ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): Surat News Gujarati: વૈશ્વિક ખાંડનું (Sugar)ઉત્પાદન ધારણા કરતાં ઓછું આવશે, અને ભારતમાં સપ્ટેમ્બરમાં પૂરી થતી વર્તમાન મોસમમાં જો ઉત્પાદન અપેક્ષાથી ઊણું ઉતરશે તો, વધારાના નિકાસ ક્વોટા મંજૂર કરવા સરકાર હરગિઝ તૈયાર નહીં થાય. આવી હવા વચ્ચે જાગતિક ભાવે રોકેટગતિ પકડી લીધી છે. નબળી જાગતિક પુરવઠા મર્યાદા અને ભારતથી (India) મર્યાદિત નિકાસના અહેવાલે ન્યુયોર્ક રો સુગર વાયદો (New York Sugar Futures) ગત સપ્તાહે પાંચ ટકાના ઉછાળે ૧૨ વર્ષની ઊંચાઈએ પહોચી ગયો હતો. ભારત સાથે થાઈલેંડ અને પાકિસ્તાનથી પણ ઓછા ઉત્પાદનના અહેવાલ આવી રહ્યા છે.
જગતના ટ્રેડરોએ ફેબ્રુઆરીમાં ભારતની ૨૦૨૨-૨૩ મોસમનો ખાંડ ઉત્પાદનનું પ્રથમ પૂર્વાનુમાન ૩૪૭ લાખ ટન મૂક્યું હતું. તેમણે તો એમ પણ કહ્યું હતું કે થાઈલેન્ડમાં ગરમ હવામાન ૨૦૨૩-૨૪ના ઉત્પાદનમાં ગાબડું પાડે તેવી સંભાવના છે. ગત સપ્તાહાંતે ન્યુયોર્ક રો સુગર વાયદો ૩ ટકા વધી, સપ્ટેમ્બર ૨૦૧૧ પછીની ઊંચાઈએ ૨૩.૬૮ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) મુકાયો હતો. અલબત્ત, મે વ્હાઇટ સુગર વાયદો ૧ ટકો ઘટીને ૬૫૭ ડોલર પ્રતિ ટન બોલાયા અગાઉ ૧૧ વર્ષની ઊંચાઈએ ૬૬૮.૬૦ ડોલર બોલાયો હતો. ચીનનો રોકડો જુલાઇ ૨૦૨૩ સુગર વાયદો ટન દીઠ ૨૧૮ યુઆન (૩૧.૬૭ ડોલર) ૬૭૧૯ યુઆન બોલાયો.
ભારતીય સુગર ડિલરો કહે છે કે અસંખ્ય મિલો સામાન્ય સમય કરતાં વહેલી બંધ થઈ ગઈ છે. ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશને ૨૦૨૨-૨૩નો ખાંડ ઉત્પાદન અંદાજ ગતવર્ષના ૩૫૮ લાખ ટનથી ઘટાડીને ૩૪૦ લાખ ટન મૂક્યો છે. ઇથેનોલ ઉત્પાદન માટે મહારાષ્ટ્રમાં શેરડીનો ઉપયોગ અંદાજ ૧૨ લાખ ટન વધારી ૧૭૦ લાખ ટન કરવામાં આવ્યો છે.
નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેકટરીઝએ કહ્યું હતું કે ૩૧ માર્ચ સુધીમાં નવું ખાંડ ઉત્પાદન ૨૯૮.૭ લાખ ટન થયું હતું. જે ગતવર્ષના સમાનગાળાથી ૧૨.૫ લાખ ટન ઓછું ઓછું હતું. ખાંડ નિકાસ જે ગતવર્ષે ૧૧૦ લાખ ટન થયું હતું, તે આ વર્ષે ૬૦ લાખ ટનથી વધુ સંભવિત નથી. ગયા વર્ષે મહારાષ્ટ્રે વિક્રમ ૧૩૮ લાખ ટન ઉત્પાદન કર્યું હતું તે આ વર્ષે ૨૩ ટકા અથવા ૩૨ લાખ ટન ઓછું થવાનું અનુમાન છે. ક્રૂડ ઓઇલના ભાવ વધુ ઊંચે જતાં બ્રાઝીલ અને ભારતે વધુ શેરડી ઇથેનોલ તરફ વાળવાનું નક્કી કર્યું હતું.
બ્રાઝિલમાં એક તરફ ઉત્તમ હવામાન અને સુગર મિલો ખેડૂતોને સારીવ રીતે સાચવવા અને સમય પેમેન્ટ કરવા સક્ષમ બનતા, એપ્રિલથી શરૂ થયેલી વર્તમાન સુગર મોસમમાં ઉત્પાદન ૪૦૩ લાખ ટન અનુમાનિત છે. મિલો પણ ઇથેનોલના ભોગે, ૧૨ વર્ષના સૌથી ઊંચા ભાવથી પ્રભાવિત વધુ ખાંડ ઉત્પાદન કરવા પ્રવૃત્ત થઈ છે. બ્રાઝિલની મિલો કુલ શેરડી ઉત્પાદનમાથી ૪૬.૭ ટકા હિસ્સો ખાંડને ફાળવશે, જે ગત વર્ષે ૪૫.૫ ટકા હતો. બ્રાઝિલની નિકાસ ગતવર્ષ કરતાં ૨૬.૭ લાખ ટન વધુ ૨૦૨૩-૨૪માં ૨૯૭.૫ લાખ ટન લક્ષાંકિત છે. આ વર્ષે ઇથેનોલ ઉત્પાદન ૧૮ અબજ લિટર ઘટીને ૩૩.૫ અબજ લિટર થવાનું અનુમાન છે.
અનાજ, કઠોળ, ખાધતેલ, અને સાકભાજીના ભાવ ઘટતા ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (ફાઓ)નો બેંચમાર્ક ઇનરનેશન્લ ફૂડ કોમોડિટી પ્રાઇસ ઇંડેક્સ, માર્ચમાં સતત ૧૨માં મહિને ઘટી ૧૨૬.૯ પોઈન્ટ રહ્યો હતો, જે ફેબ્રુયારીમાં તે ૨.૧ ટકા ઘટ્યો હતો. અલબત્ત, માર્ચ ૨૦૨૨ના યુક્રેન યુધ્ધ પછીના ઓલ ટાઈમ હાઇ કરતાં ૨૦.૫ ટકા નીચો હતો. આ ભાવ ઘટાડામાં ખાંડ એક માત્ર કોમોડિટી હતી, જે સતત વધતી રહી હતી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








