Wednesday, May 27, 2026
HomeNavajivan CornerLink In Bioહરિતક્રાંતિના પ્રણેતા એમ. એસ. સ્વામિનાથનની વિદાય…

હરિતક્રાંતિના પ્રણેતા એમ. એસ. સ્વામિનાથનની વિદાય…

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશની હરિક્રાંતિના (Green Revolution) પ્રણેતા મનકોમ્બુ સંબાસિવન સ્વામિનાથનનું (M S Swaminathan) 28 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું. નાગરિકરત્ન એમ. એસ. સ્વામિનાથનની ખ્યાતિ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ હતી; અને એટલે તેઓને ‘રેમન મેગ્સેસ એવોર્ડ’, ‘આલ્બર્ટ આઇનસ્ટાઇન વર્લ્ડ સાયન્સ એવોર્ડ઼’, ‘વર્લ્ડ ફૂડ પ્રાઇઝ’, ‘ટાયલર પ્રાઇઝ ફોર એન્વાયર્મેન્ટલ અચિવમેન્ટ’ અને ‘ફોર ફ્રિડમ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. દેશને અનાજ બાબતે આત્મનિર્ભર કરવાનો ઉપક્રમ એમ. એસ. સ્વામિનાથનથી આરંભાયો, તે અગાઉ દેશમાં અનાજ આપૂર્તિ માટે અમેરિકા કે અન્ય દેશ પર આધારીત રહેવું પડતું. આ સ્થિતિથી બહાર નિકળીને અનાજ માટે આત્મનિર્ભર થવાનો ઉદ્દેશ્ય આઝાદી બાદ તુરંત હાથે લેવાયો. પણ તેના સંજોગો બન્યા લાલબહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન. દેશની મહદંશે પ્રજા કૃષિ આધારીત હતી, પરંતુ કૃષિ સંબંધે દેશમાં કોઈ ઠોસ આયોજન થયું નહોતું. સિંચાઈ નહોતી અને તે કારણે ખેતી વરસાદ આધારે થતી. આ ઉપરાંત વર્ષમાં વધારે પાક લેવાનો પણ કન્સેપ્ટ નહોતો. ખાતર ઉપયોગ પણ ન્યૂનત્તમ થતો. ખેતીની આ સ્થિતિને એમ. એસ. સ્વામિનાથને પારખી અને તેમાં પહેલ માટે અમેરિકાના કૃષિવિજ્ઞાની નોર્મન બોર્લોગનું માર્ગદર્શન મેળવ્યું. આ રીતે એક પછી એક વિચાર અમલમાં મૂકાયો અને દેશના ખેતી હરિયાળી બનતી ગઈ. 1970નો દશક આવતાં આવતાં પૂરા દેશના ખેડૂતો તેમાં આવરી લેવાયા.

m s swaminathan
m s swaminathan

હરિત ક્રાંતિના જનક તરીકે મળેલી સફળતા પાછળ એમ. એસ. સ્વામિનાથનના પરિવારની પૃષ્ઠભૂમિ હતી. પિતા એમ. કે. સંબાસિવન જનરલ સર્જન હતા અને દેશ પ્રત્યેનો પ્રેમ ઘરમાં પાંગરતો આવ્યો હતો એટલે આઝાદીની દરેક પ્રવૃત્તિથી માહિતગાર. માતા પાર્વતી સંબાસિવન પણ ગાંધીપ્રેમી અને ચરખા પ્રવૃત્તિથી આકર્ષયેલા. માતાનો આગ્રહ એવો કે ઘરમાં ઓછામાં ઓછું એક કલાક ચરખો સૌએ કાંતવાનો. આ રીતે સ્વામિનાથનનું ઘડતર થયું. તેઓ ‘રાજ્યસભા’ ચેનલમાં આપેલી મુલાકાતમાં જણાવે છે કે અહીંથી જ તેમને સ્વદેશીના પાઠ ભણવા મળ્યા. પહેલાં કાપડ માટે અહીંયાથી આપણો કાચો માલ યુરોપમાં લેન્કેશાયરમાં મોકલવામાં આવતો, એના કરતાં આપણે જો જાતે જ કાપડ બનાવીએ તો તેનો ખર્ચ કેટલો ઘટી જાય. ઘરમાં આ પ્રકારની ભાવના એટલી પ્રબળ હતી કે સ્વામિનાથનના પિતાએ સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાનું જ ફાવ્યું. નાણાં માટે તેમણે ક્યારેય મેડિકલ પ્રેક્ટિસ ન કરી. તત્કાલિન મદ્રાસ રાજ્યમાં કુમ્બાકોનમમાં નિવાસ કરતા હતા ત્યાં મચ્છરોનો ખૂબ ઉપદ્રવ હતો. સ્વામિનાથનના પિતાનું કહેવું હતું કે મચ્છરો ઇશ્વરદત્ત નથી બલકે તે માનવસર્જિત છે. એટલે મચ્છરોનો ઉપદ્રવને દૂર કરવા ઇશ્વર પાસે મદદ ન માંગો, તે માટે આપણે જ કંઈ કરવું પડશે. એ રીતે તેમણે પ્રચાર કર્યો અને મ્યુનિસિપલ ચેરમેન તરીકે ચૂંટાયા. માત્ર એક જ વર્ષમાં તેમણે મચ્છરોનો ઉપદ્રવ પૂરા શહેરમાંથી દૂર કર્યો. શિક્ષણ, જાગ્રતિ અને સામાજિક રીતે લોકોને જોડીને તેઓ આ કરી શક્યા. આ રીતે ઘરમાં જ સ્વામિનાથનને પોતાના પિતા-માતા પાસેથી સેવાના પાઠ ભણવા મળ્યા. ઉપરાંત સ્વામિનાથનના સગાસંબંધીઓ ચોખાની ખેતી કરતાં અને કેટલાંક પાસે કોફી અને કેરીના બાગ હતા. નાનપણથી તેમણે એ જોયું કે ખેડૂતનું બધું જ અવલંબન હવામાન પર રહેતું. પરિવારથી આ શિક્ષણ મળ્યું એટલે દિર્ઘદૃષ્ટિ કેળવાઈ. અઢારના થવા આવેલા સ્વામિનાથને 1943માં બંગાળના દુકાળ અને વિશ્વયુદ્ધની સ્થિતિ જોઈ ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે દેશ હજુય પૂરતું અનાજ પકવી શકતો નથી. બસ, ત્યારથી તેમણે દૃઢનિશ્ચય કર્યો કે તેઓ દેશ અનાજ બાબતે આત્મનિર્ભર બને તે માટે પૂરું જીવન આપીશ.

- Advertisement -
m s swaminathan
m s swaminathan

જીવનના આરંભિક પડાવમાં મળેલું શિક્ષણ સ્વામિનાથનના કિસ્સામાં ખૂબ કામ આવ્યું અને તેમણે સૌપ્રથમ કેરળમાંથી પ્રાણીવિજ્ઞાન વિષયમાં ડિગ્રી મેળવી. ત્યાર બાદ મદ્રાસ યુનિવર્સિટીમાંથી કૃષિવિજ્ઞાન વિષયમાં અભ્યાસ કર્યો. આ જ વિષયના તેઓ અધ્યાપક બન્યા. જોકે તેમને કૃષિ સંશોધનમાં રસ હતો, તેથી 1947માં તેઓ દિલ્હી સ્થિત ‘ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ સાથે જોડાયા. અહીંયા તેમણે જનનવિદ્યા અને છોડ સંવર્ધન વિશેનો અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન ‘યુપીએસસી’ની પરીક્ષા આપીને ‘ઇન્ડિયન પોલિસ સર્વિસ’માં પણ પસંદગી પામ્યા. જોકે નેધરલેન્ડમાં યુનેસ્કોની તેમને ફેલોશિપ મળી જેના કારણે તેમનું કૃષિ સંશોધનકાર્ય આગળ વધ્યું અને તેમણે કારકિર્દીના અન્ય તમામ વિકલ્પો પર પૂર્ણવિરામ મૂકી દીધું.

m s swaminathan
m s swaminathan

અભ્યાસ દરમિયાન જે સપનાં જોયા હતા તે સપનાં સાકાર કરવાનો રાજમાર્ગ નેધરલેન્ડમાં મળ્યો. અહીંયા તેમણે ટમાટર અને બટાકામાં જે જીવાત આવે તેનું નિવારણ લાવવા માટેના સફળ પ્રયોગો કર્યા. 1950માં પ્લાન્ટ બ્રિડિંગના વધુ અભ્યાસ અર્થે તેઓ કેબ્રિજ યુનિવર્સિટી ગયા. કેમ્બ્રિજમાં ‘પીએચડી’નો અભ્યાસ કર્યા બાદ તેમને ઇન્ડિયન સિવિલ સર્વિસના એક પૂર્વ અધિકારી એફ. એલ. બ્રાયને સાથે એક મહિના જેટલો સમય વિતાવવા મળ્યો. બ્રાયન પાસે ભારતના ગામડાંઓનો અનુભવ ખૂબ હતો, જેનાથી સ્વામિનાથન ખાસ્સા પ્રભાવિત થયા. સંશોધનમાં તેઓ એટલાં ખૂંપી ગયા કે તે માટે આગળ અમેરિકા ગયા. વિસ્કોનશીન યુનિવર્સિટીમાં એસોશિયેટ રિસર્ચર તરીકે જોડાયા અને અહીંયા બટાકા અર્થે એક સંશોધન પ્લેટફોર્મ પણ સ્થાપ્યું. વિશ્વમાં નામના મેળવનારા કૃષિવિજ્ઞાનીઓ પાસે અહીંયા ભણવા મળ્યું.

m s swaminathan
m s swaminathan

ઘર પરિવારમાંથી મળેલું કૃષિ અનુભવનું ભાથું અને તે પછી વિશ્વભરનું કૃષિજ્ઞાન સમેટીને જ્યારે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે દેશ આઝાદ થઈ ચૂક્યો હતો. ફરી તેમની સફર ‘ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ સાથે આરંભાઈ. તેમાં મદદ મળી અમેરિકન કૃષિવિજ્ઞાની નોર્મન બોર્લોગની. તે ગાળા દરમિયાન ઘઉંનું ઉત્પાદન વધે તે માટેના પ્રયાસ થઈ રહ્યા હતા. નોર્મને મેક્સિકોના અવિકસિત ઘઉં અને જાપાનની એક ઘઉંની જાત સાથે ભારતમાં પ્રયોગ આદર્યા. એક પ્લોટમાં જ્યારે આ પ્રયોગ થયા ત્યારે તેના પરિણામ ખૂબ સારાં મળ્યા. આ પાક ખાસ્સું ઉત્પાદન આપનારો, ગુણવત્તાયુક્ત અને રોગથી મુક્ત હતો. પહેલાં તો ખેડૂતો આ સ્વીકારશે કે નહીં તેને લઈને પ્રશ્નો હતા. પરંતુ સ્વામિનાથને કરેલી અનેક વિનંતી પછી એક હેક્ટરમાં આ પ્રયોગ કરવા મળ્યા. પરિણામ આવ્યું ત્યારે ખેડૂતોની ચિંતા દૂર થઈ. તે પછી બિયારણને પ્રયોગો કરીને દેશના હવામાન વધુ યોગ્ય બનાવ્યા. આ રીતે ઘઉંનું નવું બિયારણ તૈયાર થયું અને 1968માં દેશનું ઘઉંનું ઉત્પાદન 5 મિલિયન ટન વધુ થયું.

- Advertisement -
m s swaminathan
m s swaminathan

1970માં નોર્મન બાર્લોગ નોબલ પુરસ્કાર સ્વીકારવાના થોડાજ વખત પહેલાં સ્વામિનાથનને લખ્યું કે, હરિત ક્રાંતિ એ એક આખી ટીમનો પ્રયાસ છે અને તેના યોગદાન યશ ભારતના અધિકારીઓ, સંગઠનો, વિજ્ઞાનીઓ, ખેડૂતોને જાય છે. અને ખાસ તમને ડો. સ્વામિનાથન, જેઓ મેક્સિકોના બિયારણનું મૂલ્ય સમજ્યા. અને તેમ ન થયું હોત તો એશિયા હરિતક્રાંતિનું સાક્ષી ન બન્યું હોત. અને આ ક્રાંતિના માત્ર ચાર જ વર્ષમાં દેશ અનાજ મામલે પૂર્ણ રીતે આત્મનિર્ભર બન્યો.

સ્વામિનાથને જે વિચાર્યું તે સપનું 1971માં સાકાર તો થઈ ચૂક્યું તેમ છતાં દેશમાં અનેક એવાં ક્ષેત્રો હતા જેમાં કામ કરવાનું બાકી હતું. ભારત સરકારમાં તેમને પ્રિન્સિપાલ સેક્રેટરીનું પદ મળ્યું. પછી તેઓ આયોજન પંચમાં આવ્યા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચના ઉપક્રમે તેમણે દેશભરમાં કૃષિ સંશોધન કેન્દ્રો સ્થાપ્યા. વિશ્વની ખ્યાતનામ સંસ્થાઓના ડિરેક્ટર પદે રહ્યા. પોતાના અનુભવનું ભાથું વિશ્વભરમાં આપ્યું અને એવાં સ્થાને પહોંચ્યા જ્યાં તેમના જ નામે એક રિસર્ચ ફાઉન્ડેશન સ્થપાયું. અનેક દેશોમાં પણ તેઓ કૃષિ આધારીત સંશોધન કેન્દ્ર સ્થાપવામાં મદદ કરી. આજે તેમના નામે અનેક પુસ્તકો છે અને સંશોધન અહેવાલો છે.

હરિતક્રાંતિ થઈ અને તેનાથી દેશને લાભ ચોક્કસ થયો, પરંતુ તેનાથી કેટલુંક નુકસાન પણ થયું. આ બાબતે કેટલાંક પર્યાવરણવાદીઓ હરિતક્રાંતિની ટીકા પણ કરે છે. જમીન થયેલું કાયમી નુકસાન ઉપરાંત ખેડૂતોમાં આર્થિક અસામનતા વધી તેવા પણ અભ્યાસ થયા છે. કૃષિના કેટલાંક અભ્યાસુઓ પંજાબમાં થઈ રહેલાં ખેડૂતોની આત્મહત્યામાં હરિતક્રાંતિને પણ જવાબદાર ઠેરવે છે. જોકે સ્વામિનાથનનું જે જીવનકાર્ય રહ્યું તેમાં વિવાદીત હિસ્સો ઘણો ઓછો રહ્યો.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular