પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યા કરી ફરાર થયેલા મોન્ટુ નામદારને પકડવા માટે ખાડીયા પોલીસ સહિત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ એકશનમાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ જવાનો ઈસનપુર પાસે મોન્ટુ નામદારને ઓળખી લેતાને તેને અટકાવ્યો હતો. પોલીસના હાથમાં આવેલા મોન્ટુએ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનને વિનંતી કરી હતી કે મારે પવનનું મર્ડર કરવાનું બાકી છે. એક વખત કામ થઈ જાય એટલે પોલીસ સામે હાજર થઈ જઈશ, જો કે ક્રાઈમ બ્રાન્ચના જવાનો તેને તરત ક્રાઈમ બ્રાન્ચ લઈ આવ્યા હતા.
1992માં મોન્ટુ નામદારે પોતાની પિતરાઈ બહેન નમ્રતા સાથે જ લગ્ન કરતા નામદાર પરિવાર વચ્ચે વેરના બીજ રોપાયા હતા. નમ્રતાના સગા ભાઈ પવન અને મોન્ટુ આમને સામને આવી ગયા હતા. આ ઉપરાંત મિલકતનો વિવાદ પણ ઉભો થયો હતો. મોન્ટુ માની રહ્યો હતો કે તેના પિતરાઈ ભાઈને કાયદાકીય મદદ રાકેશ મહેતા પુરી પાડે છે. તેમજ હવે તેઓ બદલો લેવા માટે પોતાના પુત્ર પ્રિન્સની હત્યા કરાવવાના છે. આ ઘટનાથી ઉશ્કેરાઈ મોન્ટુએ પોતાના સાગરીતો સાથે મળી રાકેશની ગેઈમ કરવાની યોજના બનાવી હતી. જો કે પોલીસ કસ્ટડીમાં રહેલા મોન્ટુનો દાવો છે કે તે હત્યા કરવા માગતો ન્હોતો તે માત્ર તેના પગ તોડી નાખવા માગતો હતો, પણ બેઝબોલથી થયેલા હુમલામાં રાકેશનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ મોન્ટુ અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા આ મામલે ખુદ પવન ગાંધીએ ખાડીયા પોલીસમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.
આ ઘટના પછી મોન્ટુને ઝડપી લેવા ખાડીયા પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ એકશનમાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડ પોતાના સ્ટાફ સાથે સતત મોન્ટુને ટ્રેક કરી રહ્યા હતા, જેમાં હિતેન્દ્રસિંહ અને દિલીપસિંહને જાણકારી મળી કે તે ઈસનપુર પાસે છે જેના આધારે આ જવાનો ત્યાં સર્વેલન્સમાં હતા ત્યારે તેમણે મોન્ટુને પોતાની કારમાં જતો જોઈ લેતા તેને અટકાવ્યો હતો. જો કે ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે તેવી ખબર પડતા તેણે વિનંતી કરી હતી મારો પિતરાઈ અને આ કેસનો ફરિયાદી પવનનું તે મર્ડર કરવા માગે છે, બસ તેનો થોડો સમય આપો તો કામ પુરુ કરી હું પોલીસમાં હાજર થઈ જઈશ. જો કે ક્રાઈમ બ્રાન્ચના જવાનો જ્યારે તેને સમજાવી ક્રાઈમ બ્રાન્ચ લાવી રહ્યા હતા ત્યારે જ ખાડીયા પોલીસના બે વાહનો ત્યાં આવી પહોંચ્યા હતા તેમણે મોન્ટુને પોતાને સોંપી દેવા માગણી કરી હતી.
જો કે મોન્ટુ સુધી પહેલા ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ મોન્ટુને લઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મોન્ટુએ પોતાના બચાવમાં પોતાના દિકરા પ્રિન્સની હત્યાની યોજના બનાવી હોવાનું કારણ આપ્યુ હતું. મોન્ટુએ કબુલ્યુ કે રાકેશની હત્યા પછી તે પવનને મારી નાખવા તેના ઘર સુધી પહોંચ્યો હતો, પરંતુ તે ઘરે ન્હોતો, જેના કારણે તેને મારી શકયો નહીં. હત્યા બાદ તેના સાગરીતો અલગ અલગ થઈ ભાગ્યા હતા, જ્યારે તે એકલો વિવિધ સ્થળે રોકાણ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે ખાડીયા પોલીસને મોન્ટુની કસ્ટડી સોંપી છે, હવે આગળની તપાસ ખાડીયા પોલીસ કરશે. આ દરમિયાન મોન્ટુના પત્ની નમ્રતા અને દિકરો પ્રિન્સ ક્રાઈમ બ્રાન્ચ આવ્યા હતા તેમણે ઉચ્ચ પોલીસ અધિકારી સામે દહેશત વ્યકત કરી હતી કે રાકેશ મહેતા ભાજપનો કાર્યકર હોવાને કારણે પોલીસ મોન્ટુનું પોલીસ એન્કાઉન્ટર કરશે તેવી દહેશત છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











