Bhavnagar Lattha Kand : ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની 18 ઓગસ્ટે વાત બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. એક પછી એક એમ 13 લોકોના લઠ્ઠાકાંડમાં મોત નિપજ્યા છે. ખાનગી તેમજ સર ટી હોસ્પિટલમાં અનેક દર્દીઓની સારવાર પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડના પાંચ દિવસ બાદ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબહેન બાંભણીયાને અચાનક પીડિતો યાદ આવતા સર ટી હોસ્પિટલ (Nimuben Bambhaniya visit Sir T Hospital) ખાતે આજે પહોંચી ગયા હતા, પરંતુ જેમની ખબર પૂછવા ગયા હતા તે છેલ્લાં પીડિતને સવારે જ હોસ્પિટલમાંથી રજા આપી દેવાતા નિમુબહેનની સ્થિતિ કફોડી બની ગઈ હતી.
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબહેન બાંભણીયા ભારતીય જનતા પાર્ટીના અતિ વ્યસ્ત રાજકારણી છે. ભાવનગર લઠ્ઠાકાંડ (Hooch Tragedy Bhavnagar) ની ઘટનાના 5 દિવસ બાદ સર ટી હોસ્પિટલની લીધેલી મુલાકાતને લઈને નિમુબહેન ચર્ચામાં આવ્યા છે. નિમુબહેન સર ટી હોસ્પિટલમાં પીડિતોની ખબર પૂછવા પહોંચ્યા તેની કેટલીક ક્ષણો પહેલાં જ હોસ્પિટલમાં દાખલ એક દર્દીને રજા આપી દેવાઈ હતી. નિમુબહેન હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમને આ વાતની જાણ થતાં તેઓ ભોંઠા પડ્યા હતા. હોસ્પિટલમાં જે હેતુથી નિમુબહેન પહોંચ્યા હતા તે સિદ્ધ થાય તેવો ન હોવાથી તેમણેસર ટી હોસ્પિટલની વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી દીધી હતી. નિમુબહેને હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના બંધ પડેલા વિભાગોને લઈને ત્વરિત કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.








