નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સ્વર્ણિમ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની (Safety of Women) સ્થિતિ કેવી છે, તે અંગે આજે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યસભામાં રજૂ થયેલા આંકડાને ટાંકતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં (Gujarat) છેલ્લા 5 વર્ષ દરમિયાન 40,600 મહિલા સંબંધિત કેસ નોંધાયા છે. એટલે કે સરેરાશ લગભગ રોજના 22 કેસ મહિલા સંબંધિત નોંધાય છે. આ આંકડા ચોંકાવરા છે અને ગુજરાતની મહિલા સુરક્ષા ઉપર સીધા સવાલો ઊભા કરતાં આ આંકડા છે.
આજે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે હિરેન બેંકરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “ગત 28 તારીખે લોકશાહીના મંદિરનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે ખૂબ સારી બાબત કહેવાય. પરંતુ તે જ સમયે વૈશ્વિક સ્તરે ભારતનું નામ ઊંચું કરનારી મહિલા કુસ્તીબાજો સાથે જે થયું તે આપણે બધાએ જોયું છે. આ દૃશ્યો સાબિત કરે છે કે, ભાજપ સરકાર મહિલાઓને લઈને સંવેદનશીલ છે કે પછી મહિલા વિરોધી માનસિકતા ધરાવે છે. આ ભાજપ સરકાર ‘બેટી બચાઓ’ના નારા લગાવે છે, પણ જ્યારે ગુજરાતમાં મહિલા સંબંધિત નોંધાતા ગુનાના આંકડા જોઈએ તો તે ઘણા ચિંતાજનક છે.”
હિરેન બેંકરે રાજ્યસભામાં પૂછયેલા એક સવાલના જવાબને ટાંકતા જણાવ્યું હતું કે, “ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦થી વધુ મહિલાને લગતા ગુનાઓ નોંધાય છે, એટલે કે દર મહીને સરેરાશ ૬૭૦થી વધુ અને દરરોજ ૨૨થી વધુ મહિલાને લગતા ગુનાઓ નોંધાય છે. જે નોંધાયા ન હોય તેવા ગુનાઓનો આંકડાઓ પણ ખુબ મોટો છે. ગુજરાતમાં 2017માં 8133, વર્ષ 2018માં 8329, વર્ષ 2019માં 8799, વર્ષ 2020માં 8028 અને વર્ષ 2021માં 7348 જેટલા મહિલાને લગતા ગુનાઓ નોંધાયા છે. મહિલા સુરક્ષાના તમામ કાયદા હોવા છતાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે, ત્યારે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો ઉપર લગામ લગાવવા અને દીકરીઓને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.”
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપે ‘બેટી બચાવો’ સૂત્ર તો આપ્યું છે. પરતું કોનાથી બચાવો ? ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો કેસ, સાંસદ પર એથ્લીટ્સ ખેલાડીઓની છેડતીનો આરોપ, નલિયા કાંડ સહિતના કેસોમાં કેટલાંય ભાજપના નેતા, પદાધિકારીઓના નામ મહિલા અત્યાચારમાં સામે આવે ત્યારે ભાજપ કેમ મૌન થઇ જાય છે ? જે ભાજપની મહિલા વિરોધી માનસિકતા દર્શાવે છે. માત્ર જાહેરાતો-પ્રવચનો અને સુત્રોમાં મહિલા સુરક્ષાની વાતો કરવાને બદલે ભાજપ નક્કર પગલા લે તો જ મહિલાને લગતા ગુન્હાઓ અટકશે અને બહેન-દીકરીઓ સુરક્ષિત અનુભવશે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








