નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અશાંતધારા વિસ્તારમાં આવતી મિલકતની ખરીદી કરવા તેમજ વેચાણ દસ્તાવેજની નોંધણી કરવા માટે સ્થાનિક પોલીસના અભિપ્રાય બાદ કલેક્ટર કચેરી હુકમ કરે છે. અશાંતધારાની મંજૂરી લેવા માટે નાગરિકોને સરકારી બાબુઓને લાંચ આપવી પડે છે અને તે જગજાહેર છે. ભાવનગર શહેર (Bhavnagar City) માં અશાંતધારાકાંડમાં પ્રતિભા દહિયા ભારે વિવાદ (SDM Pratibha Dahiya Controversy) માં આવ્યા હતા. આજે વાત છે અમદાવાદ શહેર (Ahmedabad City) ની. શાહીબાગ પોલીસ સ્ટેશન (Shahibaug Police Station) માં અસારવા સબ-રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીએ અશાંતધારાની બોગસ પરવાનગીને લઈને ફરિયાદ નોંધાવી છે.
અશાંતધારાની પરવાનગી લેવા માટે પોલીસથી લઈને કલેકટર કચેરી સુધી સૌ કોઈને નિવૈધ ધરાવવા પડે છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં અસારવા સબ-રજિસ્ટ્રાર કચેરી (Asarwa Sub-Registrar Office) માં નરોડા વિસ્તારમાં આવેલા કેસર એક્ઝોટિકા ફ્લેટના એક મકાનના દસ્તાવેજની નોંધણી પ્રક્રિયા કરવામાં આવી હતી. નરોડા વિસ્તારમાં અશાંતધારામાં નહીં આવતો હોવા છતાં તેમાં અશાંતધારાની પરવાનગીની નકલ સામેલ કરવામાં આવી હતી. મકાન ખરીદનાર મીનાબહેન પટેલના પુત્ર ભાવિકભાઈએ આ દસ્તાવેજ તૈયાર કરવા માટે વાડજ વિસ્તારમાં રહેતા કામીત રાવલનો સંપર્ક કર્યો હતો. દસ્તાવેજ તેમજ જરૂરી કાગળો તૈયાર કરવા બદલ આરોપીને 1.57 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. કામીત રાવલે જે વિસ્તારમાં અશાંતધારો લાગુ જ પડતો નહોતો, ત્યાં ખોટી રીતે મંજૂરીનો પત્ર બનાવી દસ્તાવેજ સાથે જોડી દીધો હતો.








