Sunday, November 8, 2026
HomeGujaratગૃહમંત્રીને વાંદરા કરતા પણ ઝડપી ગુલાંટ મારતા જોઈ IGP અને AG બબડ્યા...

ગૃહમંત્રીને વાંદરા કરતા પણ ઝડપી ગુલાંટ મારતા જોઈ IGP અને AG બબડ્યા કે, ‘કેટલો…’ | શતરંજ-83

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-83, નવજીવન ન્યૂઝ): આઇજીપી કેશવ દત્ત ખૂબ જ ડિસ્ટર્બ હતા. કારણ કે તેમને ગુજરાત હાઇકોર્ટનું તેડું આવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, “કેશવ દત્ત પોતે યાકુબ મેમણ અને સુલતાના ઍન્કાઉન્ટર કેસના કાગળો લઈ હાઇકોર્ટ સામે હાજર રહે.” આ કેસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને બે વર્ષ થઈ ગયા હોવા છતાં તપાસ રતિભર પણ આગળ વધી ન હતી. મંત્રી અમર ઠાકોરે તેમને કહ્યું, “દત્ત, કોઈ ચિંતા કરતા નહીં. કોર્ટ પણ આખરે માણસ છે. અમે મૅનેજ કરી લઈશું. તમારે ઉતાવળ કરી કોઈ નિર્ણય ઉપર આવવાની જરૂર નથી.” માટે જ દત્ત નિરાંતે કાગળ પોતાની નીચે દબાવી બેસી ગયા હતા. તેમને સૂચના હતી કે છેલ્લે કોઈ સાક્ષી અને પુરાવા નથી કે યાકુબ અને સુલતાનાની હત્યા થઈ છે. તેમનું પોલીસ-અથડામણમાં જ મૃત્યુ જ થયું છે તેવો ફાઇનલ રિપોર્ટ આપવાનો છે તેવું નક્કી જ હતું. જોકે ખરેખર પોલીસ સામે એક પણ એવી વસ્તુ આવી ન હતી કે પોલીસે તેમની હત્યા કરી છે તેવો કોઈ સાક્ષી કે પુરાવો રજૂ થયો હોય. પણ ઇન્સ્પેક્ટર વિનોદ પરમારે ગુજરાત હાઇકોર્ટને પાઠવેલા ગુપ્ત રિપોર્ટમાં યાકુબ અને સુલતાના ઍન્કાઉન્ટર પહેલાં ગોલ્ડન ફાર્મ હાઉસમાં ક્રાઇમ-બ્રાન્ચની કસ્ટડીમાં હતાં. જોકે તેમની પાસે આ હત્યા નજરે જોનાર સાક્ષી હોવાનું જણાવ્યું હતું.

હાઇકોર્ટ ભારે ખફા હતી. બે બે વર્ષની તપાસ પછી એસઆઇટીએ કંઈ જ કર્યું ન હતું, પણ સીઆઇડી ક્રાઇમની તપાસમાં એક નવી જ ઘટના સામે આવી હતી. ગુજરાત હાઇકોર્ટનું તેડું આવ્યું છે તેની જાણ મંત્રી અમર ઠાકોરને પણ ઍડ્વોકેટ જનરલ મોહન મહેતા મારફતે થઈ હતી, જેના કારણે મંત્રી પણ નારાજ હતા. તેમને લાગી રહ્યું હતું કે, સાલી એક પછી એક સમસ્યાઓ આવે છે, તેનો કોઈ અંત જ નથી. આ બધી બાબતોથી મંત્રી એટલા માટે દુઃખી હતા કે સરકારમાં તેમની ભૂમિકા ડેમેજ કંટ્રોલર તરીકેની હતી, પણ ખુદ કંટ્રોલરના કારણે જ પ્રૉબ્લેમ વધી રહ્યા હતા, તેવું તે પોતે અને મુખ્યમંત્રી બંને માની રહ્યા હતા. જો આવું જ ચાલ્યા કરે તો મુખ્યમંત્રી તેમનો પૉર્ટફોલિયો બદલી નાખશે તેવો પણ ડર લાગતો હતો.

- Advertisement -

ઍડ્વોકેટ મોહન મહેતા ફાઈલ લઈ મંત્રી ઠાકોરની ચેમ્બરમાં આવ્યા હતા. બહાર આઇજીપી કેશવ દત્ત બેઠા હતા, પહેલાં મંત્રીએ મોહન મહેતાને સાંભળ્યા. પછી પૂછ્યું : “મહેતા, કોઈ રસ્તો નથી?” એજીએ પોતાની ટેવ પ્રમાણે બંને હોઠ બીડ્યા અને વિચાર કરતાં જવાબ આપ્યો : “સર, બહુ લાંબો સમય થઈ ગયો. આપણે કોઈ એક નિર્ણય ઉપર આવી જવાની જરૂર હતી. પણ તમે ના પાડી હતી. જોકે આપણે ઉતાવળ કરી નહીં. પણ હવે સ્થિતિ બદલાઈ છે. નિઝામના કેસ પછી ગુજરાત હાઇકોર્ટ પણ આકરી થઈ ગઈ છે. અને જો મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો તો આપણી મુશ્કેલી વધી જશે. મને લાગે છે દત્તની એક ઍફિડેવિટ રજૂ કરી યાકુબ અને સુલતાનાની કસ્ટડી પોલીસ પાસે હતી તેવું કહી દેવું જોઈએ.” મંત્રી વિચાર કરવા લાગ્યા. હવે તે પહેલાની જેમ ગુસ્સે થઈ કોઈ નિર્ણય કરતા ન હતા… નિઝામ કેસે તેમને ઘણું બધું શિખવાડી દીધું હતું. હવે તેઓ પોતાના મગજને પણ વિચારવાનો અને નિર્ણય લેવાનો સમય આપતા હતા.

મંત્રી ઠાકોર કોઈ વાત સાથે સંમત હોય અથવા ખૂબ વિચારમાં હોય ત્યારે પોતાની ખુલ્લી વિશાળ ટાલ ઉપર હાથ ફેરવવા લાગે. આજે પણ તેવું જ કરતા હતા. એકાદ મિનિટ સુધી ચેમ્બરની બારીમાં બહાર જોતાં જોતાં ટાલ ઉપર હાથ ફેરવી તેમણે કંઈક નિર્ણય કર્યો અને પછી ઇન્ટરકૉમ ઉપાડી પીએને સૂચના આપી દત્તને બોલાવ્યા. તરત જ દત્ત ચૅમ્બરમાં દાખલ થયા. તેમણે મંત્રીને સલામ કરતા મંત્રીએ તેમને બેસવાની સૂચના આપી. દત્તે બેસતાં પહેલાં મોહન મહેતા સાથે હાથ મિલાવ્યો. પછી આદેશ લેવા માટે જ દત્ત બેઠા હોય તેમ તેમણે મંત્રી સામે જોયું. મંત્રી ઠાકોરની ટેવ પ્રમાણે પહેલાં તો તે ‘સામેની વ્યક્તિ ખોટી છે અને તેમનામાં અક્કલ જ નથી’ તેવી રીતે વાતની શરૂઆત કરતા, જેથી કરી તેમની ઉપર કોઈ હાવી થવાનો પ્રયત્ન જ ના કરે.

આજે પણ તેમણે વાતની શરૂઆત કરતાં કહ્યું, “મિસ્ટર દત્ત, તમે આટલા સિનિયર ઑફિસર છો! મારે તમને શું કહેવાનું? તમે તપાસમાં બહુ લાંબો સમય લીધો.” દત્તને આશ્ચર્ય થયું કારણ કે તે તો એટલા માટે તપાસનું પોટલું પોતાની પાસે રાખી બેઠા હતા કે મંત્રીએ જ તેમને આગળ વધારવાની ના પાડી હતી. દત્ત પોતાની વાત કહેવા ગયા એટલે મંત્રીએ હાથ લાંબો કરી શાંત રહેવાનો ઇશારો કરતાં કહ્યું, “જુઓ દત્ત, તમે કહેશો કે મેં તમને સ્લો જવાની સૂચના આપી હતી, પણ તમે કશું જ કરો નહીં તો કેમ ચાલે? તમારી તપાસને બે વર્ષ થઈ ગયાં, દરેક વખતે આપણે ઍડ્વોકેટ જનરલ મારફતે કોર્ટમાં મુદત લીધા કરી કારણ કે તમારી પાસે કોર્ટને કહેવા જેવું કંઈ હતું જ નહીં. એક પેલો સામાન્ય બે કોડીનો…” પછી નામ યાદ આવી રહ્યું છે તેવો ડોળ કરતાં તરત ઍડ્વોકેટ જનરલ બોલ્યા : “સાહેબ!” વિનોદ પરમાર?! મંત્રીએ કહ્યું, “હા, ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર શોધી કાઢે કે પેલો લુખ્ખો તેની પ્રેમિકા સાથે ક્રાઇમની કસ્ટડીમાં હતો. દત્ત, ઇટ ઇઝ નૉટ ગુડ ફૉર યુ.”

- Advertisement -

દત્ત ઝંખવાણા પડી ગયા. તેમણે પોતાનો બચાવ કરતાં કહ્યું, “સર, તમારી સૂચના હતી માટે હું કંઈ કરતો ન હતો.” મંત્રી ટેબલ ઉપર થોડા આગળ વધ્યા અને કહ્યું, “જો દત્ત, મેં તેમને કાગળ ઉપર આગળ વધવાની ના પાડી હતી, તે વાત સાચી. પણ યાકુબ અને સુલતાના ક્રાઇમની કસ્ટડીમાં જ હતા તે વાતની પણ તમને ખબર ન હતી!” તમે મને કોઈ દિવસ આવીને કહ્યું કે, તેમને ગોલ્ડન ફાર્મમાં રાખ્યાં હતાં?” પછી ઊંડો શ્વાસ લેતાં કહ્યું, “આ વછરાજાની અને જાડેજાએ જે જે ધંધા કર્યા તેનું આ પરિણામ છે.” પછી દત્ત સામે જોતાં કહ્યું, “તમે તો તેમના સિનિયર છો. જો તમે મને તેમના આ ધંધા અંગે કહ્યું હોત તો બંનેને કાઢી મૂકતો.” દત્ત મોહન મહેતા સામે જોવા લાગ્યા. દત્ત અને મહેતા બંને જાણતા હતા કે મંત્રીની જાણ બહાર કોઈ ઘટના ઘટતી નથી. પણ સિંહને કોણ કહે કે તેં બ્રશ કર્યું નથી.

મંત્રીએ પોતાની કાંડા-ઘડિયાળ સામે જોતાં કહ્યું, “જુઓ દત્ત, મૂળ વાત ઉપર આવીએ. મારે આ અંગે ડિટેઇલમાં મુખ્યમંત્રી સાથે વાત થઈ ગઈ છે.” મોહન મહેતા મંત્રીની ખોટું બોલવાની હિંમત ઉપર વારી ગયા. કેટલો જુઠ્ઠો મંત્રી હતો? હજી થોડી મિનિટ પહેલાં તેમની પોતાની અને મંત્રી સાથે વાત થઈ તે તેઓ મુખ્યમંત્રીના નામે કહી રહ્યા હતા. મંત્રી હવે દત્તને આદેશની ભાષામાં કહી રહ્યા હતા : “જુઓ તમે આજે એ સોગંદનામું કરી દો કે ઍન્કાઉન્ટર પહેલાં યાકુબ અને સુલતાના પોલીસ કસ્ટડીમાં હતા.” દત્ત પ્રશ્નાર્થ નજરે મોહન મહેતા સામે જોવા લાગ્યા. એટલે દત્તે કહ્યું, “જુઓ એજીનો પણ આ જ અભિપ્રાય છે. આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. બીજી એક ખાસ વાત મેન્શન પણ કરજો કે બહુ પહેલાં આ અંગે એસઆઇટીને આ માહિતી મળી ચૂકી હતી, પણ પુરાવાઓ શોધવામાં વિલંબ થયો છે.”

દત્ત સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે મંત્રીનો પુનઃઅવતાર થયો છે. તેમને ખબર હતી કે ખુદ મંત્રી પણ જાણતા જ હશે કે આવી ઍફિડેવિટ કરવાનો અર્થ શું થતો હતો! તેમ છતાં પણ દત્તે પહેલાં એજી અને મંત્રી સામે બાળસહજ પ્રશ્નો પૂછ્યા : “સર, પણ ઍફિડેવિટ પછી શું કરીશું?” મંત્રી ખડખડાટ હસવા લાગ્યા. તેમણે ખરેખર માની લીધું કે દત્ત આખી ઘટના સમજી શક્યા નથી. પણ મંત્રી જાણતા ન હતા કે દત્ત માટે તેઓ ૨૧મા ગૃહમંત્રી હતા. મંત્રીએ કોઈ બાળકને સમજાવતા હોય તેમ સમજાવતાં કહ્યું, “જુઓ દત્ત, આપણાથી થાય એટલી મદદ આપણે તેમને કરી. આ બધાં ઍન્કાઉન્ટરો કંઈ આપણને પૂછીને કર્યાં હતાં?! છતાં ગુજરાત સરકારની બદનામી થઈ તો પણ સરકાર તેમની સાથે ઊભી રહી. પણ પછી ક્યાં સુધી કોઈ તમને મદદ કરે?” પછી પોતાના નાક તરફ ઇશારો કરતાં કહ્યું, “વાંદરી ક્યાં સુધી પોતાનાં બચ્ચાંને વળગાડેલાં રાખે? ખબર છે? જ્યાં સુધી તેના નાક સુધી પાણી ના પહોંચે ત્યાં સુધી. હવે પાણી નાક ઉપર જવા લાગ્યું છે. મને લાગે છે તમે સમજદાર છો. તમે તમારું કામ કરો અને કોર્ટ પોતાનું કરશે.”

- Advertisement -

દત્ત કંઈ જ બોલી શક્યા નહીં. એજી માટે આ કંઈ નવું ન હતું, કારણ કે મંત્રીના આવા પચરંગી રંગો તે પહેલાં પણ જોઈ ચૂક્યા હતા. મંત્રીએ દત્ત અને એજી સામે જોતાં કહ્યું, “તમે નીકળી શકો છો.” મેં કહ્યું, “તેમાં કોઈ પ્રશ્ન નથી ને?” દત્ત અને એજી મંત્રીની ચેમ્બરમાંથી એકબીજા સામે મરકમરક હાસ્ય આપતાં નીકળ્યા. ચેમ્બર બહાર આવતાં એજીએ કહ્યું, “તમે ઍફિડેવિટ તૈયાર કરાવી મારી ઑફિસમાં મોકલી આપજો. બાકી તમે કોઈ ચિંતા કરતા નહીં.” પછી પાછું વળી મંત્રીની ચેમ્બર તરફ નજર કરતાં કહ્યું, “આપણે તો ચિઠ્ઠીના ચાકર… જેવો હુકમ તેવું થશે.” પછી બંને એકબીજાને તાળી આપી ખડખડાટ હસતાં હસતાં લિફ્ટમાં દાખલ થયા.

રાજસ્થાન પોલીસને સીઆઇડી ક્રાઇમના સમન્સ મળી ચૂક્યા હતા. તેમને રાજસ્થાન હાઇકોર્ટના ઍડ્વોકેટજનરલે સલાહ આપી હતી કે કોઈ પણ પ્રકારની કોર્ટ-કાર્યવાહી કર્યા વગર સીઆઇડી સામે હાજર થઈ જવું. કારણ કે સુપ્રીમ કોર્ટનું સુપરવિઝન હોવાને કારણે કોઈ કોર્ટ રાહત આપશે નહીં.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular