Friday, April 17, 2026
HomeBusinessસોનાના ભાવ અહીથી વધુ ઘટવા સંભવિત

સોનાના ભાવ અહીથી વધુ ઘટવા સંભવિત

- Advertisement -

ખેડૂતોની નબળી ખરીદ શક્તિ: ભારતની વાર્ષિક સોનાની માંગ ૧૦ ટકા ઘટવાની સંભાવના

જૂન ૨૦૨૧ પછી પહેલી વખત સોનામાં ૪ ટકાનો સાપ્તાહિક ધરખમ ઘટાડો નોંધાયો

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જ્યારે પણ સરકારી બોન્ડના યીલ્ડ વધે ત્યારે વ્યાજ નહીં આપતા, સોનામાં (Gold) રોકાણકારોનો રસ ઘટી જતો હોય છે. ગત સપ્તાહમાં જ્યારે ડોલર ઇંડેક્સ વધીને ડિસેમ્બર પછીની નવી ઊંચાઈએ પહોંચી ગયો, તેણે પણ હવે સોનાને નીચે જવાનું દબાણ સર્જ્યુ છે. વ્યાજદર વધવાની સંભાવના પણ ઉજાગર થઈ હોઇ, શુક્રવારે સોનું માર્ચ પછીની નીચે સપાટીએ ૧૮૬૪.૬૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) થયું હતું. સાપ્તાહિક ધોરણે બેન્ચમાર્ક અમેરિકન સોનું વાયદો ૧૧ જૂન ૨૦૨૧ના સપ્તાહ દરમિયાન સોનું ૬ ટકા તૂટયું હતું, ત્યાર પછી પહેલી વખત ૪ ટકાનો સાપ્તાહિક ધરખમ ઘટાડો નોંધાયો હતો.

ઓગસ્ટ મધ્ય સુધી જળવાયેલો ૧૯૦૦ ડોલર ઉપરનો તેજીનો આંતરપ્રવાહ ૨૪ સપ્ટેમ્બરે વિખેરાઈ ગયો હતો. બીજા ત્રિમાસિકમાં સોનું વાયદો ૪ ટકા ઘટ્યો હતો. બીજા ત્રિમાસિકના ઘટાડા બાદ મધ્ય ઓગસ્ટથી શરૂ થયેલો નવો ઘટાડો સપ્ટેમ્બર અંત સુધી લંબાયો હતો. આ તરફ, ઊંચા ફુગાવાદર અને ઓગસ્ટ મહિનામાં ચોમાસું કોરું ઢાંકોર જવાને પગલે ભારતમાં ખરીફ પાકની ચિંતાઓમાં વધારો થતાં, ખેડૂતોની ખરીદ શક્તિ ઘટતા ભારતની સોનાની માંગ ત્રણ વર્ષની નીચલી સપાટીએ રહેશે, એવું અનુમાન છે.

- Advertisement -

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહે છે કે ભારતમાં આ વર્ષે સોનાની માંગમાં ધરખમ ઘટાડો સંભવિત છે. ફુગાવાદરમાં વૃધ્ધિ, સોનાના ભાવ પ્રમાણમાં ઊંચા રહેવા, છેલ્લા એક સૈકામાં ઓગસ્ટમાં સરેરાશ કરતાં સૌથી ઓછો વરસાદ, આ બધા કારણોસર આ વર્ષે ભારતમાં માંગ ૧૦ ટકા ઘટવી શક્ય છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછી હશે. કૃષિ ઉધ્યોગ પર નિર્ભર રહેલા લોકોની નબળા ચોમાસે ખરીદ શક્તિ ઘટવાને કારણે, તેમની સોનામાં ખરીદી ઘટવાનું અનુમાન છે.

સોના માટે આ વર્ષ નબળું પુરવાર થવાની શક્યતા છે. વિશ્વની સેન્ટ્રલ બેન્કો અને ખાસ કરીને ચીનના ગ્રાહકોએ અત્યાર સુધીમાં ઢગલામોઢે સોનું ખરીદ્યું છે, ઐતિહાસિક રીતે ભારત વિશ્વના મોટા ગ્રાહકોમાં ગણના પામે છે, જ્યાં હવે પછી માંગ ઘટશે. ભારત અને ચીન સંયુક્ત રીતે કાચા અનુમાન પ્રમાણે જગતનું પચાસ ટકા સોનું ખરીદે છે. અલબત્ત, વિશ્વની સર્વાંગી માંગમાં જ્વેલરી, કોઈન અને લગડીનો હિસ્સો ૫૦થી ૫૫ ટકા હોય છે. આ વર્ષે પ્રથમ ત્રિમાસિકમાં સેન્ટ્રલ બેન્કોએ વિક્રમ સોનાની ખરીદી કરી હતી, વાર્ષિક ધોરણે ગતવર્ષે ખરીદીનો નવો વિક્રમ સર્જાયો હતો. ચીનમાં નબળો યુઆન, સરકારી બોન્ડનું ઓછું યીલ્ડ અને અર્થતંત્ર ધીમું પડવાને લીધે રોકાણકારોએ સોનામાં સરણ લીધું હતું. વર્તમાન ઘટાડા છતાં છેલ્લા બાવન સપ્તાહમાં સોનાના ભાવ ૧૧.૫૨ ટકા અને વર્ષાનું વર્ષ બે ટકા વધ્યા છે.

છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ ગત બુધવારે ૧૦૬.૮૪ની ૧૦ મહિનાની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો, તેણે પણ સોનાના ભાવને નીચે જવાની ફરજ પાડી હતી. તાજા અમેરિકન ફુગાવાના આંકડાએ એવો આશાવાદ જગાવ્યો છે કે નવેમ્બરની અમેરિકન ફેડ રિઝર્વ પોલિસી મિટિંગમાં વ્યાજદર વધારશે આમ છતાં ડોલર ઇંડેક્સ મજબૂત થયો છે. જુલાઈમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યા પછી ૨૦ સપ્ટેમ્બરની ફેડ મિટિંગમાં વ્યાજદર જાળવી રાખ્યા હતા. માર્ચ ૨૦૨૨ પછીથી ફેડરલ રિઝર્વે ૧૧ વખત વ્યાજદર વધારીને ૦.૨૫ ટકાથી ૫.૨૫ ટકાની ઊંચાઈએ પહોંચાડી દીધા હતા.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular