Saturday, May 2, 2026
HomeSeriesAkshardham AttackIPS બ્રહ્મભટ્ટ અને રબારી ક્રાઉલિંગ કરતાં મંદિરની ઘુમટી પાસે સંતાયેલા ટેરરિસ્ટ તરફ...

IPS બ્રહ્મભટ્ટ અને રબારી ક્રાઉલિંગ કરતાં મંદિરની ઘુમટી પાસે સંતાયેલા ટેરરિસ્ટ તરફ જઈ રહ્યા હતા

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-9): Akshardham Temple Attack Series : નમાઝનો સમય થતાં ટેરરિસ્ટ પ્રદર્શન હોલની છત ઉપર જતા રહ્યા હતા. જેના કારણે ગોળીબાર બંધ થયો હતો. પરંતુ ગુજરાતના આઈ.એ.એસ. અધિકારી એ. કે. શર્માને મંદિરની ડાબી તરફ રહેલા કોઈ સ્વંયસેવકે ફોન કરીને જાણકારી આપી કે, બે વ્યકિત મંદિરની જમણી તરફની ઘૂમટી પાસે બેઠી છે. હવે ગાંધીનગર પોલીસ પાસે ટેરરિસ્ટનું ચોક્કસ લોકેશન હતું. પોલીસ ત્યાં પહોંચી જાય તો તેમને ઠાર મારી શકાય તેમ હતા. જેથી આઈ.જી.પી. વી. વી. રબારી (IGP V V Rabari) , ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટ (DSP RB Brahmbhatt) અને તેમની સાથેના કમાન્ડો સીડી લગાવી છત ઉપર પહોંચ્યા અને ક્રાઉલિંગ કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા.

એ સમયે ગુજરાત પોલીસ પાસે જે બુલેટપ્રૂફ જેકિટ હતા, તે અત્યંત વજનદાર હતાં. તેનું વજન ચૌદ કિલો હતું. આમ, શરીર પર ચૌદ કિલોનું જેકિટ અને હાથમાં એટલા જ વજનની રાયફલ લઈને ક્રાઉલિંગ કરવું ખૂબ અઘરું હતું. કારણ કે, ક્રાઉલિંગને કારણે હાથની કોણી અને ઘુંટણ છોલાઈ જતાં હતાં. છતાં આગળ વધવું જરૂરી હતું! લગભગ પચાસ સાઠ ફૂટ આગળ વધ્યા પછી ડાબી બાજુ વળી જવાનું હતું. એક પછી એક અધિકારીઓ અને જવાનોએ ક્રાઉલિંગ કરીને સીધો રસ્તો પસાર કર્યો. હવે ડાબી બાજુ વળવાનું હતું. બ્રહ્મભટ્ટ ટીમને લીડ કરી રહ્યા હતા. ડાબી બાજુ વળવા માટે બ્રહ્મભટ્ટે ગરદન બહાર કાઢી ત્યારે ઘૂમટી પાસે બેઠેલા ટેરરિસ્ટની નજર તેમની તરફ ગઈ. તે સમજી ગયા કે, પોલીસ ઉપર આવી ગઈ છે.

- Advertisement -

બ્રહ્મભટ્ટ અને ટેરરિસ્ટની નજર એક થઈ. ડી.એસ.પી. બ્રહ્મભટ્ટ સમજી ગયા કે, મોત સામે જ છે! એક ટેરરિસ્ટે તેમની સામે AK47 રાયફલ તાકી. તરત જ ઝડપભેર ક્રાઉલિંગ કરતાં બ્રહ્મભટ્ટ પાછા ખસ્યા અને દીવાલની આડશમાં જતા રહ્યા. ટેરરિસ્ટ તરફથી અચાનક બસ્ટ ફાયરિંગ શરૂ થયું. ફાયરિંગ થતાં આખી ટીમ ઝડપભેર પાછી ફરવા લાગી. કારણ કે, બસ્ટ ફાયરિંગમાં જ્યાં સુધી ટ્રિગર દબાવી રાખવામાં આવે ત્યાં સુધી અવિરત ગોળીઓ છૂટતી રહે. સદ્નસીબે ટીમ અને ટેરરિસ્ટ વચ્ચે છતની દીવાલ હતી; જેના કારણે કોઈને પણ ગોળી વાગી નહીં. આખી ટીમ એક પછી એક નીચે આવી ગઈ.

હવે પોલીસને અંદાજ આવી ગયો હતો કે, ટેરરિસ્ટ જમણી તરફ જ મૂવમેન્ટ કરે છે. ક્યારેક તે છત ઉપર જતા રહે છે, તો ક્યારેક નીચે આવીને ફાયરિંગ કરે છે. તેઓ પોલીસને ગુમરાહ કરવા માટે જગ્યા બદલી રહ્યા હતા. પોલીસ છત સુધી પહોંચી જતાં બંને ટેરરિસ્ટ પાછા નીચે આવી ગયા હતા. ડી.એસ.પી. બ્રહ્મભટ્ટને શંકા ગઈ કે, નીચે આવી ગયેલા ટેરરિસ્ટ કદાચ પાછળથી સરકી જાય તો! આ તો મંદિર પરિસરની મુખ્ય દીવાલ હતી. તેની બહારની તરફ સશસ્ત્ર જવાનો ગોઠવાયેલા જ હતા, છતાં પરિસરનું બિલ્ડિંગ અને બાઉન્ડ્રી વચ્ચે પસાસથી સાઠ ફૂટનું અંતર હતું. વળી ત્યાં નાનાં વૃક્ષો અને અંગ્રેજી લોન લાગેલાં હતાં. જેથી ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટે નક્કી કર્યું કે, બિલ્ડિંગને પાછળથી પણ કોર્ડન કરી લેવામાં આવે. જેથી ટેરરિસ્ટને ભાગવાનો મોકો મળે નહીં.

ગાંધીનગરમાં જેટલા જવાનો અને અધિકારીઓ હતા; તે તમામને અક્ષરધામ બોલાવી લેવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં એસ.આર.પી. ગ્રુપ–12 હતું. જેને સ્ટેટ કમાન્ડો ગ્રુપ અથવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સના નામે ઓળખવામાં આવતું હતું. તેમને પણ અક્ષરધામ પહોંચવાનો સંદેશો મળી ગયો હતો એટલે હવાલદાર યોગેન્દ્ર રાજપૂત એક પ્લાટુન સાથે અક્ષરધામ આવી ગયા હતા. ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટે ઇન્સપેકટર વી. આર. ટોળિયાને બોલાવીને સૂચના આપી, “કમાન્ડોને પાછળની તરફ ગોઠવી દો.”

- Advertisement -

પી.આઈ. ટોળિયાએ ત્યાં હાજર ગ્રુપ–3ના છ જવાનોને પોતાની સાથે આવવાનો આદેશ આપ્યો. ટોળિયા સૌથી આગળ ચાલતા હતા. તેમની પાછળ હથિયારબદ્ધ છ જવાનો ચાલી રહ્યા હતા. ત્યારે લગભગ રાતના આઠ વાગી રહ્યા હતા. ટોળિયા અને જવાનો બિલ્ડિંગને પાછળથી કોર્ડન કરી રહ્યા છે; તેની ખબર ટેરરિસ્ટ પડી ગઈ. તેઓ સંતાઈને પોલીસની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા હતા. ટોળિયાની પાછળ ચાલી રહેલા જવાનો ઉપર તેમણે એક ગ્રેનેડ ફેંક્યો જેથી એક જબરજસ્ત બ્લાસ્ટ થયો. આગળ હતા એ જવાનો અને ટોળિયા દોડીને આગળ જતાં રહ્યા; પણ સૌથી છેલ્લે ચાલી રહેલા એસ.આર.પી. કમાન્ડો અલ્લારખાં હાજી (SRP Jawan Haji Allarakha) ઉપર ગ્રેનેડ પડ્યો.

ઇન્સપેકટર ટોળિયા જે ટીમને લઈને અંદર ગયા હતા; તે ટીમ એકદમ પાછી ફરી. બહાર આવેલી ટીમના સભ્યો એકબીજા સામે જોઈ રહ્યા હતા. તેમની અંદર ડર દેખાતો હતો. પાછી ફરેલી ટીમમાં અલ્લારખાં નહોતો! તેનો અર્થ થતો હતો કે, અલ્લારખાં હજી ત્યાં જ પડેલો છે. ત્યારે એક સબઇન્સપેકટર દોડતો આવ્યો અને બ્રહ્મભટ્ટને કહ્યું, “સર, અમારો જવાન અલ્લારખાં ત્યાં પડ્યો છે.”

હવે ઇજાગ્રસ્ત અલ્લારખાંને બહાર લાવવો જરૂરી હતો. જોકે બહાર રહેલા અધિકારીઓને ખબર નહોતી કે, ગ્રેનેડ એટલો શકિતશાળી હતો કે, અલ્લારખાં અલ્લાહને પ્યારા થઈ ગયા હતા! છતાં ટીમે ફરી અંદર જવાનો નિર્ણય કર્યો. હવે ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટે ટીમને લીડ કરવાનો નિર્ણય કર્યો. તેમની ટીમમાં પોલીસ સબઇન્સપેકટર ડી. પી. ચુડાસમા, એસ.ટી.એફ.ના હવાલદાર યોગેન્દ્ર રાજપૂત અને બીજા જવાનો હતા. બ્રહ્મભટ્ટ સૌથી આગળ ચાલી રહ્યા હતા. તેમની પાછળ ચુડાસમા અને જવાનો હતા. ટીમ એકબીજાને કવર આપતી આપતી આગળ વધી રહી હતી. જોકે તેમને અંદાજ નહોતો કે, જે સ્થળે અલ્લારખાં ઉપર ગ્રેનેડ ફેંકાયો હતો; ટેરરિસ્ટ હજી પણ ત્યાં જ નજર રાખીને બેઠા હતા.

- Advertisement -

ટેરરિસ્ટને અંદાજ હતો કે, ત્યાં પડેલા પોતાના સાથીને લેવા પોલીસ જરૂર પાછી આવશે. અંધારું હતું એટલે પોલીસ ટેરરિસ્ટને જોઈ શકતી નહોતી; પણ પ્રકાશમાં આગળ વધી રહેલી પોલીસને ટેરરિસ્ટ જોઈ શકતા હતા. પોલીસની ટીમ જેવી અલ્લારખાંની બોડી પાસે પહોંચી; તરત બંને ટેરરિસ્ટે બસ્ટ ફાયરિંગ કર્યું. જેના કારણે બ્રહ્મભટ્ટની ટીમને પાછા હટવું પડ્યું.

એ ફાયરિંગમાં બ્રહ્મભટ્ટના હાથમાં ગોળી વાગી અને પી.એસ.આઈ. ડી. પી. ચુડાસમાને પણ ડાબા ખભામાં બે ગોળી વાગતાં તે જમીન પર ઢળી પડ્યા હતા. જેમાંથી એક ગોળી ખભો ચીરીને પીઠમાં મણકા સુધી પહોંચી ગઈ હતી. તેવી જ રીતે સાથે રહેલા કમાન્ડો હવાલદાર યોગેન્દ્ર રાજપૂતના જેકિટ ઉપર આઠ ગોળીઓ વાગી હતી. એમાંથી એક ગોળી તેમનાં હેલમેટ અને જેકિટ વચ્ચે થઈને ગળામાં ઘુસી ગઈ હતી. જમીન પર પડેલા ડી. પી. ચુડાસમાની આંખ સામે અંધારા આવી ગયા હતા. કારણ કે, લોહી પુષ્કળ પ્રમાણમાં વહી રહ્યું હતું. તેવી જ સ્થિતિ યોગેન્દ્ર રાજપૂતની પણ હતી. ડી. પી. ચુડાસમાની આંખ ખુલી ત્યારે તેઓ ગાંધીનગર સિવિલનાં ઓપરેશન થિએટરમાં હતા.

(ક્રમશ:)

Part 8 : કમાન્ડો અને ટેરરિસ્ટ આમને સામને આવી ગયા. ટેરરિસ્ટે પોતાની રાયફલની તમામ ગોળીઓ અર્જુન ગામેતીના શરીરમાં ધરબી દીધી

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular