ગત સપ્તાહે હું અને મારો મિત્ર ભરત પરિવાર સાથે અમદાવાદથી 60 કિલોમીટર દુર નળસરોવરની પાસે આવેલા ગ્રીન લેન્ડ ઈકો વિલેજમાં બે દિવસ રહેવા માટે ગયા હતા, શુક્રવારની રોજ મોડી સાંજે પહોંચ્યા, વસ્તીથી એકદમ દુર, ચારે તરફ અંધારૂ હતુ, ઈકોવિલેજ સુધી જવા માટે અમને મદદ કરનાર ગુગલબાબાના મેપ સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, રસ્તામાં વચ્ચે નાના ગામડાઓ આવતા,ઝુપડી જેવા પાકા કાચા મકાનમાં બલ્બ સળગી રહ્યા હતા,ભાગ્યે રસ્તામાં કોઈ વાહન મળી જતુ હતું, રસ્તો ખુલ્લો અને ભેંકાર હતો, છેક ઈકો વિલેજ આવી ગયુ ત્યારે અમે થોડાક માટે રસ્તે ભટકયા, પણ અમારા સદ્દનસીબે એક ગ્રામજન અંધારામાં રસ્તામાં અમને ભટકાઈ ગયો તેણે દુર ઝબકી રહેલી ઈકો વિલેજની લાઈટ તરફ ઈશારો કરી કહ્યુ પેલી તરફ અમે આખરે ત્યાં પહોંચી ગયા.
ગ્રીનલેન્ડનો વિશાળ પથ્થરનો દરવાજો પાર કરી અમે અંદર દાખલ થયા, વિલેજમાં અમે અને સંખ્યબંધ વૃક્ષો સિવાય કોઈ ન્હોતુ નિરવ શાંતિ હતી, ત્યાં જ અમારી નજર મેં યુવાનો તરફ પડી, મે કાર ઉભી રાખી અને પુછયુ ભાઈ અહિયા કોણ સંભાળે છે, એક યુવાન કારની નજીક આવ્યો કહ્યુ બોલોને સાહેબ હું જ અહિયા ધ્યાન રાખુ છુ, મેં મારો પરિચય આપ્યો તેણે મને ઈશારો કરી કહ્યુ કાર આહિયા પાર્ક કરો, અમે કાર પાર્ક તે અમારો સામાન લેવા આવ્યો અને સામાન તેણે ઉચકી લીધો, તે અમને અમારા રૂમ સુધી દોરી ગયો, સામાન મુકયા પછી તેણે અમને પુછયુ સાહેબ શુ જમશો, રાત થવા આવી હતી, મને હતું કે હવે જે મળે તે જમી લેવાનું પણ તે મને વિકલ્પ પુછી રહ્યો હતો
બે કિલોમીટર ફેલાયેલા ઈકો વિલેજમાં અમારા સિવાય કોઈ ન્હોતુ અને આસપાસ વસ્તી પણ ન્હોતી, નજીકમાં એક ઝાંપ નામનું ગામ આવેલુ પણ સાવ નાનકડુ ગામડુ એટલે અમદાવાદમાં જેવા શહેરમાં રેસ્ટોરન્ટમાં જેવો વિકલ્પ મળે તેની અપેક્ષા તો ન્હોતી, મેં કહ્યુ શુ જમાડીશ , તેણે કહ્યુ સાહેબ તમે કહેશો તે તૈયાર થઈ જશે, મેં કહ્યુ તને ઠીક લાગે તે બનાવ, તે સારૂ કહીને ગયો અને અર્ધો કલાકમાં પાછો આવ્યો, ચાલો સાહેબ જમવાનું તૈયાર છે, બીજા દિવસે સવારે ચ્હાનો સમય થયો ત્યારે રૂમમાં ચ્હા પણ આવી ગઈ, રાતે જે યુવાન અમને મળ્યો હતો તે જ યુવાન સવારે કઈક જુદા મુડમાં હતો, થોડો ખુશ અને થોડીક ઉતાવળમાં હતો, મારા મિત્ર ભરતએ તેને પુછયુ તો ખબર પડી કે આજે તેનો 21માં જન્મ દિવસ છે.. ભરતએ તેને એક હજાર રૂપિયા આપ્યા અને કહ્યુ જા તારા માટે કેક લઈ આવ આપણે તારો જન્મ દિવસ ઉજવીશુ.
તેનું નામ વિક્રમ, મુળ બનાસકાંઠાના થરાદનો વતની એક વર્ષ પહેલા તે નોકરીની શોધમાં કોન્ટ્રકટર સાથે ઈકો વિલેજમાં આવ્યો અને કોન્ટ્રાકટ પુરો થયા પછી ઈકો વિલેજમાં નોકરીએ રહી ગયો, વીસ વર્ષની ઉમંરે કામની શોધમાં તે ઘર અને પરિવાર છોડી અહિયા આવી ગયો, ઘરે માતા પિતા અને ભાઈઓ છે જે ઘરની ખેતી સાંભળે છે, વિક્રમ એકલો ઈકો વિલેજમાં રહે છે, તેનો જન્મ દિવસ હતો, પણ તે પરિવારથી દુર હતો, ભરતએ તેને કેક લાવવાનું કહ્યુ તો તેણે કહ્યુ કેક લેવા બાવળા જવુ પડશે, ભરતએ કહ્યુ કઈ વાંધો નહીં તે લઈ આવ તે ખુશ થયો તને કહ્યુ તારા મિત્રોને પણ બોલાવી લેજે, હવે વિક્રમના મિત્રો એટલે વિલેજમાં જ કામ કરતા તેના સાથીઓ જ તેના મિત્રો હતા.
વિક્રમ બાવળા જઈ કેક લઈ આવ્યો, કોટજનો એક રૂમ તેના મિત્રોએ શણગાર્યો, ફુગ્ગા લગાવ્યા, મ્યુઝીક સીસ્ટમ લાવ્યા, વિક્રમ રૂમ જોઈ ખુશ થઈ ગયો, તેના ચહેરા ઉપરનો આનંદ કોઈ પણ વાંચી શકે એટલો તે ખુશ હતો, તેણે વિલેજના રસોઈયાને સુચના આપી હતી કે જમવામાં દુધપાક બનાવજે, શનિવારની સાંજે અમે બધા ભેગા થયા, અને વિક્રમનો જન્મ દિવસ ઉજવયો, વિક્રમ ઉમંરમાં પણ નાનો અને જીંદગી પાસે કોઈ મોટી અપેક્ષા પણ નથી, નાનકડી જીંદગીને ખુશ કરવા ખાસ કોઈ મોટા કારણ જરૂર હોતી નથી વિક્રમે કેક કાપી, તેના મિત્રો સાથે મળી કેક ખાધી અને અમે બધા સાથે જમ્યા, વિક્રમનો આનંદ જોઈ સમજાતુ હતુ કે જીંદગીની તકલીફો તરફ જોવા કરતા સામે રહેલી નાનકડી ખુશીની ક્ષણ જીવી જવાની પણ મઝા હોય છે, ભગવાનને પ્રાર્થના કે વિક્રમને કાયમ આવો જ ખુશ રાખજે, જુઓ વિડીયો









