નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat High Court News: દેશમાં રામનવમી પર્વને લઈને જુદા-જુદા રાજ્યમાં ફાટી નીકળેલા તોફાને દેશનો માહોલ બગાડ્યો હતો. દેશમાં ઠેર-ઠેર થયેલી હિંસાને (Violence) લઈ સુપ્રિમ કોર્ટે (Supreme Court) ગંભીરતા દાખવી તમામ રાજ્યની હાઇકોર્ટને(High Court) આ મામલે સુઓમોટો (Suo Moto) અરજી કરી કડક હાથે કાર્યવાહી કરવા નિર્દેશ કર્યા છે. સુપ્રિમ કોર્ટે આદેશ આપતા કહ્યું કે, “આ દેશની સુરક્ષા અને સલામતીથી જોડાયેલો પ્રશ્ન છે. દેશમાં તોફાન થવા એ ખૂબ દુ:ખદ ઘટના છે. તેને રોકવા તાકીદે પગલા લેવા જોઈએ અને દાખલા રૂપ કાર્યવાહી કરવી જોઈએ”.
રાજ્યમાં પાછલા દિવસોમાં જુદા-જુદા જિલ્લાઓમાં કોમી અથડામણ થવાની ઘટના બની હતી. પાછલા વર્ષોથી દેશમાં જે પરિસ્થિતનું નિર્માણ થયું છે. તે બાબતે સુપ્રિમ કોર્ટમાં કેસો પણ ચાલ્યા હતા. જેમાં સુપ્રિમ કોર્ટે થોડાક સમય અગાઉ કોમી અથડામણ બાબતે એક ચૂકાદો આપ્યો હતો. દેશના જુદા-જુદા રાજ્યમાં ક્યાંય પણ હવેથી કોમી અથડામણની ઘટના ન બને તે માટે હાઈકોર્ટે આ મામલે કડક પગલા લઈ કાર્યવાહી કરવા સૂચનો કર્યા છે.
હવેથી રાજ્યમાં અશાંતિ ફેલાવનાર તત્વો સામે હાઈકોર્ટ સુઓમોટો અરજી કરશે. એટલે કે પોતે ફરિયાદી બનશે. રાજ્યમાં કોમી તોફાન પાછળ ધાર્મિક સભાઓમાં થયેલા ભડકાઉ ભાષણ પણ એટલા જવાબદાર છે. જેને લઈ રાજ્યમાં શાંતિ ડહોળાતી હોય છે. હવે આ મામલે હાઈકોર્ટ સીધો હસ્તક્ષેપ કરશે અને આ પ્રકારના કિસ્સાઓમાં જવાબદારી નિભાવશે. હવેથી ધાર્મિક સભા કે જાહેર સભાઓ કરવા અંગે પોલીસ સ્ટેશન પાસેથી વિશેષ જવાબદારી લેવાની રહેશે. ધાર્મિક અને જાહેરસભાઓ પોલીસ દ્ઘારા વીડિયોગ્રાફી કરવામાં આવશે. જે કોઇ ભડકાઉ ભાષણ તેમજ કોઈ સમુદાયની લાગણી દુભાય તે પ્રકારના ઉચ્ચારણ હશે, તો હાઈકોર્ટ પોતે વીડિયોનું નિરીક્ષણ કરી તેની સામે સુઓમોટો અરજી દાખલ કરશે અને કડકહાથે કાર્યવાહી કરશે.








