૨૫ માર્ચ ૨૦૨૦ના ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૨૫.૨૯ની ૧૦૦ વર્ષની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો હતો
સોના અને ચાંદીના ભાવ સતત વધતાં રહેશે અને ૨૦૨૩ના બીજા અર્ધવાર્ષિકમાં રેશિયો ઘટવા તરફી રહેશે
રેશિયો જ્યારે ઊંચે જવા લાગે ત્યારે રોકાણકારો પોતાની પાસેનું સોનું વેચીને ચાંદી ખરીદતા હોય
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બુલિયન બજારના નવશીખીયા યુવા રોકાણકારોએ સોનું ખરીદવું કે ચાંદી એ બાબતે સ્પષ્ટ નથી હોતા. આવા રોકાણકારોએ લાંબાગાળાના નફા માટે ગોલ્ડ સિલ્વર રશિયોનો આસરો લેવો જોઈએ. ગોલ્ડ સિલ્વર રેશિયો એ દાખવે છે કે એક ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) સોનાની સામે કેટલા ઔંસ ચાંદી ઉપલબ્ધ થઈ શકે એ સ્પષ્ટતા કરે છે. સોમવારે આ રશિયો ૧:૮૩.૪૪ હતો. જે દર્શાવે છે કે સોનાના ભાવ ૧૯૫૦ ડોલર હતા તે ભાવથી, ૨૩.૩૬ ડોલરના ભાવની ૮૩.૪૪ ઔંસ ચાંદી ખરીદી શકાતી હતી.
ચીનના આર્થિક વિકાસ ડેટા નબળા આવવાને પગલે રોકાણકારોએ ચાંદીના લેણ છોડી નાખતા ૨૩.૧૫ ડોલરના ભાવ આસપાસ ભારે દબાણમાં આવ્યા હતા. ચીનના અર્થતંત્રના નબળા સમાચારની અસર ચાંદીના ભાવને તુરંત થતી હોય છે, કારણ કે વિશ્વમાં તે સૌથી મોટો ગ્રાહક દેશ છે. તેથીજ ચીન નબળાઈ દાખવે એટલે રોકાણકારો તેમની ચાંદી માંગ ઘટાડી દેતા હોય છે. વર્તમાન વર્ષમાં ૩૦ એપ્રિલે ચાંદી ૨૬.૯૨ ડોલરની ઊંચાઈ ધારણ કર્યા બાદ ૧૬ ઓગસ્ટે ૨૨.૪૮ ડોલરનું તાજેતરનું તળિયું બનાવ્યું હતું. એ સમયે ગોલ્ડ સિલ્વર રેશિયો ૮૪ થયો હતો. છેલ્લા કેટલાંક મહિનાથી રેશિયો આ પોઈન્ટ આસપાસ રહ્યા કરે છે.
કુદરતી રીતે ગોલ્ડ સિલ્વર રેશિયો ૧:૧૬નો હોવો જોઈએ મતલબ કે ૧ ઔંસ સોનાથી ૧૬ ઔંસ ચાંદી ખરિદી શકાય. રોકાણકારો ગોલ્ડ સિલ્વર રેશિયોથી ટ્રેડિંગ કરતાં હોય ત્યારે સોના અને ચાંદીના હાજર ભાવને ધ્યાનમાં રાખતા હોય છે. કોવિદ-૧૯ના રોગચાળા દરમિયાન ૨૫ માર્ચ ૨૦૨૦ના ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૨૫.૨૯ની છેલ્લા ૧૦૦ વર્ષની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો હતો એ સમયે સતત વધતાં સોનાના ભાવ સામે ચાંદીના ભાવ ઊલટી દિશામાં ઘટી રહ્યા હતા. ત્યાર પછી તબક્કાવાર રેશિયો ઘટીને ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ૬૧.૫૧ થયો હતો. છેલ્લા ૧૦૦ વર્ષમાં રેશિયોનું ઐતહાસિક તળિયું ડિસેમ્બર ૧૯૬૭માં ૧૫.૬૭ બન્યું હતું.
બુલિયન ટ્રેડરો માની રહ્યા છે કે સોના અને ચાંદીના ભાવ સતત વધતાં રહેશે અને ૨૦૨૩ના બીજા અર્ધવાર્ષિકમાં રેશિયો ઘટવા તરફી રહેશે. ચાંદી એ જથ્થાની રીતે વધુ બલ્કિ હોવાથી તેના સંગ્રહ માટે વધુ જગ્યા આવશ્યક હોવાથી રોકાણકારો પણ ચાંદીને બદલે સોના તરફ આકર્ષિત થતાં હોય છે. જેમની પાસે નાણાંની વધુ છૂટ હોય છે, તેવા રોકાણકારો માટે સોનાનું અસ્ક્યામત મૂલ્ય વધુ હોવાથી અને તેને ઓછી જગ્યામાં સંગ્રહી શકાતું હોવાથી તેમાં રોકાણ વ્યવહારુ ગણાય છે. જ્યારથી સોના ચાંદીના અસ્ક્યામત મૂલ્યના રેકોર્ડ રાખવાનું શરૂ થયું ત્યારથી જગતની સેન્ટ્રલ બેન્કો પણ વધુ વેગથી સોનું ખરીદવા લાગી છે, તે સાથે રોકાણકારોમાં પણ તેની માંગ વધી છે.
જો સોનાના ભાવની તુલનાએ ચાંદીના ભાવ વેગથી વધવા લાગશે તો રોકાણકારો ઢગલા મોઢે ચાંદી વેચાવા બજારમાં આવી પડે તેવી શક્યતા છે કારણ કે રોકાણકારો પણ પોતાના હોલ્ડિંગને હળવું કરવાની રાહ જોઈ રહ્યા છે. ગોલ્ડ સિલ્વર રેશિયો જ્યારે ઊંચે જવા લાગે ત્યારે રોકાણકારો પણ પોતાની પાસેનું સોનું વેચીને ચાંદી ખરીદતા હોય છે. છેલ્લા ૧૦૦ વર્ષની ગોલ્ડ સિલ્વર રેશિયો સરેરાશ ૧:૪૮ની છે. આનો અર્થ એ થાય કે સોના અને ચાંદીના વર્તમાન ભાવ અસામાન્ય ઊંચા છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








