પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-6): Akshardham Temple Attack Series :ગિરીશ સિંઘલનો ઇશારો ભરત પટેલ સમજી ગયા કે, માતાની લાશ પાસે રડી રહેલી બાળકીને ઉપાડીને સલામત રીતે બહાર લઈ જવાની છે. ત્યાં પડેલા મૃતદેહો ઓળંગીને ભરત પટેલ બાળકી સુધી પહોંચ્યા. નીચે નમીને જેવી બાળકીને ઉઠાવી; સાથે જ ફાયરિંગનો અવાજ સંભળાયો. બે રાઉન્ડ ફાયરિંગ થયું એટલે ભરત પટેલના હોશકોશ ઉડી ગયા. તેમને લાગ્યું કે, સામે સાક્ષાત્ મોત આવ્યું છે! તેમણે પોતાની પિસ્તોલ તો કેશમાં મૂકી હતી અને હાથમાં બાળકી હતી; એટલે હુમલાખોર સામે આવીને ઊભા રહે તો પણ કંઈ કરી શકાય તેમ નહોતું.
ખરેખર તેવું કંઈ જ થયું નહોતું. તે રૂમમાં બે દરવાજા હતા. ગિરીશ સિંઘલને ડર હતો કે, પટેલ બાળકીને ઉપાડવા જાય ત્યારે બે પૈકી કોઈપણ દરવાજામાંથી હુમલાખોર આવીને ફાયરિંગ કરે; તો મોત નિશ્વિત હતું! જેથી ભરત પટેલ બાળકીને લેવા માટે નીચે વળ્યા; તરત જ સિંઘલે કમાન્ડો રામાજીને ઇશારો કર્યો. એક દરવાજા તરફ સિંઘલે પોતાની રિવોલ્વરમાંથી અને બીજા દરવાજા તરફ રામાજીએ પોતાની કાર્બાઇનમાંથી, એમ એક–એક રાઉન્ડ ફાયર કર્યું. જેથી કદાચ હુમલાખોર ત્યાં હોય તો પણ દરવાજામાંથી પ્રવેશ કરવાની હિમંત ન કરે.
ભરત પટેલ બાળકીને લઈને ઊભા થતાં જ આખી વાત સમજી ગયા. તેમનાં મનમાં એક હાશકારો પણ થયો. તેઓ તરત બાળકીને લઈ બહારની તરફ ભાગ્યા અને બહાર ઊભા રહેલા યુવાનોને બાળકી સોંપી પાછા રૂમમાં આવી ગયા. ત્યાં જે ઇજાગ્રસ્તો હતા તેમને એક પછી એક બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન તેમણે ફરી શરૂ કર્યું.
ઇજાગ્રસ્તોને બહાર કાઢવાનું કામ ભરત પટેલ કરી રહ્યા હતા ત્યારે સિંઘલ અને રામાજી તેમને કવર આપી રહ્યા હતા. ગેટ નંબર છ પર હવે એમ્બ્યુલન્સ પણ આવવા લાગી હતી. આ બનાવની વાત હવે ગાંધીનગરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. ઇન્ચાર્જ ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટ અને એલ.સી.બી. ઇન્સપેકટર વી. આર. ટોળિયા પણ ગેટ નંબર એક પર આવી ગયા હતા.
ગાંધીનગર શહેરની એક–એક ગતિવિધિથી વાકેફ સબ ઇન્સપેકટર ડી. પી. ચુડાસમા કોર્ટની કામગીરી પૂરી કરીને જમવા માટે ઘરે આવ્યા હતા. હજી તો તેમની થાળી પીરસાઈ જ હતી; ત્યાં જ મેસેજ આવ્યો કે, અક્ષરધામ પર અટેક થયો છે. તે પણ જમવાનું છોડીને અક્ષરધામ જવા રવાના થયા. પી.એસ.આઈ. ગંભીરસિંહ પઢેરિયા પણ અક્ષરધામ દોડી આવ્યા હતા. આ રીતે એક પછી એક અધિકારીઓ હવે અક્ષરધામ પહોંચી રહ્યા હતા.
ડી.એસ.પી. બ્રહ્મભટ્ટને અક્ષરધામ પહોંચતાં જ અંદાજ આવી ગયો હતો કે, પહેલી દૃષ્ટિએ જેટલો સામાન્ય લાગે છે તેવો આ અટેક નથી. આ ટેરરિસ્ટ અટેક છે. ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી કે, ગુજરાતમાં ક્યાંય ત્રાસવાદી હુમલો થયો હોય! કદાચ એટલે જ ગુજરાત પોલીસ તેના માટે તૈયાર નહોતી. જેનાં કારણે એક પછી એક સિનિયર અધિકારીઓ અક્ષરધામ પહોંચી તો રહ્યા હતા; પણ આખી ઘટનાને કેવી રીતે હેન્ડલ કરવી? તે મોટાભાગના અધિકારીને સમજાતું નહોતું.
ગુજરાત એ.ટી.એસ.ને પણ હુમલાનો મેસેજ મોકલી આપવામાં આવ્યો હતો. કારણ કે, આ ટેરરિસ્ટ અટેક હતો. ગુજરાત એ.ટી.એસ.ની સ્થાપનાને લાંબો અરસો પસાર થઈ ચૂક્યો હતો. ગુજરાતમાં એ.ટી.એસ.ની ભૂમિકા ઓર્ગેનાઇઝ ગેંગને નાબુદ કરવા મહત્ત્વની રહી હતી. ગુજરાત એ.ટી.એસ.ની સ્થાપના પછી આ પહેલો જ ટેરરિસ્ટ અટેક હતો; જેના માટે એ.ટી.એસ. પણ તૈયાર નહોતું. તેમ છતાં ગુજરાત એ.ટી.એસ.ના વડા વિપુલ વિજોય અને ડી.વાય.એસ.પી. અભય ચુડાસમા સહિત એ.ટી.એસ.નો સ્ટાફ અક્ષરધામ પહોંચી ગયો હતો. જો કે બહાર રહેલા અધિકારીઓને જરા પણ અંદાજ નહોતો કે, ગાંધીનગર પોલીસના બે અધિકારીઓ અને એક કમાન્ડો અક્ષરધામની અંદર એક્શનમાં છે.
બે નંબરનો રૂમ ક્લીઅર કર્યા પછી ગિરીશ સિંઘલ, ભરત પટેલ અને રામાજી ત્રણ નંબરના રૂમમાં દાખલ થયા. ત્યાં કોઈ નહોતું પણ એક દરવાજો હતો. સિંઘલે ઇશારો કરતાં રામાજી દરવાજા સુધી પહોંચ્યા. ભરત પટેલ અને સિંઘલનાં વેપનનાં નાળચાં દરવાજા તરફ જ હતાં. રામાજીએ દરવાજા પાસે પહોંચીને હાથમાં રહેલી કાર્બાઇન ગન અને ખભા વડે દરવાજાને હડસેલ્યો; પણ દરવાજો ખુલ્યો નહીં. તેનો અર્થ એ થયો કે, દરવાજો અંદરથી બંધ છે.
સિંઘલ અને ભરત પટેલે એકબીજાની સામે પ્રશ્નસૂચક નજરે જોયું. કારણ કે, દરવાજો અંદરથી બંધ છે તો દરવાજાની અંદર કોણ છે! જેની કોઈને પણ ખબર નહોતી. સિંઘલની નજર ભરત પટેલ સમજી ગયા. તે તરત દરવાજા પાસે પહોંચી ગયા અને પોઝિશન લઈ લીધી. હવે સિંઘલની રિવોલ્વરનું નાળચું દરવાજા તરફ હતું.
ભરત પટેલે બંધ દરવાજો નોક કર્યો; પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. એકાદ મિનિટ પછી ફરી દરવાજો નોક કર્યો. ફરી પણ કોઈ જવાબ મળ્યો નહીં. સિંઘલ, પટેલ અને રામાજીના મનમાં પ્રશ્ન હતો કે, અંદર કોણ છે? કદાચ ત્રાસવાદી પણ હોઈ શકે! એટલે તેઓ સેફ ગેમ રમી રહ્યા હતા. ભરત પટલે નોક કરવા છતાં કોઈ જવાબ નહીં મળતાં ભરત પટેલે ત્રીજી વખત નોક કરતાં કહ્યું, “કોણ છે અંદર? અમે પોલીસ છીએ.”
એક ક્ષણની શાંતિ રહી. પછી અંદરથી પ્રશ્ન પૂછાયો, “કોણ છે?”
પટેલ અને સિંઘલે એકબીજાની સામે જોયું. પટેલે કહ્યું, “હું પી.એસ.આઈ. ભરત પટેલ છું.”
ફરી થોડીવાર શાંતિ છવાઈ અને પછી દરવાજા પાછળથી અવાજ આવ્યો, “ડભોડાવાળા પટેલ સાહેબ?”
પટેલની નજર સિંઘલ તરફ વળી. ભરત પટેલે કહ્યું, “હા, ડભોડાવાળા પી.એસ.આઈ. પટેલ.”
પછી એકદમ શાંતિ છવાઈ ગઈ. કોઈ જ વાત કે અવાજ નહીં. ત્યાં જ બંધ દરવાજાની સ્ટોપર ખુલવાનો અવાજ આવ્યો. દરવાજો ખુલ્યો. સિંઘલ, પટેલ અને રામાજીની નજર અંદરની તરફ ગઈ. ઘણાબધા લોકો કબુતરની જેમ ફફડી રહ્યા હતા. જેણે દરવાજો ખોલ્યો હતો; તેણે ભરત પટેલને જોતાં કહ્યું, “સાહેબ, ગોળીબારનો અવાજ આવ્યો એટલે મેં દરવાજો બંધ કરી દીધો હતો. તે ગાંધીનગરનો સેવક હતો. કદાચ તેની સૂઝબૂઝને કારણે જ ત્યાં રહેલા લોકો બચી ગયા હતા.
જે દરવાજો ખુલ્યો, ત્યાં દસ પંદર માણસો ઊભા હતા. આમ તો બધાને જ ત્યાંથી સલામત બહાર કાઢવાના હતા; પણ સિંઘલ એક કાબેલ અધિકારી હતા. જે ઘટનાને બહુ જ બારીકાઈથી જોઈ રહ્યા હતા. તેમને વિચાર આવ્યો કે, સામે નજરે પડતાં માણસોની અંદર પણ કોઈ ત્રાસવાદી હોઈ શકે છે. કારણ, બધા ભકતો અને દર્શનાર્થી હોય તેવું પણ જરૂરી નથી. વળી તેમને બહાર કાઢવા પણ જરૂરી હતા.
ડી.વાય.એસ.પી. ગિરીશ સિંઘલ માટે પી.એસ.આઈ. ભરત પટેલ તેમના હનુમાન જેવો હતો. તે સાહેબની નજર સમજી ગયા. તેમણે આદેશના સ્વરમાં કહ્યું, “એક–એકની લાઈનમાં બધા બહાર નીકળશે.”
ભરત પટેલે કમાન્ડો રામાજી સામે જોયું. રામાજીએ પણ કમાન્ડોની તાલીમ લીધેલી હતી એટલે તેમને પણ આખી વાત સમજતાં વાર ન લાગી. એક પછી એક લોકો લાઈનમાં ઊભા રહી ગયા. રામાજી એ તમામને પગથી માથા સુધી ચેક કરે; પછી જ તેમને બહાર નીકળવાની પરવાનગી મળતી હતી. આમ એક પછી એક લોકો બહાર નીકળી ગયા. સિંઘલ અને પટેલે આખો પ્રદર્શન હોલ ક્લીઅર કર્યો. જે ઇજાગ્રસ્ત હતા; તેમને બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યા અને જેઓ સલામત હતા તેમને સેફ પેસેજમાં ખસેડ્યા.
આટલું બધું બન્યું હોવા છતાં હમણાં સુધી ગિરીશ સિંઘલની ટીમને ક્યાંય ત્રાસવાદીઓનો સીધો સામનો થયો નહોતો. ગિરીશ સિંઘલ, ભરત પટેલ અને રામાજી રેસક્યૂ ઓપરેશન પૂરું કરીને બહાર નીકળ્યા ત્યારે અંધારું થવાં લાગ્યું હતું. બહાર તેમને ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટ નજરે પડ્યા.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








