નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક જગ્યાએ રાજકારણ ગરમાયું છે. આજે રાજકોટના આમ આદમી પાર્ટીના નેતા અને રાજકોટ કોર્પોરેશનના કોર્પોરેટર વશરામ સાગઠીયાની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરવાં આવી હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ વશરામ સાગઠીયા આજે RMCના મેયર ડૉ. પ્રદીપ ડવના મત વિસ્તારના રહેવાશીઓ સાથે ખરાબ રસ્તાના મુદ્દાને લઈને વિરોધ કરવા કોર્પોરેશન પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે.
રાજકોટ કોર્પોરેશનના મેયર ડૉ. પ્રદિપ ડવના મત વિસ્તારમાં ખરાબ રસ્તાની હાલતને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે, ત્યારે ખરાબ રસ્તાના મુદ્દે કેટલાક સ્થાનિક રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના નેતા અને રાજકોટ કોર્પોરેશનના કોર્પોરેટર વશરામ સાગઠીયાનો સંપર્ક કર્યો હતો. સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને વશરામ સાગઠીયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિકો કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા, પરંતુ તેમણે કોર્પોરેશન ખાતે રજૂઆત કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
વશરામ સાગઠીયા સહિત કેટલાક AAP રાજકોટના કાર્યકરો અને મેયરના વોર્ડના સ્થાનિકો ખરાબ રસ્તાની રજૂઆત કરવા કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો દ્વારા રામધુન બોલાવીને તંત્રને સદબુધ્ધીની પ્રાર્થના અને ખરાબ રોડ-રસ્તા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન વિજિલન્સના સ્ટાફ સાથે રકઝક પણ થઈ હતી. આ ઘર્ષણ દરમિયાન વશરામ સાગઠીયાની અટકાયત કરવામાં આવતા મામલો બગડ્યો હતો.
અટકાયત સમયે વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, “વોર્ડ નંબર 12 મેયરનો વોર્ડ છે, ત્યાંના લોકોનો ફોન આવતા હું ત્યાં ગયો હતો અને મેયરના આદેશથી પોલીસે ધાકધમકી આપી અમને બહાર ફેંકી દીધા છે. જો રાજકોટના લોકો માટે અને રોડ રસ્તાની રજૂઆત કરવી ગુનો હોય અથવા મેયરની જવાબદારી ન હોય કે લોકોનો પ્રશ્ન લઈ રજૂઆત કરી ગુનો હોય તો અમારી ધરપકડ કરો અમને વાંધો નથી.” આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આવી રીતે વિરોધ પ્રદર્શન કરતા શહેરના મેયર ડૉ. પ્રદીપ ડવના જ વોર્ડની ખરાબ હાલતને ઉજાગર કરતા ભાજપને ભોંઠા પડ્યા જેવી સ્થિતી સર્જાઈ છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.








