કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા’ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Raghuram Rajan) અને રોહિત લાંબા લિખિત ‘બ્રેકિંગ ધ મોલ્ડ’ નામનું પુસ્કત પ્રકાશિત થયું છે અને આ પુસ્તક ભારતનું આર્થિક ચિત્ર ભવિષ્યમાં કેવું હશે તે જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રઘુરામ રાજન સાથે આ પુસ્તકના સહલેખક રોહિત લાંબા (rohit lamba) ‘પેન્સિવેલિનિયા સ્ટેટ યુનિવર્સિટી’માં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે અને તેમનું મહદંશે કાર્ય આર્થિક-નીતિ પર સંશોધન કરવાનું રહ્યું છે. આ સંદર્ભે રઘુરામ રાજન અને રોહિત લાંબાના ઇન્ટરવ્યૂ મીડિયામાં થઈ રહ્યાં છે અને ભારતીય અર્થવ્યવસ્થાને લઈને તેઓ કેટલીક રસપ્રદ વાતો મૂકી રહ્યા છે.

આવી એક મુલાકાતમાં જ્યારે રોહિત લાંબાને પૂછવામાં આવ્યું કે, તેઓ ભારતીય વર્તમાન અર્થતંત્ર વિશે શું માને છે ત્યારે તેઓ કહે છે : “એ આનંદની વાત છે કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બન્યું છે. પરંતુ અમે આ પુસ્તકમાં એ તથ્ય મૂકી રહ્યા છે કે અમે દેશને કેવી રીતે જોઈ રહ્યા છીએ. અને જ્યારે 2047માં આપણે સો વર્ષ પૂરા કરીશું ત્યારે આપણું એવું સપનું હોવું જોઈએ કે સરેરાશ માથાદીઠ આવકમાં આપણે આજે 2500 ડોલર પર છીએ; તો કમસે કમ ચીનના સ્તર સુધી પહોંચીએ, જે 13,000ની આસપાસ છે. અમને એવું લાગે છે કે ભારતનો વર્તમાન માર્ગ છે એ આદર્શ માર્ગ નથી. અને અમે એ પક્ષ મૂકીએ છીએ કે રાજકારણ, અર્થશાસ્ત્ર અને સમાજનું જે સંયોજન છે તેને એક એવાં મોડલમાં મૂકવા જોઈએ કે જે ભારત માટે વધુ અવસર ઉભા કરે. જેથી દેશ વધુ વિકાસ કરી શકે અને આ મુદ્દા સંબંધે અમે ઘણી બધી દલીલો પુસ્તકમાં મૂકી છે. તેમાં સૌથી અગત્યની દલીલ એ છે કે દેશમાં લોકતંત્રને એક નબળાઈની રીતે ન જોવું જોઈએ. આપણે આળસ મરડીને એવો વિચાર વ્યક્ત કરીએ છીએ કે, લોકશાહીના કારણે શું ભારત પાછળ રહી ગયું છે? પુસ્તકમાં અમે એ તથ્યને પડકારીએ છીએ કે, ચીનની જેમ આપણા દેશમાં જો થોડી સરમુખત્યારશાહી જેવો માહોલ હોત તો આપણે મેન્યુફેક્ચરિંગ વધુ સારી રીતે કરી શકત. અમે માનીએ છીએ કે લોકશાહી આપણા દેશની એક મજબૂત તાકાત છે; અને જે ભારતનો ગ્રોથ પાથ છે જે સ્ટાન્ડર્ડ એક મોડલ મુજબ નથી થયો. તમે જુઓ કે અમેરિકા અને ઇંગ્લેન્ડના સો વર્ષના વિકાસનું ચિત્ર જોશો તો એક સ્ટાન્ડર્ડ મોડલ હતું કે તમે એગ્રીકલ્ચર સરપ્લસ ઇકોનોમીથી તમે એક લો સ્કેલ મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી બનો છો અને તે પછી એક હાઇ સ્કેલ સર્વિસિસમાં તમે જાઓ છો. ચીન પણ આ જ મોડલને અનુસર્યું હતું. ચીન અને કોરિયામાં એક અદભુત વાત એ થઈ કે અમેરિકા અને ઇંગ્લેન્ડે જે બસો વર્ષમાં કર્યું તે તેઓએ માત્ર ચાળીસ વર્ષમાં કરી નાંખ્યું. જેમ કે, ગરીબીમાંથી લોકોને બહાર લાવવાનું કાર્ય. આપણા દેશમાં એ નથી થયું અને તેમાં બે બાબતોમાં જાણે આપણા પર અભિશાપ રહ્યો. પહેલું તો એ લોકશાહી હોવા છતાં ભારત ગરીબ રહ્યું. બીજું કે ભારતીય અર્થતંત્ર ખેતીથી સીધું જ હાઇ સ્કીલ સર્વિસેસમાં જતું રહ્યું. જે સ્ટાન્ડર્ડમાં એક મોડલ હોય છે કે, ખેતીથી લો સ્કીલ મેન્યુફેક્ચરીગં અને તે પછી હાઇ સ્કીલ મેન્યુફેક્ચરિંગમાં જાય. પરંતુ 90ના દાયકામાં ભારતના અર્થતંત્રમાં જે સૌથી મોટો હિસ્સો હતો, જેનાથી સૌથી વધુ વેલ્યૂ એડ થઈ રહી હતી તે આઈટી સર્વિસિસ હતી. પછી આ સર્વિસિસમાં કન્સલ્ટિંગ આવ્યું, ફાઇનાન્સિંગ આવ્યું અને એટલે જ આજના સમયમાં દુનિયાભરના બેંકોની બીજા ક્રમાંકની શાખાઓ અમેરિકાની બહાર ભારતમાં છે. આપણે ગરીબ દેશો હોવા છતાં હાઇટેક સર્વિસનું નિકાસ કરી રહ્યા છીએ. જેમાં આપણાં લાખો યુવાનો કામ કરી રહ્યા છે. વિશ્વના અર્થતંત્રના મોડલમાં આ એક અપવાદ છે.”

આગળ રોહિત લાંબા ભારતીય અર્થતંત્ર જે રીતે આગળ વધ્યું તેને લઈને જાણીતાં અર્થશાસ્ત્રી ગુરુચરણ દાસની – ‘ઇંડિયા ગ્રોઝ એટ દ નાઇટ’ વાત ટાંકીને રજૂઆત કરીને કહે છે કે તેનો અર્થ એવો થાય કે દિવસમાં સરકાર જાગેલી હોય છે જે તમને સમૃદ્ધ થવા નથી દેતી. સરકાર એટલી બધી અડચણો ઊભી કરે છે કે દેશનો ગ્રોથ જ ન થયો. ગુરુચરણ દાસે આ કહ્યું ત્યારે કોલ સેન્ટર રેવોલ્યુશન ચાલી રહ્યું હતું, ત્યારે આ વાત બંધબેસતી લાગતી હતી. બધા રાત્રે કામ કરી રહ્યા હતા. સર્વિસને લઈને ભારતમાં જે થયું તેમાં આપણે કશુંય આયોજન નહોતું કર્યું. અર્થતંત્રમાં જે કંઈ પણ વિકાસ થયો તે લોકોની પોતાની ક્ષમતાના આધારે. દેશમાં એન્જિનિયર્સ હતા, અંગ્રેજી ભાષા હતી તે વખતે ગ્લોબલ ડિમાન્ડ વધી રહી હતી, કામ કરનારાઓ ઓછાં વળતરે કામ કરતા હતા. તેથી આપણે સર્વિસમાં ખૂબ આગળ વધી ગયા.
આ પુસ્તક સંદર્ભ જ્યારે રઘુરામ રાજનને અર્થશાસ્ત્ર બાબતે વર્તમાન વ્યવસ્થામાં કયા સુધારા કરવા જોઈએ તે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે, “આપણે ચીનના જૂના માર્ગે આગળ વધી રહ્યા છીએ. આપણે અત્યારે માળખાકીય સુવિધા નિર્માણ કરી રહ્યા છે, જે ઝડપી વિકાસનો પર્યાય છે. જોકે આ માળખાકીય નિર્માણ સરકાર દ્વારા થઈ રહ્યું છે, નહીં કે ખાનગી સેક્ટર દ્વારા. ખાનગી સેક્ટર દ્વારા માળખાકીય નિર્માણ કામ ધીરે ગતિએ થાય છે અને તેથી આપણે લો સ્કીલ મેન્યુફેક્ચરીંગથી હાઇ સ્કીલ મેન્યુફેક્ચરીંગ પર તો જઈશું પણ તેના પરિણામે ભારત દુનિયાનું માત્ર વર્કશોપ બની શકશે. જે રીતે પૂર્વીય એશિયન દેશો બન્યા છે. આપણાં દૃષ્ટિકોણનો સૌથી મોટા પ્રશ્ન એ છે કે દુનિયા આજે આગળ વધી રહી છે અને હવે એવું નહીં થાય કે ચીનની જેમ બીજો એક દેશ પોતાના મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન દ્વારા માર્કેટમાં શાસન કરશે. ચીન આ બાબત અવ્વલ છે અને રહેશે. આ બાબત અમેરિકાને સુધ્ધા ખબર છે અને તે રીતે માર્કેટને સર કરવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યું નથી. અને એ માટે ચીન પણ અત્યારે અદ્ભુત કહી શકાય તેવી યુનિવર્સિટી નિર્માણ કરી રહ્યું છે.
ચીન હવે બૌદ્ધિક સંપત્તિ અને મૂડીને અંકે કરવાનો પ્રયાસ કરે છે. હવે મેન્યુફેક્ચરીંગ બધા માટે જ ઉપબલ્ધ છે, તેમાં આપણો એકાધિકાર શક્ય નથી.” એટલે એ પ્રમાણે વર્તમાન વ્યવસ્થામાં પરિવર્તન રઘુરામ રાજન ઇચ્છે છે. આગળ તેઓ જણાવે છે કે, “હું કોઈ સરકારમાં બુદ્ધિક્ષમતાની મર્યાદા જોતો નથી. દરેક સરકારમાં નિપુણ લોકો હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે જે નાણાં ખર્ચ થયા છે તેનો વધુ સારો ઉપયોગ થઈ શકત? અને તેથી જ અત્યારે હું લો સ્કીલ મેન્યુફેક્ચરીંગની હિમાયત કરું છું, કારણ કે તેનાથી આપણે ધીરે ધીરે આગળ વધીશું. આપણે ત્યાં અત્યારે અનેકે કારખાનાં ખુલી રહ્યા છે તેવા ન્યૂઝ સાંભળીએ છીએ. પરંતુ તે લાંબા ગાળાની કે ટકાઉ નીતિ નથી. અને તેથી આપણે આયોજન મુજબ જ આગળ વધવું જોઈએ. એટલે આપણે વિચારવું જોઈએ કે આપણે ત્યાંનો લેબર ફોર્સ વીસમી સદીમાં યોગ્યતા નહોતો ધરાવતો, તો હવે 21સદીમાં તે કેવી રીતે સ્પર્ધા કરી શકશે? અને તેથી જ આપણે કોઈ કંપનીને સબસિડીઝ આપવાની જગ્યાએ તે નાણાંને બિહાર કે ઝારખંડમાં શિક્ષણ પાછળ ન ખર્ચી શકીએ? દિલ્હી જેવું રાજ્ય મૂડી હોવાના કારણે શિક્ષણમાં આવી ક્રાંતિ કરી શક્યું છે. જોકે તે ઉપરાંત આપણે વ્યવસ્થામાં વિકેન્દ્રીકરણ લાવવું જોઈએ. દેશ ઘણો મોટો છે તેથી આપણે જે દૃશ્યમાન થતું નથી તેવા ભારતને યોગ્ય રીતે ગોઠવી શકીએ. અહીં કશુંય નિર્માણ કરવાનું નથી. જે માનવમૂડી છે તેમના માટે યોગ્ય કાર્ય ઊભું કરવાનું છે.” આવી અનેક આંખ ઉઘાડનારી વાતો રઘુરામ રાજન અને રોહિત લાંબાના પુસ્તકમાં ‘બ્રેકિંગ ધ મોલ્ડ’ તર્કદલીલ સાથે મૂકાઈ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








