Friday, May 1, 2026
HomeSeriesAkshardham AttackC.M. હાઉસને પોલીસે ઘેરી લીધું હતું અને DSP આર. બી. બ્રહ્મભટ્ટ અક્ષરધામમાં...

C.M. હાઉસને પોલીસે ઘેરી લીધું હતું અને DSP આર. બી. બ્રહ્મભટ્ટ અક્ષરધામમાં પોતાના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા.

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-4): Akshardham Temple Attack Series : તે દિવસે હું રોજ પ્રમાણે અમદાવાદ ખાતે ખાનપુરમાં આવેલાં ભાજપનાં પ્રદેશ કાર્યાલય પર આવ્યો હતો. લગભગ પાંચ કે સાડાપાંચ થયા હતા. અમદાવાદનાં ભાજપ પ્રદેશ કાર્યાલય સામે એક પીપળાનું ઘટાદાર વૃક્ષ છે. જેને પત્રકારો ‘બૌદ્ધીવૃક્ષ’ તરીકે ઓળખે છે. તેનું કારણ એ કે, જેમ ગૌતમ બુદ્ધને વૃક્ષ નીચે જ્ઞાન લાધ્યું હતું, તેવું જ કંઈક અમદાવાદના પત્રકારોને અહીંયાં મળતું હતું.

અમદાવાદના મોટા ભાગના પત્રકારો સાંજ પડે એટલે આ ‘બૌદ્ધીવૃક્ષ’ નીચે આવી જતા. તેનું કારણ એ હતું કે, વિવિધ ફિલ્ડનું રિપોર્ટિંગ કરતાં પત્રકારો અહીંયાં ભેગા થતાં અને સમાચારોની આપ–લે કરી લેતા. આ વૃક્ષ પાસે ઇમ્તિયાઝની કીટલી હતી. ત્યાંથી ચ્હા પણ આવી જતી હતી.

- Advertisement -

વર્ષોથી ચ્હાની કીટલી ચલાવતો ઇમ્તિયાઝ પણ ભાજપના નેતાઓની સંગતમાં પાક્કો રાજકારણી થઈ ગયો હતો. ઇમ્તિયાઝને વોર્ડના કાર્યકરથી લઈ નરેન્દ્ર મોદી સુધી બધા જ ઓળખતા હતા. કયા પત્રકારની તાસીર કેવી છે, એની પણ તેને સારી રીતે ખબર હતી. જેથી કોની સાથે કેટલી અને કઈ વાત કરવી તથા કોને બાજુમાં બોલાવીને કયા સમાચાર કહેવા; એની પણ પાક્કી સમજ હતી.

ઘણા બધા પત્રકારો પૈકી મારો મિત્ર આશિષ અમીન પણ હતો. એ ‘ગુજરાત સમાચાર’માં ફરજ બજાવતો હતો, અમારા ઘણા પત્રકારોના ગુરુ એટલે ચારુદત્ત વ્યાસ. તેમણે આશિષ અમીનને એક નામ આપ્યું હતું. ‘મેજર.’ એટલે આશિષને બધા ‘મેજર’ કહીને જ સંબોધતા હતા.

મેજર મારી પાસે આવ્યો. તેણે એની સ્ટાઇલમાં મારા ખભે હાથ મૂકીને એક તરફ લઈ જતાં ધીમા અવાજે કહ્યું, “જરા ચેક કર, ગાંધીનગરમાં કંઈક ગરબડ છે.”

- Advertisement -

મેં આશ્ચર્યથી એની સામે જોયું અને પુછ્યું, “ગરબડ! ક્યાં?”

મેજરે આસપાસ નજર ફેરવીને ખાતરી કરી કે, તેને કોઈ સાંભળતું નથી. પછી મને કહ્યું, “ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર અટેક થયો છે.”

હું મેજરથી થોડો દૂર ગયો. મેં મોબાઈલ કાઢીને તરત ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફોન કર્યો અને જાણકારી માગી. ત્યાંથી જવાબ મળ્યો, “હજુ કોઈ સ્પષ્ટ મેસેજ નથી; પણ અટેક છે, તેવો પ્રાથમિક મેસેજ છે.”

- Advertisement -

મેં ફોન કટ કર્યો અને કહ્યું, “મેજર, ગાંધીનગર જવું જ પડશે.”

મેં નજીકમાં જ પાર્ક કરેલી મારી મોટરસાઇકલ કાઢી. ત્યારે મારી પાસે સુઝુકી મોટરસાઇકલ હતી. મેજર મારી પાછળ ગોઠવાઈ ગયો અને અમે અમદાવાદના ટ્રાફિકને પાર કરી ગાંધીનગર તરફ જવા નીકળી ગયા. પિકઅવર્સ હોવાને કારણે ખાસ્સો ટ્રાફિક હતો. મારા અને મેજરનાં મનમાં સતત વિચારો ચાલી રહ્યા હતા. આમ તો મેજર મારા કરતાં બે–ત્રણ વર્ષ સિનિયર હતો, પણ મારી સાથે તેનો વ્યવહાર મિત્ર જેવો જ રહ્યો હતો. મેજરનું ઘર અમદાવાદ આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલા કેશવનગર પાસે હતું. અમે સુભાષબ્રિજ પાર કરી રહ્યા હતા, ત્યારે મેજરે મને કહ્યું, “ભાઈ, ઘરેથી મોબાઈલનું ચાર્જર લેવું પડશે.”

હું મેજરની વાત સમજી ગયો. કારણ કે, હવે અમારે ગાંધીનગર કેટલા કલાક થશે? અને ત્યાંથી અમારા કેટલા ફોનકોલ થશે? એની ખબર નહોતી. એવે વખતે જો ફોનની બેટ્રી ઊતરી જાય, તો અનેક સમસ્યા ઊભી થાય. માટે ચાર્જર સાથે રાખવું જરૂરી હતું. મેં ફટાફટ બાઇક કેશવનગર તરફ વાળ્યું. અમે મેજરનાં ઘર પાસે ઊભા રહ્યા. તે ઘરમાં જઈ ચાર્જર લઈ આવ્યો. મેજરે પોતાના કરિઅરની શરૂઆતના ગાળામાં ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું હતું. જેથી સ્થિતિને સમજવા માટે જે સમજ જોઈએ તે પાક્કી હતી. એ સિવાય મેજરને લાંબો સમય સચિવાલયનાં રિપોર્ટિંગમાં થયો હતો.

અમે કેશવનગરથી બહાર નીકળી, ફરી આર.ટી.ઓ. સર્કલ આવ્યા. મેજરે ચાલું બાઇકે મારા ખભે હાથ મૂકતાં કહ્યું, “જો, મંદિર પર અટેક હશે, તો ગાંધીનગર આખું બંધ કરી દેવામાં આવશે.”

“હં… સમજી ગયો.” આટલું કહીને મેં તરત બાજુમાં રહેલી એક દુકાન તરફ વાળીને બાઇક ઊભું રાખ્યું. ઉતાવળે દુકાનમાં ગયો અને દુકાનદારને કહ્યું, “પાર્લે બિસ્કિટ છે?”

તેણે પુછ્યું, “કેટલાં આપું?”

એક ક્ષણ વિચાર કરતાં મને ખ્યાલ આવ્યો કે, ત્યાં મારા અને મેજર જેવા બીજા રિપોર્ટર્સ પણ હશે. મેં કહ્યું, “સો રૂપિયાનાં આપી દો.”

એ સમયે પાંચ રૂપિયામાં પાર્લેનું મોટું પેકેટ મળતું હતું. જો રાત રોકાવવાનું થાય, તો પેટ ભરવાની વ્યવસ્થા કરી લીધી હતી. અમે બિસ્કિટ લઈને તરત પાછા સાબરમતી થઈને વિસત પેટ્રોલ પંપથી ગાંધીનગર હાઇવે ચઢી ગયા.

તે દિવસે મારાં બાઇકની ઝડપ રોજ કરતાં વધારે હતી. હું ગાંધીનગરથી આવતાં વાહનો અને તેમાં સવાર લોકોને જોઈ રહ્યો હતો. તેમના ચહેરા પર કોઈ ગભરાટ જણાતો નહોતો. કદાચ ગાંધીનગરમાં શું બન્યું છે, તેનો અંદાજ હજી તેમને નહોતો. ગાંધીનગર એસ.ટી.ની પોઇન્ટ બસો પણ સરકારી બાબુઓને લઈ અમદાવાદ તરફ આવી રહી હતી.

અમે ઇન્દ્રોડા સર્કલ પહોંચ્યા. ત્યાંથી જમણી તરફ વળો એટલે રાજભવન, મિનિસ્ટર બંગલો અને પછી તરત ડાબી તરફ અક્ષરધામ આવતું હતું. અમને રસ્તામાં પણ કંઈ ખાસ પોલીસ જોવા મળી નહીં. અમે રાજભવન પાર કરીને થોડક આગળ વધ્યા. ત્યાં જમણી તરફ આવેલાં ‘સી.એમ. હાઉસ’ને સી.એમ.ના સલામતી રક્ષકોએ જડબેસલાક ઘેરી લીધું હતું. જે ચાડી ખાતું હતું કે, મામલો ગંભીર છે!

અમે ડાબી તરફ વળ્યા અને જોયું કે, અક્ષરધામ ગેટ નંબર એકની સામે પોલીસનો વિશાળ કાફલો હતો. મેં ગેટની સામે મારું બાઇક પાર્ક કર્યું અને ગેટની અંદર દાખલ થયા. ત્યાં ગાંધીનગરના ઇન્ચાર્જ ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટ અને તેમનો સ્ટાફ હાંફળો ફાફળો દોડાદોડી કરી રહ્યો હતો. બ્રહ્મભટ્ટ પોતાના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી રહ્યા હતા.

ત્યાં હાજર પોલીસ અધિકારીઓમાંથી ઘણાબધાના ચહેરા પરિચિત હતા. પરંતુ આ વખતે તેમની સાથે વાત કરવી મુનાસિબ નહોતી. રિપોર્ટરને ક્યારે શાંત રહેવું અને પોલીસને તેમની કામગીરીમાં અડચણ બનવું નહીં, તેની પણ સમજ હોવી ખૂબ જરૂરી છે. જેથી મેં કોઈ પોલીસ અધિકારીને કંઈ પુછ્યું નહીં, પણ મંદિરના ઘણા સ્વયંસેવકો ત્યાં આવી ગયા હતા. તે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. જેમાં કેટલાક સેવકોએ ઘટના રૂબરૂ જોઈ હતી. તે પત્રકારોને જાણકારી આપી રહ્યા હતા.

સેવકોના કહેવા પ્રમાણે, બે હુમલાખોર સી.એમ. બંગલોની બરાબર સામેની તરફથી અક્ષરધામની રેલિંગ કૂદીને અંદર આવ્યા હતા. આ હુમલાખોરો જ્યાંથી રેલિંગ કૂદ્યા તેની અંદરની તરફ અક્ષરધામના શિલ્પકારો મૂર્તિઓ બનાવવાનું કામ કરતા હતા. અચાનક કોઈક રેલિંગ કુદ્યું એટલે શિલ્પકારોનું ધ્યાન તેમની તરફ ગયું, પણ તેમના હાથમા બંદુકો જોતાં શિલ્પકારો ડરી ગયા. હુમલાખોરોએ તેમની તરફ બંદુકો તાકીને જાણે ‘ચુપ રહો’ તેવો ઇશારો કર્યો હતો. ખબર નહીં, કોઈ કારણસર હુમલાખોરોએ શિલ્પકારો પર ગોળીઓ છોડી નહીં; પણ ત્યાંથી અંદર આવીને તેઓ ડાબી તરફ વળી ગયા ને ખુલ્લી જગ્યામાંથી મંદિરના ગેટ નંબર એક પાસે આવેલી ઓફિસ તરફ ગયા. ત્યાં પહોંચીને તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો.

એ સમયે જ મંદિરની અંદરની બાજુએ ઓપરેશન શરૂ થઈ રહ્યું હતું. ડી.વાય.એસ.પી. ગિરીશ સિંઘલ, પી.એસ.આઈ. ભરત પટેલ અને કમાન્ડો રામાજી ગેટ નંબર એકથી ડાબી તરફનું સર્કલ ફરીને પ્રદર્શન હોલના એક્ઝિટ ગેટ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું હતું કે, અંદરથી લોહીની ધાર બહાર તરફ આવી રહી હતી. સિંઘલ અને પટેલ સમજી ગયા હતા કે, અહીં મામલો ખૂબ ગંભીર છે. હવે એક્ઝિટ ગેટની અંદરના રૂમમાં જવાનું હતું; પણ ખબર નહોતી કે, હુમલાખોર અહીંયાં છે કે નહીં.

કમાન્ડો ટ્રેનિંગમાં સિંઘલ, પટેલ અને રામાજીએ તાલીમ લીધી હતી કે, આ પ્રકારના ઓપરેશનમાં જરા પણ વાત કરવાની હોતી નથી. ઓપરેશન કમાન્ડન્ટનો માત્ર આંખનો ઇશારો જ આદેશ સમજવાનો અને તેનો ફોલો કરવાનો હોય છે. સિંઘલે ભરત પટેલ સામે જોયું. પટેલ સમજી ગયા કે, કવર આપવાનું છે. તે એકદમ ઝડપથી એક્ઝિટ ગેટના દરવાજા પાછળ સરકી ગયા. એ સમયે સિંઘલ અને રામાજીની નજર તથા વેપનના નાળચા એક્ઝિટ ગેટ તરફ હતા. કારણ કે,, જો અંદરથી ફાયરિંગ થાય, તો એનો જવાબ આપી શકાય.

ભરત પટેલે દરવાજા પાસે પોઝિશન લઈ લેતાં સિંઘલે કમાન્ડો સામે જોયું અને ચિત્તાની ઝડપે તે પણ ભરત પટેલ પાસે પહોંચી ગયા. ભરત પટેલે એક્ઝિટ ગેટમાં દાખલ થવા માટે પહેલાં પોતાની પિસ્તોલ દરવાજા તરફ ફેરવી અને અંદર જોયું. અંદરનું દૃશ્ય કોઈ પોલીસ અધિકારીને પણ હચમચાવી નાખે તેવું હતું!

(ક્રમશ:)

Part 3 : મંદિરના સ્વંયસેવક નિશીતે જાણકારી આપી કે, તેઓ મંદિર તરફ દોડ્યા, પણ એ પહેલાં મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular