નવજીવન ન્યૂઝ. ભાવનગર: ગતરોજ મોડીસાંજે ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)ની કથિત તોડકાંડ મામલે ધરપકડ કરી છે. કથિત તોડકાંડના આરોપની ફરિયાદમાં યુવરાજસિંહના સાળા શિવુભા અને કાનભા પણ આરોપી છે. ત્યારે અહેવાલ મળી રહ્યા છે યુવરાજસિંહના સાળા કાનભાની પણ ધરપકડ (Arrest) કરી લેવામાં આવી છે. સાથે જ અન્ય બે આરોપીઓની પણ પોલીસે (Bhavnagar Police) ધરપકડ કરી લીધી હોવાના અહેવાલ સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે.
યુવરાજસિંહે કેવી રીતે કર્યો તોડ? પોલીસે જણાવી સમગ્ર કથિત કાંડની વિગતો
મળતી વિગતો અનુસાર ભાવનગરના ડમીકાંડ (Dummy Candidate Scam)માં થયેલા કથિત તોડકાંડના મામલે યુવરાજસિંહ અને તેમના સાળાના નામ ખુલ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવરાજસિંહ તેમના બંને સાળા અને વીડિયો વાયરલ (Video Viral) કરી તોડનો આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદી સહિતનાઓ દ્વારા રૂપિયા 1 કરોડનો તોડ કરવામાં આવ્યો છે. આમ પોલીસે ખંડણીનો અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધી તમામ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

જેમાં સૌ પ્રથમ ભાવનગર એસ.ઓ.જી. (Bhavnagar SOG) સમક્ષ સમન્સના કારણે નિવેદન આપવા પહોંચેલા યુવરાજસિંહની 9 કલાકની પુછપરછ બાદ ગતરોજ રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે પોલીસે સુરત ખાતેથી સાળા કાનભાની પણ ધરપકડ કરી લીધી છે. ઉપરાંત અન્ય બે આરોપી કે જે વચેટીયાની ભૂમિકામાં હતા તેવા બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધાવાની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. પરંતુ હાલ સુધી પોલીસે આ ધરપકડ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
ઉલ્લેખનીય છે કે, યુવરાજસિહં જાડેજાના સાળા પર આરોપ છે કે તેઓ ખંડણી (Extortion) વસૂલવાની બેઠકમાં હાજર રહ્યા હતા. તેમજ કેટલીક ખંડણીની રકમ યુવરાજસિંહ વતી તેઓએ મેળવી હતી. આમ હવે પોલીસ ડમીકાંડ બાદ તોડકાંડ મામલે પણ તપાસ રહી છે. ત્યાર વધુ આરોપીઓની ધરપકડ થતા કેટલાક નવા ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.








