ડોલર ઇંડેક્સ ઘટી રહ્યો છે પણ તે કઈ વધુ વ્યાજદર વધારવા તરફ દોરી જવાનું કોઈ કારણ નથી
કેટલાંક સટ્ટોડિયાઓએ તેજીના સોદા ફેકી દઈને મંદીના ઓળીયા વધારવાની ચાલાકી કરતાં સોનાની ચાલ ડગુમગુ થઈ
મહત્તમ બુલિયન ટ્રેડરોએ હજુ પણ સોનાને રશિયા યુક્રેનના યુધ્ધના ચશ્માથી જોવાનું ચાલુ રાખ્યું છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોનાની આ તેજી બટકણી પુરવાર થઈ છે, મંદિવાળા નીચા ભાવે મોટાપાયે મંદીના ઓળીયા સાચવીને બેઠા છે, તેથી મુંબઇ સ્થિત એક એનાલિસ્ટે કહ્યું કે અમને બુધવારે જ શંકા હતી કે ૧૯૦૭ ડોલરનો ભાવ લાંબુ નહીં ખેંચે, અને શુક્રવાર ઇન્ટ્રાડે સુધીમાં તો ભાવ ૧૮૬૫ ડોલરના તળિયે આવી ગયા. ૧૦ વર્ષના અમેરિકન ટ્રેઝરી બોન્ડના યિલ્ડને વધવાની હજુ ઘણી જગ્યા છે. આમ યીલ્ડની તેજી એ સોનાને મંદીમાં જવાનું દબાણ સર્જશે. સોનાની તેજી નબળા ડોલર પર સવાર હોવા કરતાં, અમેરિકન ફેડરલ રિઝર્વ (ફેડ)ની મિટિંગ પછી તરતજ જગતની મહત્તમ કરન્સી નબળી પડવા લાગી તેની હૂંફ હતી.
બુધવારે ફેડ એ છેલ્લા ૨૨ વર્ષમાં પહેલી વખત, બેન્ચમાર્ક વ્યાજદર એક સાથે અડધો ટકો વધાર્યા પછી તરતજ, ચેરમેન જેરોમ પોવેલે અમેરિકન નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે તમે અત્યારે ઊંચા ફુગાવાનો સામનો કરી રહ્યા છો, પણ અમે તેને નિયંત્રણમાં લેવાના અથાક પ્રયાસ કરી રહ્યા છીએ.
પોવેલે કહ્યું હતું કે ડોલર ઇંડેક્સ ઘટી રહ્યો છે, પણ તે કઈ વધુ વ્યાજદર વધારવા તરફ દોરી જવાનું કોઈ કારણ નથી. એનાલિસ્ટો કહે છે કે મંદિવાળાના હાથમાં બુલિયન બજારની લગામ છે. તેઓ દરેક ઉછાળે નફો બુક કરવા આવશે, ત્યારે પ્રત્યાઘાતી ઉછાળા આવશે, તે સિવાય તેજી માટે કોઈ કારણ નથી બનતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને અમેરિકન ફેડ એ વધતાં ફુગાવાને નિયંત્રણમાં લેવાની કવાયત માત્ર કરી છે. મહત્તમ સેન્ટ્રલ બેન્કોએ નાણાંનીતિ ટાઈટ રાખી છે, તેના લીધે પણ સોનાના ભાવ દબાણમાં રહ્યા છે. તહેવારીક રજાઓ પછી વૈશ્વિક બજારની હૂંફે ગુરુવારે ભારતમાં સોનાના ભાવ ૧ ટકા કરતાં વધુ જંપ કરીને ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૧,૭૮૭ થયા હતા, જો વિશ્વબજારના મક્કમ પ્રત્યાઘાત જોઈએ તો સ્થાનિક બજારમાં આ ભાવ ટકાઉ સાબિત નહીં થાય.
આ સપ્તાહના આરંભિક ત્રણેક દિવસ સુધી સોનું હકારાત્મક ઝોનમાં રહ્યું. યુરોપિયન યુનિયને જોખમ લઈને પણ રશિયન ઓઇલ આયાત પર પ્રતિબંધ મૂક્યો. તેથી પણ અમેરિકન ફેડ મિટિંગ અગાઉ સોનાએ મજબૂતી ધારણ કરી હતી. વેગથી વધતાં ફુગાવાને ધ્યાનમાં રાખી કેટલાંક તેજીવાળા પહેલેથીજ એવી માન્યતા ધરાવતા થઈ ગયા હતા કે ફેડ પણ ઉતાવળા પગલાઓ લેવાનું શરૂ કરશે. કેટલાંકને વળી એવું લાગી હતું કે ફુગાવા સામે સોનું જ તારણહાર (રક્ષક) બની રહેશે.
અલબત્ત, સોનાએ આ વર્ષે પ્રમાણમાં સારું વળતર આપ્યું છે. ખાસ કરીને બેંક ઓફ જપાને પોતાના ચલણને ૧૭ ટકા મજબૂત થવા દઈને સ્વિસ ફ્રાન્ક, યુરો અને પાઉન્ડ સામે ડબલ ડિજિટ મજબૂતાઈ ધારણ કરી લીધી. આમ જોવા જઈએ તો સોનાએ આજની તારીખે ચાંદીની તુલનાએ ૧૩.૩ ટકા મજબૂતી ધારણ કરી છે. પણ આથી વધુ મજાની વાત એ છે કે ડોલરની તુલનાએ સોનાએ ૪ ટકા જેવી મજબૂતી ધારણ કરી છે.
આટલું અધૂરું હોય તેમ આ સપ્તાહ અગાઉ કેટલાંક મોટા સટ્ટોડિયાઓએ તેમના તેજીના સોદા ફેકી દઈને મંદીના ઓળીયા વધારવાની ચાલાકી કરતાં, સોનાની ચાલ ડગુમગુ થઈ ગઈ હતી. પણ હવે કદાચ આવા તેજીવાળા સટ્ટોડિયા, પોતાની ભૂલ સમજીને પાછા વળે તો નવાઈ નહીં ગણાય. ટુંકમાં કહેવાનો મતલબ એ છે કે, શક્ય છે કે મહત્તમ કરન્સી નબળી પડે અને તેની સામે સોનામાં અપસ્વિંગ આવે. ભાવ અત્યારે નિર્ધારિત નવલકથાના પાત્રની જેમ હરકત કરી રહ્યા છે, પણ એટલું યાદ રાખો કે આ નવલકથાના હીરો, સોનાના બહુ બધા લેવાલ નથી.
મોટાભાગના બુલિયન ટ્રેડરો હજુ પણ સોનાને, રશિયા યુક્રેનના યુધ્ધના ચશ્માથી જોવાનું ચાલુ રાખ્યું છે. આખરે કહેવાનું એ છે કે સેન્ટિમેન્ટ સરળતાથી નબળું નહીં પડે, એવા અનુમાન પર સોનાએ ૩ મેથી તેજીની ચાલ પકડી હતી. અલબત્ત, શક્ય છે કે ટેકનિકલ ચાર્ટ પર ટૂંકાગાળાની તેજીને હજુ પણ સપોર્ટ મળી રહ્યો છે, પણ ફંડામેન્ટલ્સને આધારે જોઈએ તો મંદિવાળા પોતાનો બજારકબજો હળવાશથી નહીં છોડે. તેથી રોકાણકારોએ આગામી થોડા મહિના વધુ પડતી તેજીનો આશાવાદ રાખી સોદાથી દૂર રહેવું જોઈએ.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |











