પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-11): Akshardham Temple Attack Series : જે પ્રકારે પોલીસના અધિકારીઓ અને જવાનો ટેરરિસ્ટના નિશાન બની રહ્યા હતા; એ પરથી નક્કી થયું કે, ગુજરાત પોલીસ (Gujarat Police) વર્તમાન સ્થિતિ માટે તૈયાર નથી. જો આ ઓપરેશન લાંબુ ચાલે, તો ગુજરાત પોલીસના અધિકારીઓની વધુ કેઝુઅલ્ટિ થાય તેમ હતી. ગુજરાત પોલીસના બે કમાન્ડો શહિદ થયા હતા. ઉપરાંત એક ડી.એસ.પી., એક સબઇન્સપેક્ટર અને છ જવાનોને ગોળી વાગી હતી.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) સરકારી બંગલે હાજર કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ (L. K. Advani) ચર્ચા કર્યા પછી નિર્ણય કર્યો કે, ગુજરાત પોલીસનું ઓપરેશન અહીંયાં જ અટકાવી દેવામાં આવે. એટલું જ નહીં, આ પ્રકારના ટેરરિસ્ટ અટેકનો સામનો કરવા માટે સક્ષમ એવા નેશનલ સિક્યૂરિટી ગાર્ડને (NSG) દિલ્હીથી બોલાવી લેવામાં આવે. લાલકૃષ્ણ અડવાણીએ કેન્દ્રના અધિકારીઓ સાથે વાત કરી અને કહ્યું, “વધુમાં વધુ ઝડપે એન.એસ.જી. કમાન્ડો ગાંધીનગર મોકલી શકાય એની તૈયારી કરો.”
અડવાણીનો આદેશ થતાં જ દિલ્હીમાં ધમધમાટ શરૂ થઈ ગયો. દિલ્હીના એરપોર્ટ પર ભારતીય વાયુસેનાનું એક ખાસ પ્લેન તરત આવી ગયું. એન.એસ.જી. કેમ્પમાં રહેલા કમાન્ડોને આદેશ મળી ગયો કે, ગાંધીનગર પહોંચવાનું છે. આ દરમિયાન અક્ષરધામની (Akshardham) અંદર રહેલા ટેરરિસ્ટ ભાગી ન જાય તેની તકેદારી ગુજરાત પોલીસે રાખવાની હતી. સાથે સાથે હવે પોલીસે ગેમ પણ સેફ રીતે રમવાની હતી. તેઓ ટેરરિસ્ટની ફાયરિંગ રેંજમાં ન આવે એ રીતે માત્ર ટેરરિસ્ટને રોકી રાખવા માટે લડવાનું હતું.
એન.એસ.જી.ને જ્યારે આદેશ મળ્યો કે, ગુજરાતમાં ગાંધીનગર જવાનું છે; ત્યારે રાતના નવ વાગી રહ્યા હતા. ડી.એસ.પી. બ્રહ્મભટ્ટે (DSP RB Brahmbhatt) ત્યાં હાજર પોલીસ અધિકારીઓ સાથે નવી યોજના બનાવી. તેમણે પોતાના અધિકારીઓ અને જવાનોને સલામત અંતરે પોઝિશન લેવા કહ્યું અને થોડી થોડી વારે ટેરરિસ્ટ તરફ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. તેનું પહેલું કારણ એવું હતું કે, તેઓ ટેરરિસ્ટને સતત એંગેજ રાખવા માગતા હતા. જેથી તેઓ પોતાની જગ્યા બદલે નહીં. ઉપરાંત પોલીસ તરફથી થતાં ફાયરિંગને કારણે ટેરરિસ્ટને ખાતરી થાય કે, પોલીસ હજી પાછળ હટી નથી. બીજું કારણ એવું હતું કે, ટેરરિસ્ટ તરફ ફાયરિંગ થાય ત્યારે તે પણ જવાબમાં ફાયરિંગ કરતા હતા. જેથી એન.એસ.જી. આવે ત્યાં સુધી તેમની પાસે રહેલાં એમ્યુનિશન ઘટવા લાગે અને તેમની લડવાની તાકાત પણ ઘટી જાય.
ડી.એસ.પી. બ્રહ્મભટ્ટના હાથમાં ગોળી વાગી હતી, પણ તેઓ સિવિલમાં સારવાર લઈ પાછા અક્ષરધામ આવી ગયા હતા. સિવિલમાં રહેલા ડૉકટરે પી.એસ.આઈ. ડી. પી. ચુડાસમાને તપાસીને કહ્યું હતું કે, મામલો ગંભીર છે. કારણ કે, ખભાનું હાડકું તોડીને ગોળી પીઠમાં મણકા પાસે પહોંચી ગઈ છે. ત્યારે ડી. પી. ચુડાસમાનો પરિવાર ગાંધીનગર સિવિલ આવી ગયો હતો. તેમણે તરત અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ચુડાસમાને લઈ જવાનો નિર્ણય કર્યો. યોગેન્દ્ર રાજપૂત અને તેમની સાથે રહેલા કમાન્ડોના શરીરમાં બુલેટ ફસાઈ ગઈ હતી. આ તમામને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. છથી આઠ કમાન્ડોના શરીરમાં તો બુલેટ એવી રીતે ફસાઈ હતી કે, ઓપરેશન કરવું પણ શક્ય નહોતું. તે જવાનો આજે પણ ટેરરિસ્ટની બુલેટ સાથે જીવી રહ્યા છે.
ગાંધીનગર પહોંચેલા પત્રકારોને હવે ચાર પાંચ કલાક થઈ ગયા હતા. અમારી પાસે બિસ્કિટનાં જે પેકેટ હતાં, તે બધાં ખલાસ થઈ ગયાં હતાં. હવે રિપોર્ટિંગમાં આવેલા પત્રકારોની સ્થિતિ એવી હતી કે, ગાંધીનગરમાં કરફ્યૂ લાદી દેવામાં આવ્યો હોવાને કારણે ખાવાનું તો ઠીક; પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ હતી. અમે સલામત અંતરે ઊભા હોવા છતાં અક્ષરધામની ફરતે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસપાર્ટી સતત અમને દૂર રહેવા સૂચના આપી રહી હતી. કારણ કે, અક્ષરધામની અંદરથી ટેરરિસ્ટ ફાયરિંગ કરી રહ્યા હતા. તેમની બુલેટ અમને વાગી જવાની પોલીસને ચિંતા હતી.
દિલ્હીથી ખાસ વિમાન દ્વારા એન.એસ.જી. કમાન્ડો રવાના થયા છે. તેવો સંદેશો ગુજરાત પોલીસને મળતાં અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવાના આખા રસ્તાને પોલીસે સામાન્ય માણસો માટે બંધ કરી દીધો હતો. કારણ કે,, જેવું એન.એસ.જી.નું પ્લેન લેન્ડ થાય તેની સાથે જ તેમને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લાવવાની વ્યવસ્થા કરવાની હતી. ગુજરાત પોલીસના વાહનો પણ એરપોર્ટ પર તૈયાર જ હતાં. લગભગ સાડાદસ વાગ્યે સેનાનું ખાસ વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું. એન.એસ.જી.ના કમાન્ડોને એક ખાસ દરવાજેથી એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા. તેમના શરીર પર બુલેટપ્રૂફ જેકિટ અને હાથમાં આધુનિક હથિયાર હતાં.
એમ્યુનિશનનો મોટો જથ્થો તેઓની પાસે હતો. ગણતરીની મિનીટોમાં એન.એસ.જી. જવાનોની ટીમ અક્ષરધામ જવાના રવાના થઈ ગઈ. અક્ષરધામની આસપાસનો વિસ્તાર પણ ક્લિઅર કરી દેવામાં આવ્યો હતો. પત્રકારો અને તેમના વાહનોને પણ હટાવી દેવામાં આવ્યા હતા. લગભગ અગિયાર વાગ્યાની આસપાસ એન.એસ.જી.ની ટીમ અક્ષરધામમાં દાખલ થઈ.
બ્રિગેડિયર સિતાપતિ (Brigadier Sitapati) એન.એસ.જી. કમાન્ડોની ટીમને લીડ કરી રહ્યા હતા. તેઓ અક્ષરધામમાં દાખલ થયા એટલે તરત ડી.એસ.પી. બ્રહ્મભટ્ટે તેમને રિપોર્ટ કર્યો. સાંજના પાંચથી હમણાં સુધી શું બન્યું તેનું બ્રિફિંગ આપ્યું. બ્રિગેડિયર સિતાપતિને કેટલાક સવાલો હતા, તેની પણ તેમણે જાણકારી મેળવી લીધી. એન.એસ.જી. ઓપરેશન પોતાની રીતે કરે છે. દેશમાં ટેરરિસ્ટ અટેક વખતે એક્શનમાં આવતી એન.એસ.જી.ને સ્વાભાવિક રીતે દરેક અટેક વખતે સ્થાનિક ભૂગોળની ખબર ન હોય. એન.એસ.જી.ની પ્રાથમિકતા પણ હોય કે, આ પ્રકારના ઓપરેશન વખતે પોતાના જવાનોની ઓછામાં કેઝુઅલ્ટિ થાય. તેથી બ્રિગેડિયર સિતાપતિએ પુછ્યું, “મંદિરના નકશા કોની પાસે છે?”
ગાંધીનગરના પોલીસ અધિકારીઓ સિતાપતિ અને તેમની સાથે રહેલા અધિકારીઓને પરિસરની ડાબી બાજુ લઈ ગયા. જ્યાં સંત નિવાસ છે અને મંદિરની ઓફિસ પણ છે. સિતાપતિએ મંદિરના સંતો સાથે વાત કરી અને તેમની પાસે રહેલા નકશા દ્વારા મંદિરની ભૂગોળ સમજવાનો પ્રયત્ન કર્યો. જે સંત સિતાપતિને નકશા દ્વારા ભૂગોળ સમજાવી રહ્યા હતા; તેમણે પોતાની વાત સ્પષ્ટ કરવા મંદિર તરફનો જમણી બાજુનો દરવાજો ખોલ્યો. તેઓ કંઈક બતાવવા ગયા કે તરત જ ટેરરિસ્ટે તેમની તરફ ફાયરિંગ કર્યું. એન.એસ.જી. આવ્યા પછી ટેરરિસ્ટનું આ પહેલું ફાયરિંગ હતું
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








