Monday, September 9, 2024
HomeSeriesAkshardham Attackઅક્ષરધામ બહાર ટોળું ગુસ્સામાં હતું. ત્યારે પત્રકાર દિપક ચૌરસિયા અને શિક્તા દેવ...

અક્ષરધામ બહાર ટોળું ગુસ્સામાં હતું. ત્યારે પત્રકાર દિપક ચૌરસિયા અને શિક્તા દેવ ત્યાં પહોંચતાં; લોકો તેમને જોઈ ઉશ્કેરાઈ ગયા

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-10): Akshardham Temple Attack Series : મામલો હવે ગંભીર બની ગયો હતો. પ્રદર્શન હોલમાં રહેલા તમામ ઇજાગ્રસ્તો અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સી.આર.પી. અને રેસ્કયૂ ટીમે મુખ્ય મંદિરમાં રહેલા લોકોને પણ બહાર કાઢી લીધા હતા. ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ મંદિરમાં રહેલા ટેરરિસ્ટ પર કાબૂ મેળવવા માટે ઝઝૂમી રહી હતી. જેમાં સૌથી પહેલા કમાન્ડો અર્જુન ગામેતી (Arjun Gameti)અને ત્યાર બાદ કમાન્ડો અલ્લારખાં (Allarakha) શહિદ થયો હતો. આ ઉપરાંત કમાન્ડો યોગેન્દ્ર રાજપૂત, પોલીસ સબઇન્સપેક્ટર ડી. પી. ચુડાસમા અને ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટ (DSP RB Brahmbhatt) સહિત લગભગ બાર નાના–મોટા પોલીસ અધિકારીઓને ગોળી વાગી હતી.

ફેબ્રુઆરીમાં ગુજરાતમાં શરૂ થયેલાં કોમી તોફાન હજી માંડ શાંત પડ્યાં હતાં. ત્યાર પછી તરત ગુજરાત પર આ પહેલો ટેરરિસ્ટ અટેક હતો. દેશભરની સેન્ટ્રલ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ હતી. તેમને અંદેશો આવી ગયો હતો કે, હુમલો પાકિસ્તાનના ઇશારે થયો છે. ટેરરિસ્ટ કોણ છે; તેની જાણકારી હજી સુધી મળી નહોતી.

- Advertisement -

સામાન્ય રીતે કોઈ સ્થાનિક માણસની મદદ વગર આ પ્રકારના હુમલા ક્યારેય થતાં નથી. જેથી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો, સબસિડરી ઇન્ટેલિજન્સ બ્યૂરો તથા રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ; તમામ એજન્સી તપાસમાં લાગી ગઈ હતી. આ ઓપરેશન દરમિયાન સ્પષ્ટ થયું હતું કે, ટેરરિસ્ટ લાંબો સમય લડી શકે તે હેતુએ પૂરતી વ્યવસ્થા સાથે આવ્યા છે. ટેરરિસ્ટ પાસે સેટેલાઈટ ફોન હોવાની પણ શક્યતા હતી. એટલે દેશ બહારથી આવી રહેલા અને દેશ બહાર જઈ રહેલા શંકાસ્પદ ફોન અને સંદેશા આંતરવાની શરૂઆત થઈ ચૂકી હતી.

જે સ્થળેથી ટેરરિસ્ટ અક્ષરધામમાં પ્રવેશ્યા હતા એ જગ્યા અને ગુજરાતના મુખ્યમંત્રીના સરકારી બંગલા વચ્ચે માંડ સો ફૂટનું અંતર હતું. જ્યાં અક્ષરધામ આવેલું છે; એની બીજી તરફ રસ્તો ક્રોસ કરો એટલે મુખ્યમંત્રી અને મંત્રીઓનાં નિવાસસ્થાન શરૂ થાય છે. કેટલાક લોકો શંકા વ્યક્ત કરી રહ્યા હતા કે, જે ટેરરિસ્ટ અક્ષરધામની ઊંચી રેલિંગ કૂદીને અક્ષરધામમાં પ્રવેશ કરી શકતા હોય; તેઓ અક્ષરધામને બદલે મુખ્યમંત્રી અને મંત્રીઓના નિવાસસ્થાન તરફ કેમ ન ગયા! પરંતુ 2002નાં કોમી તોફાન (2002 Gujarat riots)પછી ત્યાં સુરક્ષા જડબેસલાક કરી દેવામાં આવી હતી. જેથી તેમણે સોફ્ટ ટાર્ગેટ પસંદ કર્યો હશે. આવી દલીલ સામે થતી હતી.

ખેર, અત્યારે શંકાઓ કે દલીલો કરવાનો સમય નહોતો. અક્ષરધામમાં શું થઈ રહ્યું છે; તેની પળેપળની જાણકારી મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને (Narendra Modi) આપી રહ્યા હતા. કારણ, નરેન્દ્ર મોદીને સતત દિલ્હીથી ફોન આવી રહ્યા હતા. સ્થિતિ જે પ્રકારે બગડી રહી હતી; તેને ધ્યાનમાં લઈને નાયબ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી ખાસ વિમાન મારફતે અમદાવાદ થઈ ગાંધીનગર પહોંચી ગયા હતા. તે પણ મુખ્યમંત્રીના બંગલામાં બેસીને ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી અક્ષરધામ આવવા માગતા હતા; પણ સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી કે, ચાલું ઓપરેશન દરમિયાન ત્યાં જવું યોગ્ય નથી. અને તમે ત્યાં જશો તો ઓપરેશનમાં વિક્ષેપ પડશે. પછી તેમણે બંગલામાં બેસીને જ સ્થિતિ પર નજર રાખવાનું નક્કી કર્યુ.

- Advertisement -

કેન્દ્ર સરકાર સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં હતી અને ચર્ચા કરી રહી હતી. આ દરમિયાન અક્ષરધામના ગેટ નંબર–1ની ડાબી તરફના કોરિડોરના તમામ દરવાજા બંધ જ હતા. હજી સુધી કોઈને ખબર નથી કે, ત્યાં રહેતા એક સંતે પોતાના રૂમનો દરવાજો કયા કારણસર ખોલ્યો? એ રૂમનાં અજવાળામાં સંતને કોઈપણ જોઈ શકે તેમ હતું. સંતે દરવાજો ખોલ્યો ત્યારે ટેરરિસ્ટ તરફથી એક જ ગોળી સનનન કરતી આવી અને સંતની છાતીની આરપાર નીકળી ગઈ. આ રીતે પહેલા સંત પણ આ ઘટનામાં શહિદ થયા.

ગુજરાતમાં ત્યારે અખબારોનો જ દબદબો હતો; છતાં પ્રાદેશિક ગુજરાતી ચેનલમાં ‘Etv ગુજરાત’નું આગમન થઈ ચૂક્યું હતું. Etvના વડા તરીકે ગુજરાતમાં સતિષ મોરી હતા. ગાંધીનગર સચિવાલયનાં રિપોર્ટિંગ માટે રિપોર્ટર હર્ષલ પંડ્યા અને કેમેરામેન ગિરીશ સોંલકી હતા. અક્ષરધામમાં કંઈક થયું છે; તેવા સમાચાર મળતાં હર્ષલ અને ગિરીશ તરત અક્ષરધામ પહોંચી ગયા હતા. આમ ચારે તરફ દોડાદોડી અને ગોળીબાર ચાલતાં હતાં તેવી સ્થિતિમાં પણ કેમેરામેન ગિરીશ આખી ઘટનાને કેમેરામાં કેદ કરી રહ્યા હતા. ખરેખર અક્ષરધામમાં શું બન્યું છે; તેનાં દૃશ્ય માત્ર Etv પાસે જ હતા. Etv પર સમાચારની સાથે દૃશ્ય પ્રસારિત થયા ત્યારે માત્ર ગુજરાત જ નહીં; દેશભરના લોકોને અક્ષરધામ હુમલાની ગંભીરતા સમજાઈ ગઈ. દિલ્હીમાં ઘણી નેશનલ ચેનલો હતી, પણ તેમના રિપોર્ટર ગુજરાતમાં નહોતા અથવા ઓછા હતા. જેના કારણે દેશ અને દેશભરની ચેનલો માટે Etvનાં દૃશ્યોને ક્રેડિટ આપીને લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ કામ બદલ ગિરીશ અને હર્ષલની હિમંતે દાદ દેવી પડે તેમ હતી.

પોલીસ અક્ષરધામની અંદર પોતાનું કામ કરી રહી હતી. એવામાં ગેટ નંબર એકની બહાર એકદમ કોલાહલ થવા લાગ્યો. “હિંદુ વિરોધીઓને મારો… મારો…” તેવી બૂમો પડવા લાગી. અક્ષરધામની અંદર રહેલી પોલીસ તો સ્થળ છોડી શકે તેમ નહોતી; પણ ગેટ પાસે ઊભા રહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો કોલાહલની દિશામાં દોડ્યા. ટોળું ગુસ્સામાં હતું. તેઓ “હિંદુ વિરોધીઓને મારો… મારો…” તેવી બૂમો પાડી રહ્યા હતા. પોલીસ અધિકારીઓ રોષે ભરાયેલાં ટોળાની અંદર પહોંચ્યા. ત્યાં જઈ તેમણે જોયું કે, આજતક ચેનલના દિલ્હી સ્થિત રિપોર્ટર દિપક ચોરસિયા અને શિક્તા દેવ ત્યાં હતા.

- Advertisement -

ટોળું તેમના પર ગુસ્સે ભરાયું હતું. ટોળાના ગુસ્સાનું કારણ એવું હતું કે, હજી થોડા મહિના પહેલાં થયેલાં કોમી તોફાનનાં રિપોર્ટિંગ વખતે આજતક ચેનલ દ્વારા મુસ્લિમોના પક્ષે અને હિંદુઓના વિરોધમાં રિપોર્ટિંગ કરાયું હતું. તેવો તેમની પર આરોપ લાગી રહ્યો હતો. તોફાન દરમિયાન પણ અમદાવાદનાં ખાડિયામાં આજતકના દિપક સરદેસાઈને ટોળાએ ઘેરી લીધા હતા. આમ, દિપક ચોરસિયા અને શિક્તા દેવના હાથમાં આજતક લખેલું બુમમાઇક દેખાતાં લોકોને ફરી જૂની ઘટના યાદ આવી ગઈ હતી. જેથી લોકોએ તેમને ઘેરી લીધા હતા. સ્થળ પર હાજર અધિકારીઓ સમજી ગયા કે, મામલો વણસી શકે છે; પણ દિપક અને શિક્તાને ટોળામાંથી બહાર કાઢવા મુશ્કેલ હતા. પોલીસ અધિકારીએ બાજુમાં જ ઊભી રહેલી પોલીસ વાનનો પાછળનો દરવાજો ખોલીને દિપક અને શિક્તાને વાનમાં હડસેલી દીધા. જેને કારણે તેઓ ટોળાથી બચી ગયા; પણ અક્ષરધામમાં ટર્નિંગ પોઇન્ટ હજી હવે આવવાનો હતો.

(ક્રમશ:)

Part 9 : IPS બ્રહ્મભટ્ટ અને રબારી ક્રાઉલિંગ કરતાં મંદિરની ઘુમટી પાસે સંતાયેલા ટેરરિસ્ટ તરફ જઈ રહ્યા હતા

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular