નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: આજરોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો પર ચર્ચા કરી કેટલાક નિર્ણય કરવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) પેપરલીક કેમ મામલે મોટું નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભામાં આગામી સમયમાં 3થી 7 વર્ષની સજાવાળો કાયદો લાવવામાં આવશે. તેમજ પેપર પ્રિન્ટીંગથી લઈ પેપરલીક (Paper Leak Case) કરનાર સુધી તમામને કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવશે. સાથે જ તેમણે જંત્રીના ભાવ બમણા કરવા અંગે પણ નિવેદન આપ્યું હતું.
પેપરલીક માટે કાયદો…
કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ ઋષિકેશ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, પેપરલીક મામલે નવો કાયદો લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે, હાલ વિધેયકનું ડ્રાફટિંગ તૈયાર થઈ રહ્યું છે. ઉપરાંત તેમણે સજાની જોગવાઈ બાબતે વાત કરતા કહ્યું કે નવા વિધેયક પસાર કરી કાયદો બન્યા બાદ તેમાં પેપરલીક કરનાર પ્રિન્ટ કરનાર અને સંડોવાયેલા તમામને કડકમાં કડક સજાની જોગવાઈ રહેશે. જેમાં 3થી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવશે. ઉપરાંત તેમમે કહ્યું કે, ગુજરાત પંચાયત સેવા બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
બમણી જંત્રી મામલે…
તાજેતરમાં જ સરકારને જંત્રીના ભાવ બમણા કરી દેતા બિલ્ડરો અને સામાન્ય લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે બિલ્ડર એસોસિએશન ગતરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવા પણ પહોંચ્યા હતા. ત્યારે આ મામલે આજરોજ કેબિનેટની બેઠક બાદ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘5 તારીખ પહેલાની મિલકત ખરીદી માટે જુની જંત્રી પ્રમાણે રકમ ચૂકવવાની રહેશે. જ્યારે તે બાદની મિલકત ખરીદી પણ નવી જંત્રી મુજબ રૂપિયા ચૂકવવા પડશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે જ બિલ્ડરો અને ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી હતી. આ તકે અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને ગહન ચર્ચા કરવામાં આવી હતી. હવે આગામી સમયમાં જે નિર્ણય કરવામાં આવશે તે સબંધિત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે.’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








