નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: રાજકોટ શહેરના મહાનગરપાલિકાના (RMC) રાજકારણમાં અચાનક જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગરમાવા પાછળનું કારણ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના તમામ સભ્યોનું અચાનક જ રાજીનામું. માહિતી મળી રહે છે કે ગતરોજ સોમવારે ભાજપ પ્રદેશ પ્રમુખે (BJP President) આ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી. હાલ તો સભ્યો અને ચેરમેન સહિત શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે કે પાર્ટીની સૂચનાના પગલે તમામે રાજીનામા આપ્યા છે. પરંતુ રાજકીય સુત્રો જણાવી રહ્યા છે રાજીનામા પાછળ શિક્ષણ સમિતિ પર અગાઉ લાગેલા આક્ષેપો અને ભાજપનો આંતરીક ખટરાગ જવાબદાર છે.

મળતી વિગતો અનુસાર આજરોજ રાજકોટ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 15 સભ્યોની સમિતિએ રાજીનામું ધરી દીધું છે. અચાનક જ સમગ્ર સમતિએ રાજીનામા આપતા અનેક રાજકીય તર્ક વિતર્કો સર્જાયા છે. જેમાં ભાજપમાં આંતરીક ખટરાગ અને અગાઉ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને સૌથી મોટું કારણ માનવામાં આવે છે. કારણ જે કંઈ પણ હશે તે પણ અચાનક જ આખી સમિતિએ રાજીનામું ધરવા પાછળનું કારણ ચોક્કસ ગંભીર હશે. આ મામલાની જાણકારી આપતા ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાજપમાં બધું જ સહિ સલામત છે, કોઈ જૂથવાદ કે અન્ય કારણો આ રાજીનામા પાછળ જવાબદાર નથી.
ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ (Kamlesh Mirani) મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે ‘આ નિર્ણય પાર્ટીએ લીધેલો નિર્ણય છે. હું પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને મારે પાર્ટીની સુચનાને અનુસરવાની હોય. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ભાજપમા જૂથવાદને કોઈ સ્થાન નથી. શિક્ષણ સમિતિના તમામ સભ્યો ભાજપ સાથે રહીને સારી રીતે કામ કરી રહ્યા છે. અમારા માટે તમામ કાર્યકરો મહત્વના ચે માટે મતભેદનો પણ કોઈ સવાલ પેદા થતો નથી. પાર્ટીની સૂચના સર્વોપરી છે અને તે સૂચના મુજબ જ તમામ સભ્યોએ રાજીનામા આપ્યા છે. માટે તેમાં કોઈ અન્ય કારણ જવાબદાર નથી.’
મહત્વની વાત છે કે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આંતરિક વિખવાદની માહિતીઓ સામે આવતા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે મામલો પહોંચ્યો હતો. બાદમાં તમામ સભ્યોને અને ભાજપ શહેર પ્રમુખને કમલમનું તેડું આવ્યું હતું અને તેમાં તમામને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા. આ બેઠક બાદ તમામ સભ્યોના રાજીનામા સામે આવતા તર્ક વિતર્કોને ક્યાંકને ક્યાંક બળ મળી રહ્યું છે.
પરંતુ આ મામલે શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે રાજીનામું આપતા જણાવ્યું હતું કે મને પ્રમુખે રાજીનામું આપવાનું કહ્યું છે માટે મેં રાજીનામું આપ્યું છે. હું પાર્ટીનો કાર્યકર છું અને પાર્ટીનો નિર્ણય જ સર્વોપરી હોય. આમ હાલ તો રાજીનામું આપનારા તમામ સભ્યો પણ ભાજપમાં બધું જ સરખું ચાલતું હોવાના દાવા કરી રહ્યા છે. પરંતુ લોકોને સવાલ એ થઈ રહ્યો છે કે જો બધું જ સરખું ચાલી રહ્યું છે તો ટર્મ પુરી થાય તે પહેલા જ રાજીનામા શા માટે લઈ લેવામાં આવ્યા?
રાજીનામા આપનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની યાદી
1 – અતુલ પંડિત – ચેરમેન
2 – સંગીતા બેન છાયા – વાઇસ ચેરમેન
3 – કિશોર પરમાર – સભ્ય
4- વિજય ટોળીયા – સભ્ય
5 – રવિ ગોહેલ – સભ્ય
6 – કિરીટ ગોહેલ – સભ્ય
7 – તેજસ ત્રિવેદી – સભ્ય
8 – જે ડી ભાખડ – સભ્ય
9 – શરદ તલસાણીયા – સભ્ય
10 – અશ્વિન દુઘરેજીયા – સભ્ય
11 – ધર્ય પારેખ – સભ્ય
12 – ફારૂખ બાવાણી – સભ્ય
13 – પીનાબેન કોટક – સભ્ય
14 – જાગૃતિબેન ભાણવડિયા – સભ્ય
15 – મેઘાવી સિંધવ – સભ્ય
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








