ડોલર રૂપિયાની જોડ કુદરતી ન્યાયે ટૂંકાગાળા માટે સ્થિરતા ધારણ કરશે
રૂપિયાનું મૂલ્ય નક્કી કરતી વખતે ભારત/અમેરિકા વચ્ચેના આર્થિક વ્યવહારો ધ્યાનમાં લેવાના રહેશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ફુગાવો ઓછો થશે, એવા આશાવાદ વચ્ચે ૨૦૨૪માં અમેરિકન ફેડરલ રિઝર્વ વારંવાર વ્યાજદર ઘટાડશે, એવા અનુમાન પર કરન્સી બજારમાં રૂપિયો મજબૂત થશે. અમેરિકન ડોલર સામે રૂપિયો ૨૦૨૩માં વાર્ષિક સરેરાશ રૂ. ૮૨.૫૭ રહ્યો હતો. ૨૨ જાન્યુઆરી રૂપિયો સૌથી મજબૂત રૂ. ૮૦.૯૬ અને ૩ ડિસેમ્બરે ઓલ ટાઈમ સૌથી નબળો રૂ. ૮૩.૫૦ મુકાયો હતો. જાન્યુઆરીથી વર્ષાન્ત સુધીમાં રૂપિયો ૨.૮૨ ટકા અને ૨૦૨૧ની તુલનાએ ૧૫ ટકા નબળો પડ્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વારંવાર બજાર મધ્યસ્થી કરીને રૂપિયાને વધુ પડતો તૂટી જતા બચાવ્યો હતો.

દરમિયાન, આરબીઆઇએ ફુગાવાદર ૪ ટકાના વાજબી સ્તરેથી વધીને ૬.૫ ટકા રહેવાનું અનુમાન દાખવ્યું છે, આને લીધે સેન્ટ્રલ બેન્કે તેની નાણાંનીતિ ટાઈટ રાખી હતી. ઓકટોબર ૨૦૨૩માં ફુગાવાદર ચાર મહિનાના તળિયે ૪.૮૭ ટકા મુકાયો હતો. ભારતીય અર્થશાસ્ત્રી માને છે કે આરબીઆઇ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિકથી વ્યાજદર ઘટાડવાનું વિચારશે. આથી વિપરીત તેઓ માને છે કે અમેરિકા વહેલામાં વહેલુ આ વર્ષના માર્ચ સુધીમાં વ્યાજદર ઘટાડવાનું આરંભ કરશે. આ જોતાં ડોલર રૂપિયાની જોડ, કુદરતી ન્યાયે ટૂંકાગાળા માટે સ્થિરતા ધારણ કરશે. જો ભાવ રૂ. ૮૩.૪૩ના રેસિસ્ટંટ પાર પાડશે તો ડોલરના સટ્ટોડિયા તેજી ધ્યાને સોદા ગોઠવશે.
લાંબાગાળે ડોલર સામે રૂપિયો મજબૂતી ધારણ કરી શકે છે. ટ્રેડરો નવા આર્થિક ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે, જે એશિયન કારન્સીની દિશાદોર નક્કી કરશે. આથી જ છેલ્લા કેટલાંક સપ્તાહોથી રૂ. ૮૩ આસપાસ અથડાયા કરે છે. રૂપિયાની આગાહી કરતા ટ્રેડરો કહે છે કે ૨૦૨૩ના અંત સુધી બહુ મોટી ઉથલપાથલ વગર રૂપિયો અંદાજે ૮૨.૭૦ આસપાસ ફરતો રહો હતો, પણ ૨૦૨૪ના આરંભમાં તે થોડી મજબૂતી ધારણ કરી રૂ. ૮૨.૬૦ આસપાસ રહી શકે છે.
કરન્સી ટ્રેડરો કહે છે કે ૨૦૨૪માં ડોલરના તેજીવાળાઓએ રૂ. ૮૩.૫૦ના નફા બુકિંગ માટે તૈયારી રાખી, રૂ. ૮૨.૩૦ નો સ્ટોપલોસ રાખી રૂ. ૮૨.૮૦ના ભાવથી લેણમાં રહી શકે છે. ૨૦૨૪માં તેજીવાળા ડોલર સામે રૂપિયાનો સ્ટોપલોસ રૂ. ૮૩.૧૦ રાખીને પણ લેણ કરી રૂ. ૮૮.૫૦ના ભાવે નફાબુકિંગ કરી શકે છે. રૂપિયાનું મૂલ્ય નક્કી કરતી વખતે ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક પ્રવાહના મુદ્દાઓ ધ્યાન પર લેવાના રહેશે.
૨૦૨૪માં અમેરિકન ડોલર અને રૂપિયાના મૂલ્યની આગાહી કરવા માટે પાછલા ૧૦ વર્ષના ભાવનો ઇતિહાસ અને મૂલ્યાંકન સમજવા જરુરી રહેશે. ઐતિહાસિક દ્રષ્ટિએ ૨૦૨૩માં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય વધીને હાલમાં રૂ. ૮૩ આસપાસ પ્રવર્તે છે. ૧૦ વર્ષ અગાઉ રૂપિયાનું મૂલ્ય ૫૬.૫૭ હતું, રૂપિયાના મૂલ્યમાં આટલી બધી નબળાઈ આવવા માટે અનેક કારણો જવાબદાર છે. આટલા વર્ષોમાં જાગતિક અર્થતંત્રનું માળખું બદલાઈ ગયું છે, વેપાર પધ્ધતિમાં ભારે બદલાવ આવ્યો છે, ભૂ-ભૌગોલિક ઘટનાઓ અને રાજકારણમાં આવતા નાટ્યાત્મક પરિવર્તનો આ બધી ઘટનાઓ કરન્સી મૂલ્યમાં પરિવર્તન લાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે.
૨૦૨૦ પછી પહેલી વખત છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ ૨૦૨૩માં બે ટકા ઘટ્યો હતો. અમેરિકન ફેડ રિઝર્વની ડિસેમ્બર મિટિંગમાં ચેરમેન જેરોમ પોવેલે કહ્યું કે ફુગાવાને કાબુમાં લેવા છેલ્લા એક દાયકામાં વ્યાજદર સૌથી ઊંચા લેવલે લઈ જવાની ઐતિહાસિક નાણાનીતિ અખત્યાર કરી હતી, તે હવે પૂરી થઈ છે. ૨૦૨૪માં ફેડ ૦.૭૫ ટકા વ્યાજ ઘટાડવાની યોજના વિચારે છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








