નવજીવન ન્યૂઝ. ભરૂચઃ હાલ ગરમીનો સમય ચાલી રહ્યો છે, તેવામાં બાળકોને વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટા ભાગના પરિવાર દરિયાકાંઠા વિસ્તારમાં ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે ભરૂચના બે પરિવાર વેકેશનની મજા માળવા માટે ખંભાતના દરિયે ફરવા માટે ગયો હતો, જ્યાં દરિયાના પાણીમાં પરિવાર તણાઇ ગયો હતો. જોકે બે કિશોરીઓનું હેમખેમ રીતે રેસ્ક્યું કરી લેવામા આવતા બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આ બનાવમાં બે પરિવારના 6 લોકોના મૃત્યુ થયા હતા.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મૂલેર ગામના ગોહિલ પરિવારના 8 સભ્યો દરિયાનો આનંદ માણવા માટે શુક્રવારની સાંજના સમયે ગંધાર દરિયા કિનારે ગયા હતા. ગંધારનો દરિયા કિનારો મૂલેર ગામથી 5 કિલોમીટર જેટલા અતંરે આવેલો છે. પરિવારના બાળકો અને વડીલો દરિયાની મોજ માણી રહ્યા હતા. પરંતું તેમને જરા પણ અંદાજો ન હતો કે આ દરિયો આખા પરિવારને ભરખી જશે. કારણ કે આ અમાસની સાંજ હતી.
અમાસ હોવાના કારણે દરિયામાં ભરતી આવતા કિનારા પર પાણી વધવા લાગ્યું હતું. પરંતું પરિવાર આ પરિસ્થિતિને સમજી શક્યો ન હતો. આ દરમિયાન દરિયા કિનારે ભરતીનું પાણી ખુબ ઝડપથી વધવાનું શરૂ થતાં પરિવારની એક બાળકી ભરતીના પાણી ડૂબી ગઈ હતી. બાળકીને જોઈને પરિવારની એક મહિલા બાળકીને બચાવવા માટે દોડી આવી હતી. જોકે મહિલા પણ ભરતીના પાણીમાં ડૂબવા લાગી હતી. મહિલા અને બાળકીને બચાવવા માટે પરિવારના અન્ય સભ્યો પણ મદદે આવતા તમામ પાણીમાં ડૂબ્યા હતા.
અમાસના દિવસે ભરતી આવતા પરિવારના 8 સભ્યો દરિયામાં તણાઇ ગયા હતા. સાંજના સમયે બનેલી આ ઘટનાની જાણ નજીકમાં મીઠાના અગરમાં કામ કરતાં કામદારોને થતાં પરિવારની મદદ કરાવ માટે દોડી આવ્યા હતા અને તમામ પરિવારના સભ્યોને દરિયામાંથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન પરિવારના 4 સભ્યો ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. જ્યારે અન્યોની હાલત ગંભીર હોવાથી ભરૂચની બરોડ હાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પરિવારના વધુ 2ના વ્યક્તિના મોત નિપજ્યાં હતા અને બે ગંભીર હાલતમાં સારાવાર લઈ રહ્યા છે.
આ બનાવમાં કુલ 6 લોકોના મોત નિપજ્યાં હતા, જેમાં 19 વર્ષીય દશરથ ગોહિલ, 20 વર્ષીય તુલસીબેન બળવંતભાઈ, 5 વર્ષીય જાનવીબેન હેમંતભાઈ, આર્યાબેન રાજેશભાઇ, 15 વર્ષીય રીંકલબેન બળવંતભાઈ અને 38 વર્ષીય રાજેશ છત્રસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. જ્યારે 19 વર્ષીય કિંજલબેન બળવતભાઈ ગોહિલ અને 17 વર્ષીય અંકિતાબેન બળવતભાઈ ગોહિલ સારવાર હેઠળ છે. મૂલેર ગામમાં આજે પરિવારના 6 સભ્યોની એક સાથે અર્થી ઉઠતાં આખું ગામ હિબકે ચઢ્યું હતું. પરિવારની અંતિમ યાત્રમાં મોટી સંખ્યામાં ગ્રામજનો વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રાણા સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા.