પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-3): Akshardham Temple Attack Series : ડી.વાય.એસ.પી. ગિરીશ સિંઘલ અને પી.એસ.આઈ. ભરત પટેલે પેલા સફેદ કપડા અને સ્વામિનારાયણની કંઠી પહેરેલા માણસ સામે જોયું, તેણે ડરતાં ડરતાં ઇશારો કરીને કહ્યું, “સાહેબ, એ લોકો પેલી તરફ ભાગ્યા છે.”
એ માણસનાં કપાળ પર હજી પરસેવાની બુંદો હતી. સિંઘલે પેલા માણસનો ડર ઓછો કરવા માટે તેના ખભે હાથ મૂક્યો. પેલા માણસે કહ્યું, “સાહેબ, મારું નામ નિશિત આચાર્ય છે. હું અહીં મંદિરમાં સેવા આપું છું. મારું કામ પાછળ આવેલી મંદિરનાં પુસ્તકોની દુકાનમાં સેવા આપવાનું છે.”
તેમ કહી નિશિતે પાછળની દુકાન તરફ ઇશારો કર્યો. જ્યાંથી સિંઘલ અને પટેલ ભાગ્યા હતા. ત્યાં બે મૃતદેહ પણ પડ્યા હતા. ઉપરાંત એક ફૂટ્યા વગરનો ગ્રેનેડ પણ હતો. પાછળની તરફ ઇશારો કરતાં નિશિતની આંખમાં પાણી આવી ગયું. સિંઘલે તેને હિમંત આપતાં કહ્યું, “રડીશ નહીં. શું થયું છે; એ કહે.”
આ વાત ચાલી રહી હતી ત્યારે ભરત પટેલ અને કમાન્ડો રામાજીની નજર આસપાસ ફરી રહી હતી. કારણ કે, તેમને પણ કોઈ નિશાન બનાવે તેવી શકયતા હતી. નિશિતે કહ્યું, “સાહેબ, મારી સાથે રહેલા બે સ્વયંસેવકોને પણ ગોળી મારી દીધી.”
આટલું બોલતાં તેની આંખો ફરી ભરાઈ આવી. નિશિતે પોતાની વાતને આગળ વધારતાં કહ્યું, “પોણા પાંચ થયા હશે, હું રોજ પ્રમાણે મુલાકાતીઓને પુસ્તકો બતાવી રહ્યો હતો. ત્યારે મેં જોયું કે, પેલી તરફથી બે માણસો દોડતાં અમારી તરફ આવી રહ્યા હતા.”
આમ કહીને તેણે ડાબી તરફની ખુલ્લી જગ્યા તરફ ઇશારો કર્યો અને વાત આગળ વધારતાં કહ્યું, “તેમના ખભા પર સ્કૂલ-કોલેજનાં છોકરાં લટકાવે તેવી બેગ હતી. પહેલાં તો હું કંઈ સમજી શક્યો નહીં, પણ અચાનક મારું ધ્યાન પડ્યું કે, તેમના હાથમાં બંદુકો હતી. તે અમારી દુકાન તરફ જ આવી રહ્યા હતા. હું બારીના કાચમાંથી તેમને જોઈ રહ્યો હતો. તેઓ અમારી તરફ આવી રહ્યા હતા એટલે હું ડરી ગયો. બહારની તરફ ભાગું તો તેમની સામે જ આવી જઉં એટલે હું ત્યાં એક ટેબલની પાછળ સંતાઈ ગયો. અડધી મીનિટમાં જ તેઓ દુકાન સુધી આવી ગયા અને તેમણે ધનાધન ગોળીઓ છોડી.”
આટલું બોલતાં નિશિત હાંફી ગયો હતો. તેણે એક ક્ષણ શ્વાસ લીધો અને ફરી વાત કરતાં કહ્યું, “ત્યાં બે સેવકો હતા. તેમને ગોળી વાગતાં તેઓ ત્યાં જ પડી ગયા. ત્યાર પછી તેમણે કંઈક ગોળા જેવું રૂમમાં ફેંક્યું હતું.”
સિંઘલ મનોમન સમજી ગયા કે, તે ગ્રેન્ડ હતો. નિશિતે વાત આગળ વધારી, “ગોળીબારનો અવાજ બંધ થતાં મેં માથું ઊંચું કરીને જોયું તો એ બંને સામે મંદિર તરફ જઈ રહ્યા હતા. એકની નજર મંદિર તરફ હતી અને બીજો ઊંધાં પગલે મંદિર તરફ જઈ રહ્યો હતો.”
સિંઘલે નિશિતને અટકાવતાં પૂછયું, “કેટલી ઉમંર હશે પેલા માણસોની?”
નિશિતે જરા યાદ કરીને કહ્યું, “સાહેબ, નાનાં છોકરાં જ હતાં. બાવીસ–પચ્ચીસ વર્ષનાં હશે. મને તરત ખ્યાલ આવ્યો કે, તે મંદિરમાં જશે એટલે મને ફાળ પડી. કારણ કે, મંદિરમાં ઘણા દર્શનાર્થીઓ હતા. ખબર નહીં, મને ભગવાને શું સુઝાડ્યું; મારાં ટેબલ પર ઇન્ટરકોમ ફોન હતો. મેં તરત મંદિરમાં ફોન જોડ્યો. સદ્નસીબે ત્યાં એક સેવક હાજર હતો. તેણે ફોન તરત ઉપાડી પણ લીધો. મેં તેને કહ્યું કે, મંદિર ઉપર હુમલો થયો છે. તરત મંદિરના દરવાજા બંધ કરો. ત્યાં હાજર તમામ સેવકો તરત દરવાજો બંધ કરવા દોડી આવ્યા.”
નિશિતે મંદિર તરફ ઇશારો કરતાં કહ્યું, “સાહેબ, દરવાજા કેટલા તોતિંગ છે! ચાર–પાંચ માણસો વગર તો દરવાજા બંધ થાય જ નહીં. પેલા બે મંદિર સુધી પહોંચે તે પહેલાં દરવાજા બંધ થઈ ગયા હતા. હું અહીંયાંથી બધું જોઈ રહ્યો હતો. દરવાજા બંધ થઈ જતાં પેલા બંને બહુ ગુસ્સે થયા. તેમણે દરવાજા પાસે ઊભા રહી દરવાજા ઉપર ધડાધડ ગોળીઓ છોડી. પણ સાહેબ, દરવાજા બહુ મજબૂત છે. ત્યાં કંઈ થયું નહીં. તે મંદિરની નીચે ઉતરી મંદિરની ડાબી તરફ ગયા. ત્યાં નીચે એક બારી છે. આમ તો એ ઇલેકટ્રિક રૂમ છે. તે રૂમની બારીઓમાં પણ તેમણે ગોળીઓ છોડી. પછી તે મંદિરની ફરતે ફરીને જમણી બાજુ, પ્રદર્શન હોલમાંથી બહાર નીકળવાના રસ્તેથી અંદર ગયા.”
નિશિતે જમણી તરફ ઇશારો કરતાં કહ્યું, “સાહેબ, ત્યાં પ્રેમાનંદ અને સચ્ચિદાનંદ હોલ આવેલા છે.”
નિશિતે પોતાનો ડર વ્યક્ત કરતાં કહ્યું, “સાહેબ, પ્રદર્શનમાં તો ઘણા માણસો હોય છે. ખબર નહીં, ત્યાં શું થયું હશે!”
નિશિતે ઉમેર્યું, “પછી હું રૂમની બહાર નિકળીને વોશરૂમ તરફ સંતાઈ ગયો હતો. મેં તમને જોયા એટલે બહાર નીકળવાની હિમંત થઈ.”
નિશિતની વાત પરથી નક્કી થઈ ચૂક્યું હતું કે, હુમલાખોરો હવે પ્રદર્શન હોલ તરફ ગયા છે. એ સિવાય જે પ્રકારના કારતુસ અને ગ્રેનેડ હતા; એના પરથી એ પણ નક્કી હતું કે, હુમલાખોર પાસે આધુનિક હથિયારો સહિત પૂરી તૈયારી છે.
જી. એલ. સિંઘલ અને ભરત પટેલ એક સાથે સમજી ગયા કે, આ ટેરરિસ્ટ અટેક છે. હજી છ મહિના પહેલાં જ ગુજરાતમાં કોમી તોફાનો બંધ થયા હતા. શક્ય છે કે, આ બંને ઘટનાઓને જોડતી કોઈ કડી હોય! સિંઘલે ઇન્વેસ્ટિગેશન કરી રહેલાં પોતાનાં મનને શાંત કરતાં કહ્યું, હમણાં ઇન્વેસ્ટિગેશનનો નહીં, ઓપરેશનને સમય છે.
ભરત પટેલ પણ સાહેબની આંખો જોઈને સમજી ગયા કે, હવે એક્શનનો સમય છે. ભરત પટેલે સિંઘલને પુછ્યું “સર, તમારી પાસે કેટલા રાઉન્ડ છે?”
સિંઘલે કહ્યું, “છ રાઉન્ડ છે.”
પટેલે કહ્યું, “સર, મારી પાસે ત્રીસ રાઉન્ડ છે.”
પટેલે રામાજી સામે જોયું. તેણે કહ્યું, “મારી પાસે પણ ત્રીસ રાઉન્ડ છે.”
સિંઘલ મંદિરની ભૂગોળ સમજીને હવે એક્શનમાં આવવાનો પ્લાન મનમાં નક્કી કરી રહ્યા હતા. તેમણે પાછળ ફરીને ગેટ નંબર એકની બહાર જોયું. હજી તેમની મદદે કોઈ ફોર્સ આવી નહોતી. સિંઘલે ભરત પટેલને કહ્યું, “ભરત, અહીંયાંથી એન્ટ્રી લેવી સેફ નથી. કારણ, અહીંથી તે આપણી પર અટેક કરી શકે છે. આપણે ફરીને, પાછળ થઈને પ્રદર્શન હોલમાં એન્ટ્રી લઈએ.”
ભરત પટેલ અને કમાન્ડો રામાજી પ્લાન સમજી ગયા. ત્રણે દબાતાં પગલે મંદિર પરિસરની ડાબી તરફ આગળ વધ્યા, ફરીને પાછા જમણી તરફ વળ્યા અને બીજી વખત જમણી તરફ વળીને ત્રણે પ્રદર્શન હોલની એક્ઝિટ સુધી પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે, લોહીની ધાર દરવાજા નીચેથી બહાર તરફ આવી રહી હતી.
(ક્રમશ:)
Part 2 : અક્ષરધામમાં એકદમ સન્નાટો હતો, ગેટ નંબર–1 પાસેની ઓફિસમાં લોહીમાં લથબથ બે માણસો પડ્યા હતા.
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796