Saturday, July 13, 2024
HomeSeriesAkshardham Attackકમાન્ડો અને ટેરરિસ્ટ આમને સામને આવી ગયા. ટેરરિસ્ટે પોતાની રાયફલની તમામ ગોળીઓ...

કમાન્ડો અને ટેરરિસ્ટ આમને સામને આવી ગયા. ટેરરિસ્ટે પોતાની રાયફલની તમામ ગોળીઓ અર્જુન ગામેતીના શરીરમાં ધરબી દીધી

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-8): Akshardham Temple Attack Series : સી.આર.પી.એફ.ના કમાન્ડોએ મંદિરમાં ફસાયેલા લોકોને બહાર તો કાઢ્યા; પણ તેમનાથી એક ચૂક થઈ ગઈ હતી. બહાર કાઢેલા લોકોને મંદિરની પાછળની તરફ બહાર લઈ જવાને બદલે ગેટ નંબર એક તરફ બહાર કાઢ્યા. જેથી છુપાઈને બેઠેલા ટેરરિસ્ટોને આટલી મોટી સંખ્યામાં એક સાથે શિકાર દેખાતાં તેમણે ઓપન ફાયર શરૂ કર્યું.

જુવાનીયાઓ તો ગોળીઓની વચ્ચેથી પસાર થઈને બહાર નીકળી ગયા; પણ બે વૃદ્ધ મહિલાઓ વચ્ચે જ ફસાઈ જતાં પી.એસ.આઈ. ભરત પટેલ (PSI Bharat Patel) ક્રોસ ફાયરિંગમાં દોડતાં મહિલાઓ સુધી પહોંચ્યા અને બંને મહિલાઓને આડી પાડીને તેમને બચાવી લીધી. હજી તેમને સલાતમ રીતે બહાર પહોંચાડવા માટે લગભગ પચાસ મીટરનો રસ્તો હતો. ભરત પટેલ અને બંને મહિલાઓ જમીન પર પથ્થરની પાળીની આડશમાં હતાં. થોડોક શ્વાસ હેઠો બેસતાં ભરત પટેલે કહ્યું, “બા, તમારે દોડવું પડશે.”

- Advertisement -

કપાળ પર પરસેવો અને આંખમાં આંસુ સાથે બંને મહિલાઓએ કહ્યું, “સાહેબ, ઘુંટણની તકલીફ છે. દોડાશે નહીં.”

રડી રહેલી મહિલાઓને શાંત કરતાં ભરત પટેલે કહ્યું, “જુઓ બા, હું સાહેબ નથી. તમારો દિકરો જ છુ. હું તમને બહાર લઈ જઈશ. પણ હું કહું એમ તમારે કરવું પડશે.”

આટલું કહીને પટેલે બંને વૃદ્ધાઓના આંસુ લૂછ્યાં. તેનો અર્થ એવો હતો કે, મહિલાઓ ભરત પટેલની વાત માનવા તૈયાર હતી. ભરત પટેલે કહ્યું, “છેલ્લી બસ આપણી નજર સામે હોય ત્યારે આપણે કેવી રીતે દોડીએ છીએ? બસ તેવી જ રીતે આપણે દોડવું પડશે.”

- Advertisement -

મહિલાઓએ કંઈ જવાબ આપ્યો નહીં. જે પથ્થરની પાળીની આડશ હતી ત્યાંથી માથુ ઉંચું કરીને ભરત પટેલે જમણી તરફ જોયું. ત્યાંથી જ ગોળીબાર થયો હતો. એ તરફ નીરવ શાંતિ હતી. ત્યાં કોઈ નહોતું.

ભરત પટેલ ઉભડક પગે બેઠા થયા અને બંને વૃદ્ધ મહિલાની વચ્ચે આવી ગયા. તેમનાં બાવડાં અને કોણી વચ્ચેથી તેમને પકડીને કહ્યું, “હવે ઊભા થવાનું છે અને દોડવાનું છે.”

મહિલાઓ સાથે ભરત પટેલ પણ ઊભા થયા અને ગેટ નંબર એક તરફ દોડવા લાગ્યા. મહિલાઓને પણ સામે મોત જ દેખાતું હતું એટલે પગ લંગડાતા હોવા છતાં દોડવા સિવાય કોઈ રસ્તો નહોતો. અંતે મહિલાઓ સલામત રીતે બહાર આવી ગઈ. અત્યાર સુધીમાં અનેક ઘટનાઓ એક સાથે ઘટી ગઈ હતી. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હતી કે, ટેરરિસ્ટ કઈ દિશામાં છુપાયા છે; એટલે સ્ટેટ કમાન્ડો યુનિટ–3ના જવાનો બુલેટપ્રૂફ જેકિટ અને રાયફલ સાથે ગેટ નંબર એકની જમણી તરફ આવેલા કેરિડોર તરફ ગોઠવાઈ ગયા હતા.

- Advertisement -

પ્રદર્શન હોલ–1, 2 અને 3 સંપૂર્ણ ખાલી થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યાં પડેલા મૃતદેહો પણ ગેટ નંબર 6થી કાઢી લેવામાં આવ્યા હતા. અંદર હવે કોઈ નથી; તેવી ખાતરી થઈ ગયા પછી પોલીસની વ્યૂહરચના પ્રમાણે આખાં અક્ષરધામની અંદરની લાઇટ્સ બંધ કરી દેવામાં આવી. પરંતુ જેમ જેમ ઓપરેશન આગળ વધતું ગયું તેમ તેમ અંદાજ આવતો ગયો કે, અંદર ભલે અંધારું હોય; બહારના પરિસરમાં તો લાઇટની જરૂર છે.

ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટે (DSP RB Brahmbhatt)તરત પોતાના સ્ટાફને સૂચના આપી, “લાઇટની વ્યવસ્થા કરો.”

ક્રાઇમબ્રાંચનો સ્ટાફ ખાનગી માણસોને લેવા રવાના થયો. થોડીવાર પછી અક્ષરધામનો માત્ર જમણી તરફનો ભાગ જોઈ શકાય તે પ્રમાણે હેલોજન લાઇટ્સ ગોઠવવામાં આવી. ગેટ નંબર–1માં દાખલ થયા પછી ત્રણ તરફ કોરિડોર હતા. તેની અંદર અને બહાર કમાન્ડો ગોઠવાઈ ગયા હતા. તેમણે અંધારામાં પોઝિશન પણ લઈ લીધી હતી. જો ફરી ગોળીબાર થાય અથવા આદેશ મળે તો તેમણે એક્શનમાં આવવાનું હતું; પણ જેવો લાઇટ સપ્લાય ચાલું થયો કે તરત જ પોઝિશનમાં ગોઠવાયેલા કમાન્ડો ઉપર લાઇટનો પ્રકાશ પડ્યો.

કમાન્ડો પણ અચાનક આવેલા પ્રકાશને સમજે તે પહેલાં જ મંદિરમાંથી બહાર નીકળી રહેલા દર્શાનાર્થીઓ ઉપર ગોળીબાર થયો હતો; એ જ દિશામાં આશરે વીસ–બાવીસ વર્ષના બે ટેરરિસ્ટ હાથમાં રાયફલ સાથે બહાર કોરિડોરમાં આવ્યા. તેમની બરાબર સામે કમાન્ડો અર્જુન ગામેતી (Commando Arjun Gameti) હતો. સિંગલ ફાયર થતાં જ અર્જુન ગામેતીને ગોળી વાગી અને તે ઉંધાં માથે જમીન પર પડ્યો. જેવો ગામેતી પડ્યો તેની સાથે એક ટેરરિસ્ટ બે ફૂટ આગળ આવ્યો અને પોતાની રાયફલમાં રહેલી તમામ ગોળી ગામેતીના શરીરમાં ધરબી દીધી. અર્જુન ગામેતી અક્ષરધામ અટેકનો પહેલો ‘શહિદ’ હતો.

ગેટ નંબર–1માં દાખલ થયા પછી ઓફિસ કમ લાયબ્રેરી હતી. તેમાં હાજર પોલીસ અધિકારીઓએ પણ આખી ઘટના જોઈ. ડી.વાય.એસ.પી. ગિરીશ સિંઘલે (DySP Girish Singhal) તરત પોતાની રિવોલ્વરમાંથી ટેરરિસ્ટ તરફ ફાયરિંગ શરૂ કર્યું. ત્યાં હાજર તમામ પોલીસ અધિકારીએ પોઝિશન લઈ લીધી હતી. ટેરરિસ્ટ પર ફાયરિંગ થયું એટલે જે બીજો ટેરરિસ્ટ હતો; તેણે રાયફલ પોલીસ અધિકારીઓ તરફ ફેરવીને બસ્ટ ફાયરિંગ શરૂ કર્યું.

ગિરીશ સિંઘલ પથ્થરની આડશમાં ફાયરિંગ કરી રહ્યા હતા, પણ તેમના પગ પાસેના પથ્થરને ગોળીઓ અથડાતાં તણખા ઝરી રહ્યા હતા. તેમની પાછળ ઊભા રહેલા પી.એસ.આઈ. ભરત પટેલને અંદાજ આવી ગયો કે, સિંઘલ સર ફાયરિંગ રેંજની અંદર આવી ગયા છે. જે ઘાતક સાબિત થઈ શકે છે. જેથી ભરત પટેલ કંઈ પણ કહ્યા વગર, સિંઘલનો પગ પકડીને લગભગ પચાસ ફૂટ સુધી ઢસડી ગયા. આ રીતે પોલીસ અને ટેરરિસ્ટ વચ્ચે પહેલી અથડામણની શરૂઆત થઈ ગઈ હતી. હવે ટેરરિસ્ટનું લોકેશન પણ ટ્રેસ થઈ ગયું હતું. તે પણ ચાલાક હતા. થોડી થોડી વારે જગ્યા બદલીને પોલીસ પર ફાયરિંગ કરતા હતા.

એક તબક્કે ડી.એસ.પી. બ્રહ્મભટ્ટે વ્યૂહ રચના બદલી. પોતાની ઓપરેશન ટીમને સલામત રીતે પાછળ ખસેડીને આદેશ આપ્યો કે, “ટેરરિસ્ટ તરફ ગોળીબાર કરો.”

તેમની વ્યૂહ રચના હતી કે, પોલીસ પાસે તો એમ્યુનિશન ખલાસ થાય તેમ નથી જ, પણ જો ટેરરિસ્ટ પણ વળતો જવાબ આપતાં રહે તો ટેરરિસ્ટના એમ્યુનિશન ખલાસ થઈ જાય. એટલે કમાન્ડો થોડી થોડી વારે ટેરરિસ્ટની દિશામાં ફાયરિંગ કરતા હતા. આ દરમિયાન એક ટીમ અર્જુન ગામેતીના મૃતદેહને બહાર લઈ આવી. ગામેતીના શરીરમાં 34 ગોળીઓ વાગી હતી.

અચાનક ટેરરિસ્ટ તરફથી ફાયરિંગ બંધ થઈ જતાં પોલીસ મુંઝવણમાં મૂકાઈ ગઈ. કારણ કે, ફાયરિંગ કેમ બંધ થયું? તેનો અંદાજ આવી રહ્યો નહોતો. થોડીવાર પછી ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટના ફોનની રિંગ વાગી. તેમણે ફોન ઉપાડતાં જ કહ્યું, “જયહિંદ સર.”

સામે છેડે સિનિયર આઈ.એ.એસ. અધિકારી શર્મા હતા. તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. શર્માએ કહ્યું, “રાજુ, અભી કીસી આદમી ને મુજે અક્ષરધામ મેં સે ફોન કિયા થા. વો મંદિર કિ લેફ્ટ સાઇડ મેં ઉસ કો રાઇટ સાઇટ પ્રદર્શન હોલ કે ઉપર કોઈ દો આદમી નજર આ રહે હે.”

બ્રહ્મભટ્ટે કહ્યું, “ચેક કરતાં હું સર.”

આઈ.એ.એસ. અધિકારીને જેણે માહિતી આપી હતી એ વાત સાચી હતી. પ્રદર્શન હોલની ઉપરના ભાગે મંદિરની ઉપર હોય તેવી ઘૂમટીઓ આવેલી હતી.

સાંજ પડી ગઈ હોવાને કારણે આ બંને ટેરરિસ્ટ ઘૂમટીઓ પાસે નમાઝ અદા કરી રહ્યા હતા. હવે પોલીસને તેમનું પીનપોઈન્ટ લોકેશન મળી ગયું હતું. ડી.એસ.પી. બ્રહ્મભટ્ટે ત્યાં હાજર સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી અને નક્કી થયું કે, ડી.એસ.પી. બ્રહ્મભટ્ટ, આઈ.જી.પી. વી. વી. રબારી સહિત ઓપરેશન ટીમ હવે ઉપરના ભાગે જશે.ઉપર તરફ જવા માટે કોઈ કાયમી સીડીની વ્યવસ્થા નહોતી. ફાયરબ્રિગેડ પાસે ફોલ્ડિંગ સીડી મગાવવામાં આવી. ગેટ નંબર એકમાં દાખલ થયા પછી જ્યાંથી ઓફિસ અને લાયબ્રેરી શરૂ થતી હતી, ત્યાં સીડી ગોઠવી અને બધા ઉપર ગયા.

ઉપર જઈને થોડા સીધા આગળ વધીને ડાબી તરફ વળો એટલે ટેરરિસ્ટ બેઠા હતા એ જગ્યાએ પહોંચી શકાય. આર. બી. બ્રહ્મભટ્ટ અને વી. વી. રબારી જરા પણ અવાજ ન થાય એ રીતે પોતાના સ્ટાફ સાથે સીડી ચઢવા લાગ્યા. આ લોકો છત પર પહોંચીને જો ઊભા થઈને ચાલે તો ટેરરિસ્ટ તરત સમજી જાય કે, પોલીસ આવી ગઈ છે. એટલે તમામ અધિકારીઓ અને જવાનો છત પર પહોંચીને હાથમાં રાયફલ સાથે ક્રાઉલિંગ કરવા લાગ્યા.

પોલીસને તાલીમમાં શીખવાડવામાં આવે છે કે, જમીન ઉપર છાતી સરસા સૂઈ ગયા પછી કોણી અને ઘુંટણના સહારે આગળ વધવું. જેને ક્રાઉલિંગ કહેવામાં આવે છે. જુવાન પોલીસ માટે તો ક્રાઉલિંગ સરળ હતું; પણ નોકરીમાં લાંબો અરસો પસાર કર્યા પછી સિનિયર આઈ.પી.એસ. રબારી અને બ્રહ્મભટ્ટ માટે ક્રાઉલિંગ અઘરું હતું. આજે તેઓની ખરી પરીક્ષા હતી.

(ક્રમશ:)

Part 7 : DSP બ્રહ્મભટ્ટ ટીમ સાથે આગળ વધી રહ્યા હતા; પણ તેમને અંદાજ નહોતો કે, તેઓ ટેરરિસ્ટની ફાયરિંગ રેંજમાં છે.

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular