નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા છેલ્લા ઘણા સમયથી ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. તાજેતરમાં જે રીતે પોલીસ પર હુમલો થવાની ઘાટનાઓ બની રહી છે, તે જોતાં લાગી રહ્યું છે કે અમદાવાદમાં લોકોની રક્ષા કરવાવાળી પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજાનું શું થતું હશે. અમદાવાદનાં શાહીબાગ પોલીસ સ્ટેશન (shahibaug police station) ની એક ટીમ જ્યારે એક તડીપાર આરોપીને પકડવા ગઈ હતી, ત્યારે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા, તેમને હાલ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાર બાદ પોલીસે પથ્થરમારો કરનારા 8 લોકોની ધરપકડ કરી હતી અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનની ટીમ રાઉન્ડમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, છેલ્લા ઘણા સમયથી તડીપારા થયેલો ચાઈના ગેંગનો લીડર પ્રકાશ ઉર્ફે પકો શાહીબાગ વિસ્તારમાં આવેલી એક જગ્યાએ ધાબા પર છુપાયેલો છે. જે બાતમીના આધારે પોલીસની બે ટીમ આરોપીને પકડવા બાતમીવાળી જગ્યા પર પહોંચી હતી. એક ટીમ ઘરની નીચે અને એક ટીમ ધાબા પર પહોંચી ત્યારે આરોપી ધાબા પર મળી આવ્યો હતો. પોલીસે પકાને પકડીને નીચે આવી રહી હતી, તે દરમિયાન આજબાજુથી પોલીસ પર પથ્થરાની શરૂઆત થઈ હતી. જેના કારણે એક પોલીસકર્મીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતો. પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસ કોન્ટ્રલરૂમ જાણ કરી વધુ પોલીસની ટીમ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. અન્ય પોલીસકર્મી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ આરોપીને ભાગડવાનો પ્રત્યન કરી પોલીસ પર પથ્થરમારો કરનારા પાકાના આઠ સાગરીતોની પોલીસ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રકાશ ઉર્ફે પકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, શાહીબાગ વિસ્તારમાં ગેંગ બનાવી મારામારી, લોકોને ધાક-ધમકી આપવી, ગેંગ બનાવી લોકોમાં ખૌફનો માહોલ પેદા કરતો હતો. જે કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. શાહીબાગ વિસ્તારમાં પકો માથાભારે તરીકેની છાપ ધરાવતો હતો. આ અગાઉ પોલીસ પર હુમલાના કેસમાં તેની સંડોવણી સામે આવી હતી. તડીપાર થયેલા પકાને પકડવા પોલીસની અલગ અલગ ટીમ તપાસમાં હતી. તે દરમિયાન બાતમી આધારે પોલીસે આરોપીને દબોચી પાડ્યો છે.








