Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઇલેક્ટ્રોલ બોન્ડ: જાહેરમાં લેવાયેલી લાંચ!

ઇલેક્ટ્રોલ બોન્ડ: જાહેરમાં લેવાયેલી લાંચ!

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રાજકીય પક્ષો ચૂંટણી લડે છે અને તેમાં કરોડોનો ખર્ચ કરે છે. આ ખર્ચ માટે 2017માં ઇલેક્ટ્રોલ બોન્ડ (Electoral Bond) લાવવામાં આવ્યા હતા. બોન્ડ લાવીને રાજકીય પક્ષોએ મોટી ઉથલપાથલ કરી નાંખી તેની નોંધ જનસમૂહ સુધી પહોંચી નહોતી. ઇલેક્ટ્રોલ બોન્ડનો વિષય પણ એવો હતો. જાગ્રત નાગરિકોએ અને વિરોધ પક્ષો તે અંગે વિરોધનો સૂર ઉઠાવ્યો; પણ ઇલેક્ટ્રોલ બોન્ડ શું છે તેનો ખ્યાલ આમજનતા સુધી ન પહોંચ્યો. મૂળે ઇલેક્ટ્રોલ બોન્ડ હેઠળ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી કે કોઈ પણ રાજકીય પક્ષને ભંડોળ આપનારનું નામ જાહેર ન થાય. ઇલેક્ટ્રોલ બોન્ડની પ્રક્રિયામાં ખરેખર શું થાય છે પહેલાં તે સમજી લઈએ. જેમ કે; કોઈ એક વ્યક્તિ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવા નિર્ધારીત થયેલી ‘સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા’ની શાખામાં જાય છે. બૅન્કમાં જઈને તે નાણાં અવેજમાં ઇલેક્ટ્રોલ બોન્ડ લે છે. આ બોન્ડ એક હજાર, દસ હજાર, એક લાખ, દસ લાખ કે એક કરોડના ખરીદી શકાય છે. આ રીતે વ્યક્તિ તે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદીને પંદર દિવસમાં રાજકીય પક્ષને આપશે, અને રાજકીય પક્ષો આ રીતે એકઠા થયેલાં બોન્ડ બૅન્કમાં ભરશે એટલે બોન્ડના અવેજમાં પક્ષના અકાઉન્ટમાં બોન્ડની રકમ જેટલાં જ નાણાં જમા થશે.

electoral bonds
electoral bonds

ઇલેક્ટ્રોલ બોન્ડનું બિલ લાવવામાં આવ્યું હતું ત્યારે વાત એમ રજૂ કરવામાં આવી હતી કે પક્ષને આપવામાં આવતાં ભંડોળમાં પારદર્શિતા આવશે. ઉપરાંત, તેમાં કાળું નાણું નહીં આવે. અને સાથે તેનાથી કોઈ દાતાનું નામ પણ જાહેર નહીં થાય. આ રીતે અનેક વાયદાઓ આપીને વર્તમાન ‘એનડીએ’ સરકાર ઇલેક્ટ્રોલ બોન્ડનું બિલ લાવી હતી. જોકે તેમાં ખાટલે મોટી ખોડ એ હતી કે આ બિલ લાવવામાં આવ્યું ત્યારે તેની પ્રક્રિયામાં જ ઘાલમેલ હતી. જેમ કે, ઇલેક્ટ્રોલ બિલને નાણાંકીય બિલ તરીકે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેથી આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવાની આવશ્યકતા ન રહે. બીજું કે આ રીતે પક્ષો ભંડોળ મેળવે તે પ્રક્રિયાને માહિતી મેળવવાના અધિકારમાંથી બાદ રાખવામાં આવી, એટલે સમજોને આજે કોઈ કોર્પોરેટ ગૃહને કોઈ એક પક્ષને નાણાં આપવા છે તો તે બોન્ડ ખરીદીને નાણાં આપી શકે અને તેનું નામ ક્યાંય જાહેર ન થાય. પરંતુ રાજકીય પક્ષ અને બેન્ક પાસે એ નામ તો હોય છે. એટલે જાહેરમાં કોઈ દાતાનું નામ ન આવે અને પરંતુ જે-તે પક્ષને તો ખ્યાલ હોય જ કે તેમને કોના વતી નાણાં મળ્યા છે.

- Advertisement -
electoral bonds
electoral bonds

ઇલેક્ટ્રોલ બોન્ડ અંતર્ગત કેટલાંક સાવ નાના રાજકીય પક્ષો તેમાંથી બાકાત થઈ ગયા. કારણ કે તેમાં દર્શાવેલા નિયમો મુજબ ઇલેક્ટ્રોલ બોન્ડનું દાન એ જ પક્ષો લઈ શકે- જેમને લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતોના એક ટકા મત મળ્યા હોય. આ બોન્ડ રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમાં પ્રજાહિત સાથે સાંકળવામાં આવ્યું. ઇલેક્ટ્રોલ બોન્ડની અસર તત્કાલ તો લોકોને ન પડી, પણ તેની સૌથી મોટી અસર વિરોધ પક્ષોને અને સરકાર સાથે ન જોડાયેલા પક્ષોને હતી. તેથી પહેલાં સૂર તેમના તરફથી ઊઠ્યો. તદ્ઉપરાંત આ પ્રક્રિયાથી લોકશાહીને મસમોટું નુકસાન થવાનું છે તેથી જાગ્રત નાગરિકોએ પણ અવાજ ઉઠાવ્યો. તેમ છતાં ઇલેક્ટ્રોલ બોન્ડ કોઈ રોકી શક્યું નહીં. પરિણામે વર્તમાન સત્તાધારી પક્ષને ઇલેક્ટ્રોલ બોન્ડનો સૌથી મોટો લાભ મળ્યો. છેલ્લા બે વર્ષનો ડેટા જોઈએ તો ભાજપને 1300 કરોડ રૂપિયા મળ્યા છે જ્યારે કોંગ્રેસને આટલા સમયમાં માત્ર બસો કરોડ મળ્યા છે, ત્રીજા ક્રમે આમ આદમી પાર્ટી છે, તેને પણ સો કરોથી ઓછું ભંડોળ મળ્યું છે. આમ ઇલેક્ટ્રોલ બોન્ડનો સૌથી વધુ લાભ ભાજપને મળ્યો છે.

electoral bonds
electoral bonds

ઇલેક્ટ્રોલ બોન્ડનો વિરોધ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ. વાય. કુરૈશી પણ સમયાંતરે કર્યો હતો. હવે જ્યારે ઇલેક્ટ્રોલ બોન્ડને સુપ્રિમ કોર્ટ (Supreme Court) દ્વારા ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે. ત્યારે એસ. વાય. કુરૈશીએ તે અંગે ખુશી તો વ્યક્ત કરી છે પણ તેમણે એટલે સુધી કહ્યું છે કે, ’15 ફેબ્રુઆરી 2024નો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડને માહિતી અધિકારનો ઉલ્લંઘન તરીકે દર્શાવ્યો છે. સુપ્રિમ કોર્ટે સરકારી વકીલોની મહદંશે દલીલોને ખારીજ કરી દીધી છે અને કહ્યું છે કે કાળા નાણાંને ખતમ કરવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ એક માત્ર ઉપાય નથી. આ બિલને લાવવા અર્થે 2017માં ફાઇનાન્સ એક્ટમાં અનેક સંશોધન થયા. તેમાં ‘ભારતીય રિઝર્વ બેન્ક’, ‘કંપની એક્ટ’, ‘ઇનકમ ટેક્સ એક્ટ 1961’, ‘રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ’ અને ‘ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ’ પણ સમાવિષ્ટ હતા. આ બોન્ડ આવ્યા તે અગાઉ કંપનીઓ માટે રાજકીય પક્ષોને દાન આપવા અર્થે મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તે મર્યાદા તેમના કંપનીના એક વર્ષના કુલ નફાના 7.5 ટકા સુધી જ સિમિત હતી. આ મર્યાદાને હટાવ્યા બાદ કંપનીઓ તેના નફાના સો ટકા પણ દાન કરી શકતી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે જે કંપનીઓ નુકસાનીમાં જાય તે પણ દાન કરી શકતી હતી. ‘રિપ્રેજેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951’ મુજબ રાજકીય પક્ષ વિદેશી સ્ત્રોતથી દાન લઈ શકતી નહોતી. ‘ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010’ મુજબ રાજકીય પક્ષો, ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર, વિધાનસભ્ય અને સાંસદ પણ વિદેશથી દાન લઈ શકતા નહોતા.’

electoral bonds
electoral bonds

આ ઉપરાંત પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર નવીન ચાવલાએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, “ઇલેક્ટ્રોલ બોન્ડ હેઠળ નામ ગુપ્ત રાખવાની શક્યતા વધુ હતી. તેનાથી રાજકીય પક્ષો અને તેમને દાન આપનારાઓને લાભ થવાનો હતો. તેનાથી કોઈ પારદર્શિતા તો ન આવી, પણ બિલકુલ વિપરીત અસર થઈ. ઇલેક્શન કમિશન પણ છેલ્લા અઢી દાયકાથી રાજકીય પક્ષોને ભંડોળ અને તેના ખર્ચને લઈને પારદર્શિતા લાવવા માટે સરકારને પ્રસ્તાવ આપતું રહ્યું છે. આશા છે કે કોર્ટે તે વિષય પણ વિચારશે.”

- Advertisement -

હવે સુપ્રિમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે શું કહ્યું અને તેને કેમ રદ કર્યો તે વિશે જાણીએ. સુપ્રિમ કોર્ટે માહિતીના અધિકારના ઉલ્લંઘનની વાત મૂકી છે. ઉપરાંત કાળા નાણાં અંગે ઇલેક્ટ્રોલ બોન્ડ લાવવાની દલીલને સુપ્રિમ કોર્ટે નકારી કાઢી છે. બીજું કે આ મુદ્દે સુપ્રિમ કોર્ટની ખંડપીઠના પાંચેય ન્યાયાધિશો સર્વસંમ્મત હતા. ઇલેક્ટ્રોલ બોન્ડ અંગે સુપ્રિમમાં જાહેર હિતની અરજી કરનારાંમા ‘એસોશિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ’[એડીઆર] અને ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(માર્ક્સસિસ્ટ)’ હતા. ‘એડીઆર’ વતી કેસ લડનારા પ્રશાંત ભૂષણ હતા અને તેમણે ઇલેક્ટ્રોલ બોન્ડને લાંચ ગણાવી હતી. અને તે અર્થે પ્રશાંત ભૂષણે રાજકીય પક્ષોને છેલ્લા પાંચ વર્ષોમાં મળેલા ભંડોળની વિગતો આપી હતી. ‘એડીઆર’ મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં ભાજપને ઇલેક્ટ્રોલ બોન્ડ અંતર્ગત 5271 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને આ દરમિયાન 952 કરોડ રૂપિયા મળ્યા હતા. મમતા બનરજીના તૃણમુલ કૉંગ્રેસ પક્ષને 767 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે ‘એનસીપી’ને 63 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા મળ્યા હતા. પ્રશાંત ભૂષણે સુપ્રિમ કોર્ટને સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ પૂરી વ્યવસ્થામાં કોણ દાતા છે તે ‘સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા’ જાણી શકે અને આ બેન્ક સરકારના આધિન છે. ઇલેક્ટ્રોલ બોન્ડના નિયમમાં દર્શાવવામાં આવ્યું છે કે દાતાઓ વિશે ‘ઇડી’ બેન્ક પાસેથી જાણકારી લઈ શકે છે. ‘ઇડી’ પણ કેન્દ્રના આધિન છે. તો એ રીતે જો ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે ‘એસબીઆઈ’ જાણી શકે સરકાર જાણી શકે તો પછી નાગરિકો તેના વિશે કેમ ન જાણી શકે? સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, જે પૈસા આપશે, સરકાર તેના જ માટે કામ કરશે તો પછી નાગરિકોનું શું થશે? જો આ પ્રક્રિયા પારદર્શી હોત તો કોર્પોરેટ સેક્ટરનો પાવર આટલો ન વધ્યો હોત. પ્રશાંત ભૂષણે પોતાની દલીલમાં ‘રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા’નો એક પત્ર પણ ટાંક્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા નકલી કંપનીઓનાં નાણાં રાજકીય પક્ષોને દાન સ્વરૂપે મળી શકે.

2018થી આ રીતે રાજકીય પક્ષો ગેરકાયદેસ રીતે મેળવેલા ભંડોળથી ચાલતી રહી. વિશેષ કરીને તો સત્તા પક્ષ. જે બાબત સર્વત્ર અયોગ્ય ઠેરવાય તે પાંચ-પાંચ વર્ષ સુધી ચાલે તો તે સરકારને ક્યાંથી પ્રજાનું હિત ઇચ્છતી હોય.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular