પ્રશાંત દયા (શતરંજ-4, નવજીવન ન્યૂઝ): સચિવાલયમાં આવેલી ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોરની વિશાળ ચેમ્બરમાં દાખલ થતાં ડીસીપી જે. કે. વછરાજાનીએ મંત્રીને સાવધાન પોઝિશનમાં સલામ કરતાં કહ્યું : “જયહિંદ સાહેબ.” લીલી પેનથી ફાઈલ નોટિંગ કરી રહેલા મંત્રી માત્ર આંખ ઊંચી કરી વછરાજાની સામે જોતાં ‘જયહિંદ’ કહ્યું અને ફાઈલમાં નોટિંગ ચાલુ રાખ્યું. થોડી મિનિટો સુધી ફાઈલ નોટિંગ કરતા રહ્યા ત્યાં સુધી વછરાજાની ઊભા જ હતા. અચાનક મંત્રીનું ધ્યાન જતાં તેમણે કહ્યું : “અરે વછરાજાની, ટેક યૉર સીટ.” આવું મંત્રી ઇરાદાપૂર્વક કરતા હતા. તે સામેવાળાને તારી હેસિયત મારાં કરતા નીચી છે, તે બતાડવા આવા સસ્તા રસ્તા અપનાવતા હતા. વછરાજાની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા. મંત્રીનું કામ ચાલુ હતું, તેમણે બેલ દબાવી એટલે તરત પટાવાળો અંદર આવ્યો. મંત્રીએ ઉપર જોયા વગર જ કહ્યું : “ચા.” પટાવાળો ગયો અને તરત ચા લઈ આવ્યો. જોકે ચા આવતાં મંત્રીએ કપ હાથમાં લીધો અને ચા પીવાની શરૂઆત કરી. તેમણે વછરાજાનીને ચા પીશો તેવું પૂછ્યું પણ નહીં. વછરાજાની ઉત્સુક હતા કે ક્યારે મંત્રીને ઍન્કાઉન્ટર અંગે વાત કરું, પણ જાણે મંત્રીને તેનું મહત્ત્વ જ ના હોય તેવો તે દેખાવ કરી રહ્યા હતા. મંત્રી મોટા ભાગે સફેદ લેંઘો-ઝભ્ભો જ પહેરતા હતા. ઓછી હાઇટ અને માથાની વચ્ચેથી વાળ જતા રહ્યા હતા. તેમનું કદાવર પેટ જાણે ઝભ્ભો ફાડી બહાર નીકળવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગતું હતું. ચેમ્બરમાં મંત્રીનો રાષ્ટ્રીય નેતા સાથે મોટી સાઇઝનો ફોટો હતો, તે જોઈને લાગતું કે રાષ્ટ્રીય નેતા સાથે કોઈ ડોનનો ફોટો હોય. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકારણમાં ડોનની અનિવાર્યતા વધી ગઈ હતી.
ચા પીતાં પીતાં સચિવાલયની બારીમાંથી લીલાછમ વાતાવરણને જોતા મંત્રીએ પૂછ્યું : “બોલો વછરાજાની, કેમ આવવાનું થયું?” વછરાજાનીને ગુસ્સો પણ આવતો હતો, છતાં હસતા મોઢે કહ્યું : “સર અબ્દુલના ઍન્કાઉન્ટર અંગે વાત કરવી હતી.” વછરાજાની સામે જોયા વગર તેમની વાત વચ્ચેથી કાપી નાખતાં કહ્યું : “અરે ડીસીપી, આ બધી વાતો પ્રેસવાળા માટે હોય છે. અબ્દુલને તમે છેલ્લા એક મહિનાથી ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં રાખ્યો હતો, ત્યારથી આજ સવાર સુધીની બધી માહિતી મારી પાસે છે. કંઈ નવી માહિતી હોય તો કહો.” વછરાજાનીને આશ્ચર્ય થયું કારણ કે અબ્દુલને ખેડા ખાતે રાખ્યો હતો તે વાત તો કદાચ ચાર-પાંચ લોકોને જ ખબર હતી. પરંતુ મંત્રી ઠાકોર કાગડા જેવો હતો. ક્યારેય કોઈ એક ઉપર ભરોસો મૂકતો ન હતો. પોલીસમાં તેના અનેક જાસૂસો હતા. તે ઘણા પોલીસ-અધિકારીઓને એકબીજા ઉપર નજર રાખવાનું કહેતો હતો અને અધિકારીઓ પણ મંત્રીની નજીક જવા માટે ચાપલૂસી રૂપે જાસૂસી કરતા હતા. વછરાજાનીનો મૂડ મરી ગયો. પણ કરે શું? વછરાજાની હવે જવા માગતા હતા. મંત્રી કોઈ વિચારમાં હતા. અચાનક તેમણે ડીસીપી સામે જોતાં પૂછ્યું : “પેલા બૂકી રમેશનો કેટલામાં તોડ કર્યો?” વછરાજાની રીતસરના ડરી ગયા, કારણ કે ક્રિકેટના સટ્ટામાં રમેશનું મોટું નામ હતું. હજી પંદર દિવસ પહેલાં જ તેને ત્યાં ક્રાઇમ-બ્રાન્ચે રેડ પાડી હતી અને પૂરા એક કરોડનો તોડ કર્યો હતો. વછરાજાનીએ પોતાનો બચાવ કરતા કહ્યું : “ના, ના, સાહેબ! મને ખબર નથી. હું તપાસ કરાવું અને જો કોઈ પોલીસવાળાએ આવું કર્યું હશે તો તેને સસ્પેન્ડ કરી નાખીશ.” વછરાજાનીની જીભને જાણે લકવો થઈ ગયો હોય તેમ જીભ થોથવાવા લાગી હતી. મંત્રીએ પોતાની બંને કોણીઓ ટેબલ ઉપર ગોઠવી, થોડા આગળ તરફ આવતાં કહ્યું : “ડીસીપી, હું પહેલાંના જેવા મંત્રી જેવો નથી. અમે ઘાસ નથી કાપતા, સરકાર ચલાવીએ છીએ. ક્યાં શું થાય છે તેની ખબર રાખીએ છીએ. રમેશની વાત છે ત્યાં સુધી પેમેન્ટ ક્યાં, કેટલું અને કોણે લીધું તેની મને ખબર છે. મોઢામાં આંગળાં નાખી બોલાવો નહીં.” વછરાજાનીએ તરત ‘સૉરી સર સૉરી સર, કહ્યું અને નીચી નજર કરી લીધી. રમેશ પાસેથી એક કરોડ લેવા વછરાજાનીનો દીકરો ઇન્દ્રોડા સર્કલ ગયો હતો.
મંત્રી ઠાકોર જાણે વછરાજાનીને મદદ કરતા હોય તેમ ઉપકારની ભાષામાં કહ્યું : “સીએમને કહી મેં તમને પોસ્ટિંગ અપાવ્યું, બાકી તમને તો ખબર છે… સીએમ સાહેબ તો કેદાર શર્માને મૂકવા માગતા હતા. મેં તેમને કહ્યું કે, ‘આપણો ગુજરાતી અધિકારી છે, સારો અને મહેનતુ છે.’ વળી તમે આવું કરો તો કેમ ચાલે? તમારી ફરિયાદો તો સીએમ સુધી આવે છે. તે મને પૂછતા હતા. એ તો મેં વાત વાળી લીધી અને કહ્યું કે, ‘વિઘ્નસંતોષીઓ તેમની વિરુદ્ધ પ્રચાર કરે છે’.” વછરાજાનીએ નીચી મુંડી રાખી કહ્યું, “થૅંક્સ સર. હવે ફરિયાદનો મોકો નહીં આવે.” પછી મિનિટો સુધી બંને વચ્ચે શાંતિ છવાઈ. મંત્રી છત તરફ જોઈ રહ્યા હતા, વછરાજાનીને થતું હતું કે ક્યારે ચેમ્બરની બહાર નીકળે. એટલે તેમણે હિંમત કરતાં પૂછ્યું : “સર, કંઈ આદેશ?” બહુ સામાન્ય સૂચના હોય તેમ મંત્રીએ સહજતાથી કહ્યું : “વિજય ખરો ને મારો દીકરો; તેના મિત્રો સાથે યુરોપની ટૂરમાં જવા માગે છે. મેં કહ્યું છે કે તે તમારી સાથે વાત કરશે, જોઈ લેજો.” વછરાજાનીએ રાજી થતાં હોય તેમ કહ્યું : “અરે સર, વિજયભાઈ શું કામ, હમણાં જ હું તેમને બહાર નીકળી વાત કરી લઈશ. તમે ચિંતા ના કરતા.” જાણે આ બધાં કામ પોલીસનાં જ હોય તેવો ભાવ વછરાજાની અને મંત્રીના ચહેરા ઉપર એક સરખો જ હતો. વછરાજાની તક જોઈ ઊભા થયા. “રજા લઉં?” મંત્રીએ સામે જોયા વગર કહ્યું : “હંમ્.” સલામ કરી વછરાજાની નીકળતા હતા ત્યાં મંત્રીએ કહ્યું, “અરે વછરાજાની, પેલા કિરણ ઉપર નજર રાખજો. સીએમ સામે બહુ ગરબડ કરે છે, સાહેબ પણ મને પૂછતા હતા. કંઈ અપડેટ હોય તો મને કૉલ કરજો.” “યસ સર” કહી વછરાજાની બહાર નીકળ્યા. બહાર નીકળતાં જ વછરાજાનીએ મંત્રીના પુત્ર વિજયને કૉલ કર્યો : “અરે વિજયભાઈ, નાના કામ માટે સાહેબને ક્યાં હેરાન કરો છો? આવું કંઈ પણ હોય તો મને ડાયરેક્ટ ફોન કરી દેવાનો. બોલો ક્યારે જવું છે, યુરોપ? બધી વ્યવસ્થા થઈ જશે.” વિજય તારીખ બોલ્યો અને વછરાજાનીએ પોતાના જ હાથ ઉપર પેનથી તારીખ નોંધી લીધી.
મંત્રી અમર ઠાકોરે જે કિરણનો ઉલ્લેખ કર્યો હતો, તે કિરણ ત્રિવેદી તેમની જ સરકારનો શિક્ષણમંત્રી હતો. પ્રજામાં ખૂબ લોકપ્રિય અને જમીની નેતા હતો, રાષ્ટ્રીય નેતાઓ પણ તેના કામની કદર કરતા હતા, નિરભિમાની અને સરળ હતો. તેને જે સાચું લાગે તે મોઢે કહી દેવાની ટેવને કારણે જ મુખ્યમંત્રી ગોવિંદરાય પણ બને ત્યાં સુધી કિરણને દૂર રાખતા હતા. તેમની ઇચ્છા તો તેને મંત્રીમંડળમાં પણ લેવાની ન હતી, પરંતુ પાર્ટી હાઇકમાન્ડનું માનવું હતું કે કિરણ જેવા પ્રામાણિક અને શિક્ષિત ધારાસભ્યને મંત્રીમંડળમાં સામેલ ના કરે તો પાર્ટીની છબી ખરાબ થાય, માટે તેને લેવો પડ્યો હતો. પણ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી ગોવિંદરાય અને ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોર એવું માનતા હતા કે, સરકારમાં કિરણનું હોવું ખતરો છે. તે આ બંનેના કાળા ધંધાની માહિતી હાઇકમાન્ડને તો ક્યારેક પ્રેસ સુધી પહોંચાડી દેતો હતો. સીએમ રાહ જોઈ બેઠા હતા કે કેવી રીતે કોઈ પણ ઘટનામાં કિરણને ફસાવી દઈ, તેને મંત્રીમંડળમાંથી દૂર કરવો. પણ તેવું કોઈ કારણ હાથ લાગતું ન હતું. એટલે જ તો મંત્રી ઠાકોરે આ જવાબદારી ડીસીપી વછરાજાનીને સોંપી હતી. ક્રાઇમ-બ્રાન્ચના બે કૉન્સ્ટેબલો સતત ખાનગી કપડાંમાં મંત્રી કિરણનો પીછો કરતા હતા. ક્યાં જાય છે, કોને મળે છે તેની માહિતી એકત્ર કરતા હતા. જોકે હજી સુધી તેવું કંઈ ઠોસ મળ્યું ન હતું.
ગોવિંદરાય મુખ્યમંત્રી થયા તે પહેલાં સામાન્ય નગરપાલિકાની ચૂંટણી પણ જીત્યા ન હતા. જોકે દિલ્હી સ્થિત નેતાઓની સાથે તેમના સંબંધો સારા હોવાને કારણે તેમના પુરોગામી મુખ્યમંત્રી કરસનજી પટેલના અણઘડ શાસનની ફરિયાદ કરતા હતા. તેઓ હાઇકમાન્ડને સતત એવું કહી રહ્યા હતા કે કરસનજી સારા છે તેમાં બેમત નથી, પણ લોકોના મનમાં સ્વચ્છ સરકારની છબી ઊભી થતી નથી. લોકો આપણી દેશી જનતા પાર્ટીથી દૂર જઈ રહ્યા છે. કરસનજીની સામે ગોવિંદરાય કેટલીક પ્લાન્ટેડ સ્ટોરીઓ પણ દિલ્હીનાં અખબારોમાં કરાવી દેતા હતા. દરમિયાનમાં હિંમતનગરના દેશી જનતા પાર્ટીના ધારાસભ્યના અવસાનને કારણે ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણી આવી, જે બેઠક દેશી જનતા પાર્ટી હારી ગઈ. બસ, આ મોકાનો ગોવિંદરાયે ફાયદો લીધો અને હાઇકમાન્ડે કરસનજીને હટાવી ગોવિંદરાયને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. ગોવિંદરાયની યોજના પ્રમાણે જ બધું થઈ રહ્યું હતું. જોકે તેમણે પોતાના મંત્રીમંડળમાં હજી અમર ઠાકોરનો સમાવેશ કર્યો ન હતો, જે તેમનો ખાસ વિશ્વાસુ અને રાઝદાર હતો અને તેમનાં ખરાંખોટાં કામોનાં રહસ્યો તેની પાસે હતાં. અમર ઠાકોર મંત્રીમંડળમાં ન હતો, છતાં તેને ખાસ કેટલાંક મિશન સોંપવામાં આવ્યાં હતાં, કારણ કે ગોવિંદરાય મુખ્યમંત્રી થયા પછી તેમને છ મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવાનું હતું.
ત્યાં અચાનક ગૌહત્યાના મુદ્દે હિંદુ અને મુસ્લિમો આમનેસામને આવી ગયા અને જોતજોતામાં આખા રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યાં. ત્રણ મહિના તોફાનો ચાલ્યાં જેમાં એક હજાર કરતાં વધુ લોકોની કત્લેઆમ થઈ હતી. તોફાનોને કાબૂમાં લેવા લશ્કર બોલાવવું પડ્યું હતું. આ દિવસોમાં અમર ઠાકોર હિંદુ વિસ્તારોમાં ફરતા હતા. મંત્રી ઠાકોર કંઈ નવી યોજના તરફ આગળ વધી રહ્યા હતા. છ મહિના પછી ગોવિંદરાય મહેતા ચૂંટણીમાં ઊભા રહ્યા. બીજી તરફ વિરોધ પક્ષ તેમની ઉપર તૂટી પડ્યો. વિરોધ પક્ષે કોમી તોફાનમાં જે મુસલમાનોને માર્યા તેના માટે મુખ્યમંત્રી ગોવિંદરાયને દોષિત ગણાવ્યા. અખબારો અને ટેલિવિઝન ચૅનલો પણ મુખ્યમંત્રીના કોમી ચહેરાને દર્શાવી રહી હતી. પણ મુખ્યમંત્રી તે મુદ્દે એકદમ શાંત હતા. તે તેમની ઉપર થઈ રહેલા કોઈ પણ આક્ષેપનો જવાબ આપવા માગતા ન હતા. કોઈને અંદાજ ન હતો… રમત કઈ દિશામાં જઈ રહી હતી! ગુજરાતની કોઈ પણ વિધાનસભા-બેઠક ઉપર મુસ્લિમોની બહુમતી ન હતી. મુસ્લિમો નારાજ થાય તેને ગોવિંદરાય મહેતા અને તેમની દેશી જનતા પાર્ટીને કોઈ ફેર પડતો ન હતો. મુખ્યમંત્રી હિંદુ તરફી છે તેવા પ્રચારનો સીએમ ખૂબ ફાયદો લઈ રહ્યા હતા, બીજા શબ્દોમાં તેમના વિરોધીઓ તેમને ફાયદો અપાવી રહ્યા હતા. ચૂંટણી બાદ જ્યારે પરિણામો આવ્યાં ત્યારે મુખ્યમંત્રી ગોવિંદરાય જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. હવે તેમની છબિ એક હિંદુ નેતા તરીકે ઊપસી આવી હતી. અમર ઠાકોર અને ગોવિંદરાય એવું કંઈક કરવા જઈ રહ્યા હતા, જેની કોઈને કલ્પના ન હતી. તેમની પાસે તેમના રાજકારણ માટે દસ વર્ષ પછીની પણ યોજનાઓ હતી. શતરંજની આ રમતનાં અનેક પ્યાદાં હતાં જેમાં એસીપી રામસિંહ પરમાર, ડીસીપી જે. કે. વછરાજાની, ઇન્સ્પેક્ટર મહેશ રાવ અને વિનય તોમર સહિત અનેક હતા, જેમની યાદી તૈયાર હતી અને હજી તેમાં ઉમેરો થવાનો હતો, પણ પ્યાદાંઓને તેની ખબર ન હતી.
(ક્રમશ:)








