંચ–છ હપ્તા લખતો. એટલે કે રોજના પાંચ છ હજાર શબ્દો લખતો! શિવાનીની સલાહ મારા માટે બહુ કારગર નીવડી. હું કપરા કાળમાં પણ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો. હું મારા સાથીઓનો લીડર હતો. જો લીડર જ હારી અને થાકી ગયો છે તેવી ખબર પડે, તો લડાઈ પડી ભાંગે. મારે તો જાહેરમાં લડી લઈશું, પાડી દઈશુંની ભૂમિકામાં જ રહેવાનું હતું. આ લડાઈ દરમિયાન પોલીસ એન્કાઉન્ટર પર મારી ‘શતરંજ’ નામની એક નવલકથા લખાઈ ગઈ.
એક દિવસ એક સવાર ઉગશે! તેવી અમે રાહ જોઈ રહ્યા હતા. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં અમારી પિટિશનની સુનવણી ચાલી રહી હતી. પાંચ મહિના જેટલી લાંબી સુનવણી પછી એક સવારે ઉઘડતી કોર્ટે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આદેશ કર્યો, “ભાસ્કરના પત્રકારોએ કરેલી પિટિશન દાખલ કરવાનો ગુજરાત હાઇકોર્ટ આદેશ આપે છે.”
અમને એવું લાગ્યું કે અમારી ચારે તરફ ખુશીના ફટાકડા ફૂટી રહ્યા છે. ભાસ્કર જૂથ સામે અમે બહુ નાના પત્રકારો હતા. અમારી પિટિશન દાખલ થઈ તેની સાથે અમે અડધી લડાઈ જીતી ગયા હતા. બીજી તરફ મોટી મોટી વાતો કરી અમને ડરાવી રહેલા ભાસ્કરના અધિકારીઓ તરફ માતમ હતો. કારણ કે તેમણે ભાસ્કરના માલિકોને છાતી ઠોકીને કહ્યું હતું… ભાસ્કર અમારી પિટિશન ફગાવી દેશે! પણ ભાસ્કરના માલિકો હોશિયાર હતા. તેમને ખબર પડી કે, આ અલાર્મ છે. જો ગુજરાતમાં પિટિશન દાખલ થઈ તો બીજાં રાજ્યોમાં પણ પિટિશન થશે અને તેનાથી મુશ્કેલી વધશે. એટલે તેઓ તરત હવે અમારી સાથે સમાધાનનાં ટેબલ ઉપર આવી ગયા હતા.
સમાધાનનાં ટેબલ ઉપર મારી ભૂમિકા અગત્યની હતી. પણ સવાલ એવો હતો કે, મારે સમાધાન પેટે કંઈ લેવાનું નહોતું. કારણ કે હું ભાસ્કરનો જૂનો કર્મચારી નહોતો, પણ જેઓ જૂના કર્મચારી હતા તેમને 2011થી એરિયર્સ પણ લેવાનું હતું. હવે અમારે ગણતરી કરી કહેવાનું હતું કે, કોને કેટલું મળવા પાત્ર છે? આ બધી ગણતરીમાં અમારો સાથી તેજસ મહેતા માહિર હતો. તે બધી જ ગણતરી કરી રહ્યો હતો. કોને કેટલી રકમ મળશે? તે બધું તેજસે નક્કી કર્યું. આમ મારા સાથીઓને પગાર ઉપરાંત એરિયર્સ પણ મળવાનું હતું. મારા ભાગે તો માત્ર પાંચ મહિનાનો રોકી રાખેલો પગાર જ લેવાનો હતો. મારો પગાર વધારે હોવાને કારણે મારા ભાગે જે રકમ આવી, તેનો આંકડો સાંભળી એકાદ સાથીને એવું લાગ્યું કે, મને મોટો ફાયદો થયો. જોકે તે મારા મોઢે આ અંગે કંઈ બોલ્યો નહીં. તેણે મને રૂબરૂમાં પુછ્યું હોત તો હું મારો પક્ષ મુકતો. પણ આ ગેરસમજ માટે મને દુઃખ પણ થયું.
મારી સાથે પિટિશનમાં સામેલ જે સાથીઓ હતા, તેમને મળવાપાત્ર રકમની સાથે જેમને ફરી ભાસ્કરમાં નોકરી જોઈતી હતી તેમને નોકરી આપવા પણ મૅનેજમેન્ટ તૈયાર હતું. માત્ર મારા માટે પ્રશ્ન એવો હતો કે, મને પાંચ મહિનાનો બાકી પગાર આપે અને મને નોકરી તો પાછી આપશે, પણ અમદાવાદ નહીં. ભાસ્કરના અધિકારીઓની દલીલ એવી હતી કે, જો તમે અમદાવાદ એડિશનમાં પાછા ફરો તો અમારું ખરાબ લાગશે અને હવે તમને પત્રકારો તેમના લીડર તરીકે જોઈ રહ્યા છે. તમે પાછા અમદાવાદ ઑફિસમાં આવશો તો એક ટોળું તમારી પાસે આવી જશે. ઑફિસનો માહોલ બગડી જશે. એટલે અમે તમને નોકરી તો આપીએ, પણ અમદાવાદ નહીં વડોદરા.
મારા માટે આ થોડી આશ્ચર્યજનક બાબત હતી. હવે મારે વડોદરા કામ કરવાનું હતું! આમ તો મારો જન્મ અને મારું મોસાળ વડોદરા, પણ જે સ્થિતિમાં મારે વડોદરા જવાનું હતું તે મને મંજૂર નહોતું. ત્યારે મેં કોઈ નિર્ણય કર્યો નહીં. રાતે ઘરે જઈ શિવાની અને આકાશને સારા સમાચાર આપ્યા કે, કોર્ટે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો છે. બીજા સમાચાર એવા આપ્યા કે, મને નોકરી તો પાછી મળી રહી છે, પણ વડોદરા જવું પડશે. મેં ભાસ્કરના અધિકારીઓએ જે તર્ક આપ્યો હતો તે માંડીને શિવાની સામે મૂક્યો. તે વિચાર કરવા લાગી. તેણે વિચાર કરી કહ્યું, “તમારે વડોદરા જ જવું જોઈએ.”
મેં કહ્યું, “કેમ?”
શિવાનીએ કહ્યું, “તમને ભાસ્કરના અધિકારી કહે છે તે વાત સાચી છે. હવે પત્તા તમારી બાજીમાં છે એટલે જે લોકો તમારી સાથે હતા તેઓ ફરી તમારી આસપાસ આવશે. કારણ કે તેમને ખબર પડી કે તમારી સાથે રહેવાનો ફાયદો પણ થયો. પરંતુ જેમણે તમને છોડી દીધા હતા અને જેમની અંદર લડવાની ત્રેવડ નથી, તેવાં ટોળાની આગેવાની ફરી તમે કરો… તે મને વાજબી લાગતું નથી.”
હું વિચાર કરવા લાગ્યો. શિવાનીએ કહ્યું, “તમને ભાસ્કર વડોદરાની વાત કરે છે; લઈ લો. અમારી ચિંતા કરતા નહીં. હું મને અને બાળકોને સાચવી લઈશ.”
આમ નવેમ્બર 2014માં હાઇકોર્ટમાં જીત થઈ; પણ તે જીતનો આનંદ એટલા માટે નહોતો કે, જેઓ સામે હતા તેઓ પણ મારા પોતાના જ હતા! તેમને હરાવીને જીતવાની ખુશી કેવી હોય? જિંદગીની ઘણી લડાઈ એવી હોય છે કે, જીત્યા પછી ખબર પડે કે જીતીને તો આખરે તમે હાર્યા જ છો! હું જીત્યો કે હાર્યો તેની મને ખબર નહોતી. સમાધાનના ભાગરૂપે વડોદરા જવા હું એસ.ટી. બસ પકડી નીકળ્યો ત્યારે મારી આંખમાં આંસુ હતા. કદાચ પહેલી વખત મને મારું શહેર છોડવાની પીડા થઈ રહી હતી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796