સિંગાપુર સિકોમ એક્સ્ચેન્જ પર મે રબર વાયદો બે ટકા ઘટીને કિલો દીઠ ૧.૬૦ ડોલર
ભારતનું આ વર્ષે રબર વપરાશ અનુમાન ૧૨.૩૫ લાખ ટન ઉત્પાદન ૭.૮ લાખ ટન
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ગ્રાહક વપરાશી ચીજોની કોમોડિટી બજારોમાં અચોક્કસતાનું વાતાવરણ નિર્માણ થતાં, મધ્ય એપ્રિલથી રબર હાજર અને વાયદા બજારની તેજી ઓસરવા લાગી છે. તેજી થવા માટેના કારણો સટ્ટાકીય લેવાલી, પુરવઠા સ્થિતિમાં ગાબડાં અને નબળી કરન્સી જવાબદાર છે. અલબત્ત, ભારત, ચીન સહિત અનેક દેશોમાં કોરોના મહામારીનો ઉપાડો અને લોકડાઉનના ભય વચ્ચે, તેજીવાળાઓએ હાથ પરના સોદા પડતાં મૂકવાનું શરૂ કરતાં ભાવમાં પીછેમૂડ થયું છે.
રબર ચીજોની વેલ્યૂ ચેઇનનું પુન:મૂલ્યાંકન, રબર અર્થતંત્રનું સ્થાયિત્વ, ડિજીટલાઈઝેશન, અને ઉધયોગની મજબૂતાઈ જેવા મુદ્દાઓ પર નિર્ણાયક ચર્ચા કરવા ઇન્ટરનેશનલ રબર સ્ટડી ગ્રુપે તા. ૨૨થી ૨૬ મે સુધી સિંગાપુર ખાતે વર્લ્ડ રબર સમિટ ૨૦૨૨નું આયોજન કર્યું છે. એક ઔધ્યોગિક અહેવાલને આધારે કહેવાયું છે કે ૨૦૨૨માં જાગતિક રબર વપરાશ ૧.૨ ટકા વધીને ૧૪૨.૩૨ લાખ ટન થવાનો છે. ગુરુવારે સિંગાપુર સિકોમ એક્સ્ચેન્જ પર મે રબર વાયદો બે ટકા ઘટીને કિલો દીઠ ૧.૬૦ ડોલર રહ્યો હતો.
જપાન ઓકટોબર વાયદો સાડાપાંચ સપ્તાહના તળિયે કિલો દીઠ ૨૪૭.૬ યેન (૧.૯ ડોલર) શાંઘાઇ સપ્ટેમ્બર વાયદો ૪૦ યુઆન વધી ૧૨,૭૦૦ યુઆન (૧,૯૨૯ ડોલર) પ્રતિ ટન બોલાયો હતો. ભારતમાં એમસીએક્સ રબર આરએસએસ-૪ વાયદો ક્વિન્ટલ દીઠ રૂ. ૧૬,૩૬૭ સામે કોટ્ટાયમ રબર હાજર રૂ. ૧૬,૭૦૦ ગુરુવારે બોલાયા હતા. મલેશિયન રબર બોર્ડ પર એસએમઆર-૨૦ના ભાવ ૧૨.૫ સેન વધીને કિલો દીઠ ૭૩૧.૫ સેન અને બલ્ક લાટેક્સ વધીને ૬૭૭ સેન મુકાયા હતા.
અમેરિકન ડોલર સામે શ્રીલંકન રૂપિયાનું ઐતિહાસિક અવમૂલ્યન થવાથી કોલમ્બો બજારમાં તમામ પ્રકારના રબરમાં મજબૂત લેવાલી નીકળી હતી, પરિણામે લાટેક્સ સ્ક્રેપના ભાવ ઓલ ટાઈમ હાઇ ૧૦૦૦ શ્રીલંકન રૂપિયા બોલાયા હતા, જે ૪ જાન્યુઆરીના વર્ષના પ્રથમ લીલામમાં રૂ. ૬૫૦ ઉપજ્યા હતા.
ભારતમાં માંગ અને પુરવઠો બંને નબળા છે, તેથી ભાવ રેન્જબાઉન્ડ બોલાય છે. આરએસએસ-૪ રબર જે ટાયર ઉધ્યોગમાં મહત્તમ વપરાય છે, તેના ભાવ આ મહિને અત્યાર સુધી કિલો દીઠ રૂ. ૧૭૦ અને ૧૭૫ વચ્ચે અથડાયા કરે છે. કેટલાંક મોટા ટ્રેડરોએ ભાવ વધુ પડતાં ઊંચે જવાની અપેક્ષાએ મોટાપાયે માલ પકડ્યો છે, આને લીધે બજારમાં અછતનું હવામાન સર્જાયું છે.
બજારમાં આરએસએસ-૪ના ભાવ પ્રમાણમાં વધુ ઉપજતા હોઇ, ભારતમાં નાના રબર બગીચા માલિકો આ વર્ષે વરસાદની મોસમમાં પણ રબર દોહન માટે આકર્ષાયા છે. રબર ગ્રોઅર્સ એસોસિયેશનના સેક્રેટરી જોશય જોશેફ કહે છે કે આવા સમયે સરેરાશ કરતાં પચાસ ટકા જ રબર ઊપજ/ઉત્પાદન આવે છે. લગભગ ૮૦ ટકા ઉત્પાદકો નાના ખેડૂતની શ્રેણીમાં આવે છે. મજૂરોની અછત, ઊચા મજૂરી દર અને ચોરી જેવી સમસ્યાથી પરેશાન મોટા ઉત્પાદકો લાટેક્સ ઉત્પાદન તરફ વળી ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ટાયર ગ્રેડ રબરના ભાવ સ્થાનિક બજાર કરતાં કિલો દીઠ રૂ. ૮ ઊંચા રૂ. ૧૭૯ ઉપજે છે. રબર બોર્ડએ ભારતનો ૨૦૨૨ના નાણાંકીય વર્ષનો રબર વપરાશ અંદાજ ૧૨.૩૫ લાખ ટન મૂકીને ઉત્પાદન અનુમાન ૭.૮ લાખ ટન મૂક્યું છે, જે ગતવર્ષે અનુક્રમે ૧૦.૯૬ લાખ ટન અને ૭.૧૫ લાખ ટન હતું. અલબત્ત, રબર બોર્ડના પ્રાથમિક અનુમાન મુજબ આયાત ૪.૧૦ લાખ ટનથી વધીને પાંચ લાખ ટને પહોંચી જશે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











