નવજીવન ન્યૂઝ. ભાવનગર: ડમીકાંડના ડાકલા વાગી રહ્યા છે ત્યારે કથિત તોડકાંડના ભડાકા થતા યુવરાજસિંહ પર કાયદાનો સકંજો કસાયો છે. આજરોજ યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) સમન્સના કારણે ભાવનગર પોલીસ (Bhavnagar Police) સમક્ષ હાજર થતા હતા. જ્યાં યુવરાજસિંહની 9 કલાક પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની જાણકારી આપતા ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારે (IPS Gautam Parmar) તોડકાંડ મામલે મોટા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે યુવરાજસિંહ દ્વારા બે વ્યક્તિના નામ છુપાવવા માટે રૂપિયા 1 કરોડની ખંડણી વસૂલવામાં આવી છે. સાથે જ તેમણે કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ પત્રકારો સમક્ષ કર્યા હતા.
પોલીસે કર્યો મોટો ખુલાસો, યુવરાજસિંહે 1 કરોડનો કર્યો તોડ!
કોનો કેટલો થયો તોડ?
આજરોજ ભાવનગર રેન્જ આઈ.જી. IPS ગૌતમ પરમાર દ્વારા યુવરાજસિંહ પર લાગેલા કથિત તોડકાંડ મામલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના 9 વાગ્યે યોજાયેલા પત્રકાર પરિષદમાં તોડકાંડની વાત કરતા ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ અને તેના બે સાળા શિવુભા અને કનુભા સહિતના લોકો દ્વારા તોડકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં તેમણે આરોપી પ્રદિપ બારૈયા પાસેથી રૂપિયા 55 લાખ અને પ્રદિપ દવે ઉર્ફે પી.કે. પાસેથી રૂપિયા 45 લાખનો તોડ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આજરોજ પોલીસે સમન્સ કરી યુવરાજસિંહને પોતાનો પક્ષ રાખવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા પુછવામાં આવેલા સવાલોના જવાબ યુવરાજસિંહ આપી શક્યા નથી. યુવરાજસિંહ સતત ગોળગોળ વાતો કરી રહ્યા હોય પોલીસને સ્પષ્ટ જવાબો મળ્યા નથી.

વધુ વાંચો- યુવરાજસિંહના સણસણતા આરોપ, પૂર્વ શિક્ષણ મંત્રી સહિતના મંત્રીઓના પણ નિવેદન નોંધો
પી.કે.નો તોડ કેમ પાર પડ્યો?
રેન્જ આઈ.જી. એ યુવરાજસિંહ પર ગુનો દાખલ કર્યાની વાત કરતા જણાવ્યું હતું કે યુવરાજસિંહે ગત 25 માર્ચના રોજ ભાવનગર પંથકમાં ઋષિ બારૈયાનો વીડિયો બનાવ્યો હતો. ઋષિ બારૈયા ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી રહ્યો હતો. આ વીડિયોના આધારે યુવરાજસિંહ અને ઘનશ્યામ લાંધવા દ્વારા આરોપી પ્રકાશ દવે ઉર્ફે પી.કે.ને ધમકાવવામાં આવ્યો હતો. ધાક ધમકી આપવાના કારણે અને ડમીકાંડમાં નામ છુપાવવા માટે પી.કે.એ ઘનશ્યામ મારફતે યુવરાજસિંહ સાથે બેઠક કરવાનું જણાવ્યું હતું. આ બેઠક તારીખ 25, 26 અને 27 માર્ચના ના રોજ કરવામાં આવી હતી પરંતુ મામલાની પતાવટ થઈ શકી હતી નહીં. બાદમાં પી.કે.ને તારીખ 28 માર્ચના રોજ બેઠક માટે યુવરાજસિંહના સાળાની ઓફિસે બોલાવવામાં આવ્યો હતો. જે બેઠકમાં બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહના સાળા સહિતના લોકો હાજર હતા. જ્યાં યુવરાજસિંહે પી.કે.ને ધમકી આપી હતી કે ‘હું પ્રેસ કોન્ફરન્સ 28 માર્ચના રોજ કરવાનો હતો પણ વચ્ચે રહેલા લોકોની શરમના કારણે કરી નથી. હું તને ગુજરાતનો નંબર વન ડમીકાંડનો આરોપી તરીકે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચીતરી દઈશ.’ આમ ડરી ગયેલા પી.કે.એ રૂપિયા 45 લાખમાં સોદો નક્કી કર્યો હતો અને 29 માર્ચના રોજ યુવરાજસિંહને સાસરી પક્ષ અને સસરા પાસેથી ઉધાર પૈસા લઈ ચૂકવ્યા હતા.

પ્રદિપ બારૈયાનો તોડ કેવી રીતે ચૂકવાયો?
ગૌતમ પરમારે બીજા તોડના મામલે જણાવ્યું હતું કે, તારીખ 27 અને 28 માર્ચના રોજ આરોપી પ્રદિપ બારૈયા પાસેને ધનશ્યામ લાંધવાએ યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સમાં નામ આવવાની ધમકી આપી હતી. આ ધમકીને પગલે પ્રદિપે ઘનશ્યામને મામલાની પતાવટ કરાવવા માટે જણાવ્યું હતું. જેના પગલે તારીખ 30 માર્ચના રોજ પ્રદિપ બારૈયા સાથે યુવરાજસિંહ સહિત બિપીન ત્રિવેદી, યુવરાજસિંહના સાળા શિવુભા અને કનુભા તેમજ ઘનશ્યામે બેઠક કરી હતી. આ બેઠક પણ યુવરાજસિંહના સાળાની ઓફિસ પર જ કરવામાં આવી હતી. જ્યાં પ્રદિપ બારૈયાએ મામલાની પતાવટ માટે રૂપિયા 10 લાખ આપી દેવાની વાત કરી હતી. પરંતુ યુવરાજસિંહ તરફથી રૂપિયા 60 લાખની માગણી કરવામાં આવી હતી. આ મામલે પતાવટ થતા આખરે પ્રદિપે રૂપિયા 55 લાખ યુવરાજસિંહે ચૂકવવાનો વાયદો કર્યો હતો. જે પૈસા પ્રદિપે પોતાના ઓળખીયાઓ પાસેથી ઉધાર લીધા હતા અને કેટલાક પોતાની બચના પૈસા તેમાં ઉમેર્યા હતા. પ્રદિપે આ પૈસા 3 કટકે ચૂકવ્યા હતા. જેમાં રૂપિયા 25 લાખ 31 માર્ચના રોજ, 17 લાખ 3 એપ્રિલના રોજ અને તારીખ 4 એપ્રીલની રાત્રે 10 વાગ્યે રૂપિયા 13 લાખ ચૂકવ્યા હતા. જે પૈસા ક્રમશઃ શિવુભા, કાનુભા અને ઘનશ્યામ લાંધવાને ચૂકવવામાં આવ્યા હતા.
પોલીસ પાસે પુરાવાની વાત
પરમારે ઉમેર્યું હતું કે આ મામલાનો ખુલસો ત્યારે થયો હતો જ્યારે તપાસ અધિકારી એસ.બી. ભરવાડ સમક્ષ આ સમગ્ર વાત આરોપી પ્રદિપે અને પી.કે. દ્વારા જણાવવામાં આવી હતી. આ મામલાની તપાસ કરતા પોલીસને હાથ યુવરાજસિંહ વિરૂધ્ધ તોડકાંડના સાંયોગીક પુરાવા મળ્યા હતા. જેના જવાબ યુવરાજસિંહ આપી નહીં શકતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
સળગતો સવાલ
અત્રે ઉલ્લેખનીય છે કે કથિત તોડકાંડની ફરિયાદ પૈસા ચૂકવનાર એટલે કે આરોપી એજન્ટો દ્વારા કરવામાં આવી નથી. આ ફરિયાદ સરકાર તરફે પોલીસ દ્વારા ફરિયાદી બની ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ત્યારે તોડકાંડના શિકાર બનેલા લોકો (જે ડમીકાંડના આરોપી છે) તેમના દ્વારા કેમ કરવા ન આવી તે મોટો સવાલ પેદા થઈ રહ્યો છે.
જનતા શું માને છે?
આ ઘટનાને સામાન્ય લોકો દ્વારા રાજકીય જોવા આવી રહી છે અને સરકાર દ્વારા યુવરાજસિંહને દબાવવાનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. જ્યારે કેટલાક એવા લોકો પણ છે જે આ કાર્યવાહીને સાચી ઠેરવી રહ્યા છે અને પોલીસે યોગ્ય કર્યાની વાત કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે આ મામલે આગામી સમયમાં કઈ પ્રકારના નવા ખુલાસા થઈ રહ્યા છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે રાજ્યમાં કેટલાક ડમી લોકો સરકારી નોકરી કરી રહ્યા છે અથવા તો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.
કેમેરામેન રિપોર્ટિંગ કરતા પડી જાય એ પણ મોટા સમાચાર છે, યુવરાજસિંહના રિપોર્ટિંગ સમયે આવું જ થયું હતું
Tag: યુવરાજસિંહની ધરપકડ, Yuvrajsinh Jadeja Arrested








