Sunday, April 19, 2026
HomeGujaratGir Somnathગીર ગઢડામાં હુમલો કરી આંતક મચાવનારા દીપડાઓનું વન વિભાગ દ્વારા કરાયું દિલધડક...

ગીર ગઢડામાં હુમલો કરી આંતક મચાવનારા દીપડાઓનું વન વિભાગ દ્વારા કરાયું દિલધડક રેસ્ક્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આંતક સતત વધી રહ્યો છે, ત્યારે એક અઠવાડિયા પૂર્વે કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વૃદ્ધ મહિલા પર દિપડાએ હુમલો કરતા મૃત્યુ થયું હતું. જેની હજુ શાહી સુકાણી નથી, ત્યાં ગીર ગઢડાના સુખનાથ ચોકમાં રહેતા કમલેશ ચાંદરાણીના પત્ની અને પુત્ર સવારના સમયે ઘરની અગાસી પર પાણીની ટાંકીમાં પાણી જોવા ગયા હતા. ત્યારે દીપડાએ રિશિત ચાંદરાણી પર હુમલો કરતાં બુમા બુમ કરતા માતા અલ્કા ચાંદરાણી તેને છોડાવવા જતા તેમના પર પણ ડિયાદએ હુમલો કર્યો હતો. ત્યારે માતા અને પુત્રએ બૂમાબૂમ કરતાં અન્ય લોકો એકત્રિત થઈ જતાં દીપડો ભાગી ગયો હતો. ત્યાર બાદ આ અંગે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જસાધાર વન વિભાગ અને બાબરીયા વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગામમાં દોડી આવ્યા હતા. તે સમય દરમિયાન દીપડાએ અચાનક જ વન વિભાગના અધિકારી દિલીપ સરવૈયા પર હુમલો કરતા તાત્કાલિક ગીર ગઢડા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમણે ઉના ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારી પર હુમલો કર્યા બાદ બે દીપડા અલગ અલગ ઘરમાં ઘૂસી ગયા હતા. જેના કારણે લોકો પણ એકત્રિત થઈ ગયા હતા.

- Advertisement -

આ હુમલાખોર બંને નર અને માદા દીપડાઓમાં એક દીપડો જતીન ચૌહાણના ઘરના ફળિયામાં બનાવેલ મેડામાં સંતાઈને બેસી ગયો હતો અને બીજો રાજી બારૈયાના કાચા મકાનમાં ઘૂસી ગયો હતો. ત્યારે જસાધાર વન વિભાગ અને બાબરીયા વન વિભાગના ફોરેસ્ટ ટીમ અને ડોક્ટરની ટીમ સહિતના કર્મચારીઓ દ્વારા જતીન ચૌહાણના મકાનમાં મેડા પર લપેટાઇને બેસી જતા વન વિભાગને નિશાન લગાવવું ખૂબ જ અઘરું બન્યું હતું અને ટેંન્ક્યુલાઈઝ ગન દ્વારા ચાર જેટલા ઇન્જેક્શન મારવામાં આવતા દિપડો બેભાન થયો હતો, જ્યારે રાજી બારૈયાના કાચા મકાનમાં રહેલા દીપડાને નળિયાવાળા મકાનના ઉપરના ભાગેથી ટેંન્ક્યુલાઈઝ ગન દ્વારા બે જેટલા ઇન્જેક્શન મારવામાં આવ્યા હતા અને બંને નર અને માદા દીપડાનું સતત ત્રણ કલાકથી વધુ સમય સુધી દિલ ધડક રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગીર ગઢડા લોહાણા મહાજનના સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અનિલ વિઠલાણીએ જણાવ્યું હતું કે, મેઇન બજાર જેવા વિસ્તારમાં આવેલ કમલેશ ચાંદરાણી પરિવારના ઘરની ઉપરના ભાગે સવારના સમયે દીપડો આવી ચઢ્યો હતો અને કમલેશના પત્ની અલકા અને પુત્ર રિશિત સવારના સમયે પાણીની ટાંકી જોવા ગયા હતા, ત્યારે અચાનક દીપડો આવી ગયો હતો અને રિશિત પર હુમલો કર્યો હતો. ત્યારે બૂમાબૂમ કરતા માતા અલકા તેને બચાવવા જતા તેમના પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. બંને માતા-પુત્રએ બૂમાબૂમ કરતા રાજુ વાઘેલા નામનો વ્યક્તિ બૂમો સાંભળી જતા અગાસી પર દોડી રિશિત અને અલકાબેનને બચાવી લીધા હતા અને દીપડાઓ ગામમાં ઘૂસી ગયા હોવાની વન વિભાગને જાણ કરવામાં આવી હોવા છતા જસાધાર રેન્જ વન વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યા હતા અને ૩ કલાક બાદ આવ્યા હતા.

ઈનપુટ: ધર્મેશ જેઠવા

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular