Friday, June 5, 2026
HomeGujaratAhmedabadશિક્ષક દિન વિશેષ: “યુનિવર્સિટીઓના અન્યાય, ઉત્પીડન અને ભયના વિરુદ્ધ સંઘર્ષ કરવાનું શિક્ષણ...

શિક્ષક દિન વિશેષ: “યુનિવર્સિટીઓના અન્યાય, ઉત્પીડન અને ભયના વિરુદ્ધ સંઘર્ષ કરવાનું શિક્ષણ મળવું જોઈએ”

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આજે સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે અને આપણા દેશમાં આ દિવસ ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ અને તે પછી રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે. ભારતરત્ન સહિત તે દુનિયાના અતિપ્રતિષ્ઠિત ‘ઑર્ડર ઑફ મેરિટ’ જેવાં સન્માન તેમના નામ આગળ શોભે છે. આશ્ચર્ય થાય પણ તેઓનું સાહિત્ય અને શાંતિ સ્થાપવાની કેટેગરીમાં 27 વાર નોબલ પ્રાઇઝ માટે નોમિનેશન થયું હતું. આ અપ્રતિમ વ્યક્તિત્વનું સાહિત્યિક યોગદાન ઘણું છે. તેમણે ધર્મ, શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન, ફિલસૂફી અને જીવનલક્ષી સાહિત્યનું સર્જન કર્યુ. આ મહામૂલી વારસો આજેય આપણી પાસે ઉપલબ્ધ છે. આ વિચારો પ્રસ્તુતેય છે. જેમ કે, તેમણે ‘માનવીય વિકાસનો અર્થ’એ મથાળેથી મોસ્કો યુનિવર્સિટીમાં 18 જૂન 1956ના રોજ એક વક્તવ્ય આપ્યું હતું.

teachers day
teachers day

આ વક્તવ્યમાં તેમણે શિક્ષણનો પાયાનો ખ્યાલ સમજાવ્યો છે. અહીં તેઓ રશિયામાં 1917ની ક્રાંતિ પછી શિક્ષણમાં આવેલાં પરિવર્તન પછીની સ્થિતિ વિશે કહે છે, “તે પછી અહીંયા(રશિયામાં) બાળકોના દેખરેખ, યુવાનોનું શિક્ષણ તથા કલાકાર, બુદ્ધિજીવી અને યુનિવર્સિટીઓનું વિશેષ રીતે ધ્યાન આપવામાં આવ્યું. અહીંના વિશાળ અને વૈજ્ઞાનિક સંસાધનોથી સમૃદ્ધ ઇમારતો સમાજના બૌદ્ધિક જીવનમાં રૂચિનો એક ખ્યાલ રજૂ કરે છે. પરંતુ ખરેખર ઇમારતોથી યુનિવર્સિટીઓ નિર્માણ પામતી નથી. યુનિવર્સિટીઓની આત્મા ત્યાંના અધ્યાપક, વિદ્યાર્થી અને તેમનો અભ્યાસ છે. યુનિવર્સિટીઓ કોઈ પણ દેશના બૌદ્ધિક જીવનનું આશ્રયસ્થાન હોય છે. રાષ્ટ્રીય જીવનની સ્વસ્થ મૂળીયાં તમે પ્રજામાં જોઈ શકો છો. પ્રજા જ રાષ્ટ્રીય જાગ્રતિનો સ્ત્રોત છે. પ્રજા જ સમાજના ક્રાંતિકારી આંદોલનોના પૃષ્ઠભૂમિમાં રહેનારી આત્મા છે. તેથી જ્યારે શિક્ષણ આપવામાં આવે છે, ત્યારે આપણે મૂળભૂત સિદ્ધાંતોને પ્રોત્સાહન આપીએ છીએ. શિક્ષણ મેળવેલાં યુવાનો પોતાના વિચારોનો પ્રચાર કરશે અને પ્રચલિત બાબતોની ટીકા કરશે. આ યુનિવર્સિટીઓમાંથી ન માત્ર ડૉક્ટરો અને એન્જિનિયરો આવશે, બલકે એવાં પુરુષો-મહિલાઓ આવશે જેઓ સ્વતંત્ર રીતે વિચાર કરતાં હોય. આવાં લોકો દરેક વાત પક્ષની દૃષ્ટિથી નહીં જુએ અને જો આ લોકોના કાર્ય કરવાની આઝાદીને ખતમ કરી દેવામાં આવશે તો આપણા માટે જ જોખમ ઊભું થશે. જો લોકોનો બૌદ્ધિક ઉત્સાહમાં કમી આવે છે, તો આપણી જ સભ્યતાનું ભાવિ અંધકારમય ભાસે છે.” સર્વપલ્લી રાધાકૃષ્ણનની આ વાતને આજના આપણા દેશમાં વ્યાપી રહેલી શિક્ષણ સાથે સરખાવીએ તો ખ્યાલ આવશે કે આપણે બિલકુલ વિપરીત દિશામાં જઈ રહ્યા છે. માત્ર ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા જોઈએ તો તે પચાસની ઉપર થઈ ચૂકી છે, પણ શિક્ષણનો મર્મ હજુ સમજાયો હોય તેમ લાગતું નથી.

- Advertisement -
teachers day
teachers day

ઉપર દર્શાવેલાં તેમના આ વિચારો ‘ભારત અને વિશ્વ’ નામના ગ્રંથમાં રજૂ થયા છે. આ ગ્રંથમાં ભારતના પરિપ્રેક્ષ્યમાં તેમણે અતિ મહત્વની ચર્ચા કરી છે. જેમ કે, ‘ભારતીય ધાર્મિક વિચારધારા અને આધુનિક સભ્યતા’, ‘નવા ભારતની આકાંક્ષાઓ’, ‘લેખક અને વર્તમાન ગતિરોધ’, ‘સહઅસ્તિત્વ’, ‘વિશ્વસમાજની રચના’ જેવાં અનેક વિષયોની ઊંડાણથી રજૂઆત તેમણે કરી છે. ‘માનવીય વિકાસનો અર્થ’ વક્તવ્યમાં તેઓ આગળ કહે છે : “ટેકનિકલ કુશળતા અથવા તો જ્ઞાનવૃદ્ધિ તે માનવીય વિકાસથી તદન વેગળી બાબત છે. માનવીય વિકાસનો અર્થ છે કે વ્યક્તિનો આંતરિક વિકાસ. આજનો માનવી સમૂહમાં ખોવાઈ ગયો છે. સમાજ જે કંઈ કહે છે અને સિનેમા, રેડિયો, ટેલિવિઝન, અખબારો વગેરે પોતાના પ્રચાર સાધનો દ્વારા જે કંઈ કહેવામાં આવે છે તે જ તે માને છે. આપણી વિચારવાની પદ્ધતિ ઘણે અંશે યાંત્રિક થઈ ચૂકી છે. બૌદ્ધિકતા જોખમમાં છે અને સત્યને ગળો ટૂંપો દેવાઈ રહ્યો છે. મહાન પુસ્તકોથી ગંભીર અધ્યયનથી સ્વતંત્ર્ય વિચારનો વિકાસ થાય છે. મહાન વિચારો આપનારા મહાન ગ્રંથોના અભ્યાસથી આપણી અંતરાત્માનો વિકાસ થાય છે. આપણું શરીર આ દેશ અને આ યુગનું છે, છતાં યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તરીકે આપણે સૌ દેશોના અને તમામ યુગના છીએ.” શિક્ષણ સાથે સમાજની માનસિકતા કેવી રીતે ઘડાય છે અને તેમાં મીડિયાની ભૂમિકા કેટલી જવાબદારીભરી છે તે પણ અહીં રાધાકૃષ્ણનને કહ્યું છે.

teachers day
teachers day

ધર્મ વિશે અહીં વક્તવ્યમાં જણાવેલા વિચારો પણ જાણવા યોગ્ય છે. જેમાં તેઓ કહે છે : “જે લોકો આધ્યાત્મિક કલ્યાણાર્થે ખૂબ ઉત્સાહિત થઈને ધર્મના પ્રચારનો આશ્રય લે છે, તેઓ ધાર્મિક વાદવિવાદની અયોગ્ય રીતે અપનાવે છે. ધર્મપરિવર્તન કરાવનારાઓ જે આત્માના ઉદ્ધારની વાત કરે છે તે ખરાં ધર્મની ભાવના સાથે અનુકૂળ નથી. સોવિયત સંઘના લોકો ધાર્મિક કટ્ટરતાની વાત જાણે છે, જેનાથી યુરોપમાં ધર્મયુદ્ધો થયા અને તેમાં તે બરબાદ થયું. જે લોકો વિજ્ઞાનના વાતાવરણમાં ઉછર્યા છે અને આલોચનાત્મક દૃષ્ટિ રાખે છે તેઓ ધાર્મિક કટ્ટરતાને હંમેશા આધ્યાત્મિક નબળાઈનું લક્ષણ ગણે છે.” ધાર્મિક કટ્ટરતાની વાતો તેમણે અહીં ઉદાહરણ સાથે રજૂ કરી છે. તેઓએ કહ્યું છે : “આપણે ધર્માન્ધતાની બીમારીથી બચવું જોઈએ અને સાથે જ એક બુદ્ધિગમ્ય ધર્મની આવશ્યકતા સામે રાખવી જોઈએ. વર્તમાન મનુષ્ય આત્મનિર્ભર બની ચૂક્યો છે અને તે બુદ્ધિગમ્ય ધર્મની શક્તિને વિસરી ચૂક્યો છે. તેના પરિણામે માનવીમાં વિચારની ખામી જન્મી છે. આ માટે તેને બુદ્ધિપરક ધર્મની આવશ્યકતા છે. એવો ધર્મ વિજ્ઞાનની ભાવનાથી પ્રતિકૂળ નથી. ‘દિ વર્લ્ડ એજ આઈ સી ઇટ’ નામના પુસ્તકમાં આઇનસ્ટાઇનને લખ્યું છે : ‘ધાર્મિક ભાવનાનું સ્વરૂપ એવું હોય છે કે તે પ્રાકૃતિક નિયમોનું એકત્વ જોઈને આશ્ચર્ય પામે છે અને તેના આનંદમાં મગ્ન થાય છે, તેને જ તે બુદ્ધિનું ઉચ્ચત્તમ શિખર માને છે. જેની સરખામણીએ વ્યક્તિના સમષ્ટ વિચાર અને વ્યવહાર બિલકુલ તુચ્છ લાગે છે. જ્યાં સુધી તે પોતાની જાતને સ્વાર્થી ઇચ્છાઓને વેગળી રાખવામાં સમર્થ હોય છે ત્યાં સુધી તેને એ ભાવના જીવનનો ખરા માર્ગે દોરી લઈ જાય છે. આ ધાર્મિક ભાવના અવ્યાખ્યિત છે.”

teachers day
teachers day

આગળ તેઓ યુનિવર્સિટીઓમાં કેવાં પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ તે વિશે કહ્યું છે. આ રજૂઆત કંઈ આવી છે : “યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને અજ્ઞાન, અન્યાય, ઉત્પીડન અને ભયના વિરુદ્ધ સંઘર્ષ કરવાનું શિક્ષણ મળવું જોઈએ. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા અને રશિયામાં જે મહાન ક્રાંતિ થઈ તે પ્રગતિના માર્ગે જવાનું એક મુખ્ય સિમાચિહ્ન આવું શિક્ષણ છે. તમામ અન્યાયો વિરુદ્ધ પોકારેલા આ બંડને અવાજ દુનિયાભરમાં સંભળાયો અને તેનાથી લોકોના મસ્તિષ્કમાં હલચલ જન્મી. આ બધી બાબતનો આધાર એ છે કે વ્યક્તિ સર્વોપરી છે અને તેના વિશ્વાસ મુજબ તેને વિચારવાની અને બોલવાની આઝાદી હોવી જોઈએ. કાયદાની દૃષ્ટિ સૌ એકસરીખા હોવા જોઈએ. દુનિયામાં અને ખાસ કરીને એશિયા, આફ્રિકામાં એવાં વિશાળ પ્રદેશ છે જ્યાં આ સમાનતાવાદી સિદ્ધાંતોને માનવામાં નથી આવતા.” આજનું આપણું શિક્ષણ આપણને અન્યાય, અજ્ઞાન કે ઉત્પીડન સામે સંઘર્ષ કરાવતાં નથી શીખવતું. જ્યાં સુધી કોઈ બાબત-ઘટનાનું સમગ્ર ચિત્ર ન મળે ત્યાં સુધી વ્યક્તિ સંઘર્ષ કરવા અર્થે તૈયાર થઈ શકતો નથી, જેમ કે હાલમાં બન્યું છે જેમાં ‘એનસીઇઆરટી’ના પુસ્તકોમાંથી કેટલાંક પ્રકરણો કાઢી નાંખવામાં આવ્યા છે. શિક્ષણ આપવામાં જો આટલી સંકુચિત દૃષ્ટિ શાસકો રાખે તો તેનું પરિણામ ભવિષ્યમાં ભોગવવું જ રહ્યું.

- Advertisement -
teachers day
teachers day

સર્વપલ્લી રાધાકૃષ્ણને અંતે જે કહે છે તે : “જ્યાં જાતિય સહિષ્ણુતા પુર્નજીવિત કરવાની હશે તો શિક્ષણ સંસ્થાઓને નવી રીતે શિક્ષણ આપવાનું કાર્ય કરવું પડશે. સાથે રહીને, કામ કરીને જ આપણે એકબીજાને સમજી શકીએ. અને એ રીતે જ આપણી ભાવના અને કલ્પનાની ખાઈને મિટાવી શકીએ. એકબીજાને ન જાણીને એકબીજાથી આપણે ડરીએ છીએ. ગાંધીજી જે આદર્શ માટે જીવ્યા અને મૃત્યુ પામ્યા તે સમાધાન કરવા અર્થે અને ભ્રાતૃભાવ રહે તેનો આદર્શ છે. આ દેશ માટે ઔદ્યોગિક વિકાસ અને સામાજિક પ્રગતિ માટે એન્જિનિયરો, ડોક્ટરો અને અધ્યાપકોની જેમ જરૂરિયાત છે, તેમ એવા લોકોની પણ આવશ્યકતા છે જેઓ સ્વતંત્ર રીતે વિચાર કરવા સમર્થ હોય….દુર્ભાગ્યવશ આપણી શિક્ષણ સંસ્થાઓમાં વ્યક્તિના અંદર રહેલા પશુને પોષે છે, તેની બુદ્ધિને શિક્ષિત કરીએ છીએ પણ તેની આત્મા પર ધ્યાન આપતા નથી. આપણે રેડિયો સાંભળીએ, સિનેમા જોઈએ, ટેલિવિઝન જોઈએ, અખબાર વાંચીએ અને તેને જ ગ્રહણ કરીને તેના એવાં પ્રતિબિંબિત દર્પણ જેવાં બની ગયા છીએ. આપણે અંદરથી નબળા થઈ ચૂક્યા છીએ, અને નકામી વાતોને, ઓટોમોડ પર હોય તેવી ક્રિયાઓના વહેણમાં વહી જઈએ છીએ. જીવનનો કોઈ ઉદ્દેશ કે સાર્થકતા આપણને નથી દેખાતી.” આવી અનેક વાતો સર્વપલ્લી રાધાકૃષ્ણને કહી છે જે તેમના જન્મદિવસની ઊજવણીમાં વિસરાવી ન જોઈએ.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular