નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ પ્રજા તરીકે આપણે ઇતિહાસને ન તો સ્મૃતિમાં સાચવીએ છીએ, ન તો આર્કાઇવ્ઝરૂપે. અને એટલે જ ઇતિહાસની કોઈ પણ વાત આવે છે ત્યારે તેનાં તથ્યોની શોધવાની જહેમત ખૂબ વધી જાય છે. આવું ન થાય તે માટે થોડુંઘણું જે કાર્ય થઈ રહ્યું છે તેમાં દાખલારૂપે બને એવું કાર્ય એટલે ‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-1’ પુસ્તક. ‘નવજીવન ટ્રસ્ટ’ અને ‘નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા’ દ્વારા આ પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત થયું છે. પુસ્તકનો વિષય છે ગાંધીજીએ કરેલા પહેલાવહેલા સત્યાગ્રહોમાંના એક ચંપારણ સત્યાગ્રહનાં ખેડૂતોનાં જુબાનીઓનું દસ્તાવેજીકરણ. નવજીવન પ્રકાશિત આ પુસ્તકનું વિમોચન કરવા અર્થે કેન્દ્રિય રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાલ અમદાવાદ આવ્યા હતા. નવજીવન પરિસરમાં થયેલાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મંત્રી ઉપરાંત મંચ પર પુસ્તકના સંપાદકોમાંથી ત્રિદીપ સુહૃદ, નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ અને નેશનલ આર્કાઇવ્સના ડિરેક્ટર જનરલ ચંદન સિંહા ઉપસ્થિત રહ્યા હતા.
‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-1’ પુસ્તકમાં ચંપારણ સત્યાગ્રહ વિશે ઘણું લખાયું છે. તેમાં ગળી ખેતી કરનારાં ખેડૂતોના અન્યાયની વાત પણ લખાઈ છે. પરંતુ ગાંધીજી અને રાજેન્દ્રપ્રસાદ સહિત તેમની ટીમ સમક્ષ સાત હજાર ગળી ખેડૂતોએ જે જુબાનીઓ આપી હતી, તે દસ્તાવેજ ક્યારેય સામે આવ્યા નથી. હવે તે દસ્તાવેજમાંથી ત્રણસો જેટલી જુબાનીઓ આપણને પુસ્તકરૂપે મળી છે. આ પુસ્તકનું સંપાદન શાહિદ અમીન, ત્રિદીપ સુહૃદ અને મેઘા તોડીએ કર્યું છે. સામાન્ય રીતે ઇતિહાસના ઘટનાક્રમમાં શોષિતોની અભિવ્યક્તિને જગ્યા મળતી નથી, પણ આ પુસ્તક ગળી ખેડૂતોના વિસ્તારથી આપેલી જુબાનીઓ સંગ્રહિત કરી છે. કાર્યક્રમમાં પુસ્તકની માહિતી આપતી વેળાએ સંપાદક ત્રિદીપ સુહૃદે જણાવ્યું કે યુરોપ કે અમેરિકા સુદ્ધાંમાં ખેડૂતો સાથે થયેલાં સંઘર્ષોમાં તેમની વાત આ રીતે ક્યાંય દસ્તાવેજીત થઈ નથી, પણ આશ્ચર્ય વચ્ચે ભારતમાં આવું સો વર્ષ પહેલાં થઈ ચૂક્યું છે અને તેનો પ્રથમ હિસ્સો પુસ્તક રૂપે આઝાદીના અમૃત પર્વ નિમિત્તે પ્રકાશિત પણ થઈ ચૂક્યો છે.

1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે હિંદુસ્તાન આવ્યા અને તેમણે વિરમગામ પછી ચંપારણ સત્યાગ્રહ આદર્યો. આ સત્યાગ્રહમાં તેમણે જે રીતે રાજેન્દ્રપ્રસાદ અને તેમના અન્ય સાથીઓ પાસેથી કામ લીધું તે અદ્વિતિય છે. આ જુબાનીઓ જોતાં ખ્યાલ આવે કે ગળી ખેડૂતો સાથે થઈ રહેલાં અન્યાયનો પક્ષ અંગ્રેજ સરકાર સમક્ષ મૂકતાં પહેલાં તેમણે જુબાનીઓ રૂપે કેટલી બધી માહિતી એકત્રિત કરી હતી. જેના આધારે જ ચંપારણ સત્યાગ્રહ સફળ રહ્યો અને ખેડૂતો કાયમ માટે ગળી ખેતી કરવાથી મુક્ત થયા.
કેન્દ્રિય રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ પુસ્તક વિશે થોડી વાત કહી પોતાના ચંપારણના સ્મરણો કહ્યા. મંત્રીએ તે પછી ગાંધીજીના વિચારોને કેવી રીતે અમલમાં લાવતા હતાં તેની વાત માંડીને કરી. ‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-1’ ઉપરાંત પણ ‘નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા’ના બે પુસ્તકોનું પણ વિમોચન આ કાર્યક્રમમાં થયું હતું. આ બે પુસ્તકોનું નામ છે – ‘રિપેઇર એન્ડ પ્રિઝર્વેશન ઑફ રેકોર્ડ્સ’ અને ત્રીજું ‘અભિલેખોં કા પરિરક્ષણ ઓર પ્રતિસંસ્કાર’. આ બંને પુસ્તકો કેવી રીતે દસ્તાવેજોની સાચવણી થવી જોઈએ તેની માહિતી પૂરી પાડે છે. સાથે સાથે મંત્રી અર્જુન રામ મેઘવાલ નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાના વેબપોર્ટલ https://www.abhilekh-patal.in/jspui/ની મોબાઇલ એપ્લિકેશન ‘અભિલેખ પટલ’નું પણ લોન્ચિગ કર્યું.
‘અભિલેખ પટલ’ દ્વારા આર્કાઇવ્ઝના વેબસાઈટ પર ૩૩ લાખ પાનાંઓમાં ઇન્ફર્મેશન સર્ચ કરી શકાશે. એમાં દૈનિક ચાળીસ હજાર પાનાંઓ ઉમેરાઈ રહ્યા છે. એપ્લિકેશનમાં ૨૭ લાખથી પણ વધુ રેફરન્સ મીડિયાનો સંગ્રહ પ્રાપ્ય થશે. અત્યાર સુધી ૨૦૨ દેશોના ૧૦,૦૦૦થી પણ વધુ યુઝર્સ તેની વિઝિટ કરી ચૂક્યા છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને મોબાઈલ સેવા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાશે. નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા વર્તમાનમાં 18.50 કરોડ જાહેર દસ્તાવેજોનો સંગ્રહ ધરાવે છે. તેમાં મહત્ત્વની ફાઈલ્સ, ગ્રંથો, નકશાઓ, રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થયેલાં કાયદાઓ, મહત્ત્વના કરાર, અલભ્ય હસ્તપ્રત, ગેઝેટના મહત્ત્વનાં સંગ્રહ, વસ્તી ગણતરીના દસ્તાવેજ, સંસદ અને ધારાસભાઓમાં થયેલી ચર્ચાઓ, કેટલીક પ્રવાસ ડાયરી અને અન્ય મહત્ત્વના સાહિત્યનો સચવાયેલી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











