પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-17): Nadaan Series: સવારના નવ વાગ્યા હશે. આમ તો ગોપાલ માટે જેલમાં પહેલો દિવસ હતો. આજથી ગોપાલના જીવનમાં નવા શિક્ષણની શરૂઆત થઈ રહી હતી. ગોપાલ આસપાસના માહોલને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સલીમે કહ્યું, “હવે આ દુનિયાની ટેવ પાડી દે તો એટલો ઓછો હેરાન થઈશ.”
હજી કેટલા દિવસ અહીં રહેવાનું છે? ગોપાલ એવા વિચારમાં હતો ત્યારે, ફરી એક પેડલરિક્ષા આવી. ગોપાલ વિચારવા લોગ્યો, હવે શું આવ્યું હશે! ત્યાં જ એણે જોયું કે, બેરેકમાંથી કેદીઓ થાળી અને વાટકી લઈ પેડલરિક્ષા તરફ દોડયા. એક પછી એક કેદીઓ જમવાનું લઈ રહ્યા હતા. સલીમ તેની પાસે આવ્યો અને કહ્યું, “ચાલ, થાળી લઈ લે.”
ગોપાલ પોતાના બિસ્તર પાસે ગયો. જેલ તરફથી મળેલી થાળી અને વાટકી લઈને તે પણ લાઇનમાં ઊભો રહી ગયો. તે પોતાની આગળ રહેલા કેદીની થાળીમાં શું જમવાનું છે, તે જોઈ રહ્યો હતો. કારણ કે તે હજી રાતે જે જમવાનું મળ્યું હતું, તે ભૂલી શક્યો નહોતો. ગોપાલનો નંબર આવ્યો, જમવાનું આપવા આવેલા કેદીએ તેની થાળીમાં ત્રણ જાડી રોટલી, મોટો ચમચો ભરી કોબી બટાકાનું શાક, થોડા ભાત અને વાટકીમાં પાણી જેવી દાળ મૂક્યાં. ગોપાલ વિચારમાં ખોવાયેલો હતો એટલે ત્યાં જ ઊભો રહ્યો. તેને પેલા કેદીએ બૂમ પાડીને પૂછ્યું, “કેમ? ઓછું પડે છે? આપુ વધારે?”
ગોપાલ “ના…ના.” કહી આગળ વધ્યો. સલીમ પોતાની થાળી લઈ લીમડાનાં ઝાડ નીચે ગોપાલની રાહ જોઈ રહ્યો હતો. સલીમે ચંપલ કાઢ્યા અને તેની ઉપર પલાંઠી વાળીને બેઠો. ગોપાલે પણ તેવું જ કર્યું. સલીમ ચુપચાપ જમવા લાગ્યો. ગોપાલે પણ જમવાની શરૂઆત કરી. જોકે ગઈ રાત કરતાં જમવાનું સારું લાગી રહ્યું હતું. કેમ કે, જમવામાં હજી કાંકરી આવી નહોતી. ગોપાલે રોટલી તોડીને દાળમાં ડબોળી. તે દાળમાં દાળ શોધી રહ્યો હતો! પણ તરત સલીમની વાત યાદ આવી, “આ દુનિયાની ટેવ પાડી દે!”
ગોપાલે જોયું તો સલીમની થાળીમાં રોટલીના ટુકડા હતા. જેલમાં જમવાની સ્ટાઇલ આવી જ હતી. જેની ગોપાલને ખબર નહોતી. આટલા બધા કેદીઓની રોટલી બનાવવાની હોય, એટલે મમ્મીના હાથ જેવી ફૂલકા રોટલી તો શક્ય જ નહોતી; પણ રોટલી જાડી હોવાની સાથે કિનારીઓ કાચી હતી. સલીમ આ પ્રકારના ભોજનથી વાકેફ હતો. તેણે રોટલીને વાળી અને તેની ગોળ કિનારી કાપીને બાજુ પર મૂકી દીધી. ગોપાલને પોતાની ભૂલ સમજાઈ ગઈ. બીજી રોટલી શરૂ કરતાં પહેલાં ગોપાલે પણ તેવું કર્યું. આમ, જેલમાં કેવી રીતે જમવું? તેનો પહેલો પાઠ તેને પહેલાં દિવસે મળી ગયો.
જેલના નિયમ પ્રમાણે સવારે છ વાગ્યે બેરેક ખૂલે. તેની ‘બંધી ખુલી’ તેવું કહેવામાં આવતું હતું. એ પણ તેને સમજાઈ ગયું. પણ ગોપાલને આશ્ચર્ય એ બાબતનું હતું કે, સવારે નવ વાગ્યે તો જમવાનું કેવી રીતે ફાવે! પણ અત્યારે એણે નવી સ્થિતિમાં ગોઠવાઈ જવાનું હતું.
લગભગ સાડા દસ થવા આવ્યા હશે. અચાનક જેલ પોલીસનો કાફલો તેમના યાર્ડમાં આવ્યો. બેરેકના સિપાહીએ બૂમ પાડી એટલે બધા કેદીઓ લાઈનમાં ઊભા રહી ગયા. દરેક કેદીને એક કાર્ડ આપવામાં આવ્યું હતું. જેને ટિકિટ કહેવામાં આવે છે. બધા કેદીઓ પોતાની ટિકિટ બે હાથે પકડીને પોતાની છાતી પાસે રાખી, લાઈનમાં ઊભા રહી ગયા. ખભા પર ત્રણ સ્ટાર લગાવેલા એક અધિકારી આવ્યા. જેમની આગળ પાછળ થઈને લગભગ દસેક બીજા પોલીસવાળા પણ હતા. ગોપાલને સ્ટાર જોઈને સમજાયું કે, આ કોઈ મોટા અધિકારી છે. સાથે રહેલા સિપાહી ટિકિટ જોઈને પેલા અધિકારીને જવાબ આપતા હતા.
અધિકારી ગોપાલ અને સલીમ પાસે આવ્યા. તેમણે આંખો ઝીણી કરી ટિકિટ પર નોંધેલી વિગત જોઈ. તેમને સમજાઈ ગયું હતું, છતાં રોફ જાડવા મોટા અવાજે પૂછ્યું, “શેમાં આવ્યો છે?”
ગોપાલ ડરી ગયો. તે જવાબ આપે એ પહેલાં સલીમે કહ્યું, “સાહેબ, બનાવટી નોટમાં.”
પેલા અધિકારીએ સલીમ અને ગોપાલ સામે ઉપરથી નીચે સુધી જોયું. સાથે રહેલા સિપાહીને કહ્યું, “છોટાચક્કરમાં મૂકો.”
અધિકારી ત્યાંથી રવાના થયા. એ ગયા પછી ખબર પડી કે, સાહેબ પાલનપુર જેલના સિનિયર જેલર સોલંકી સાહેબ હતા. જેલર શબ્દ સાંભળતા જ ગોપાલને પાછો પરસેવો વળ્યો. કારણ કે ‘જેલર કેદીઓને બહુ ત્રાસ આપે.’ એવું તેણે સાંભળ્યું હતું. ગોપાલે જોયું કે, અહીંયા પોલીસવાળા કે કેદી મોટા હોવા છતાં, સાહેબ બધા સાથે તુંકારે જ વાત કરતા હતા.
સલીમ બેરેકમાં ગયો અને પોતાનો બિસ્તરો તૈયાર કરી રહ્યો હતો. ગોપાલ પણ તેની પાસે જઈને ઊભો રહ્યો. સલીમે કહ્યું, “ચાલ, સામાન તૈયાર કર.”
ગોપાલે કંઈ જ પૂછ્યું નહીં. તે પોતાના થેલામાં સામાન મૂકવા લાગ્યો. સલીમે કહ્યું, “હવે આપણે બીજા ઘરે જવાનું છે.”
ગોપાલના ચહેરા પર પ્રશ્નાર્થ ભાવ હતો. સલીમ હસ્યો અને કહ્યું, “છોટાચક્કરમાં જવાનું છે. હવે આપણું નવું ઘર ત્યાં હશે.”
થોડીવાર પછી એક સિપાહી આવ્યો. તેણે મોટેથી પૂછ્યું, “છોટાચક્કરવાળા કોણ કોણ છે?”
જેમના નામ છોટાચક્કર માટે હતા, તેમણે હાથ ઉપર કર્યા. સિપાહીએ સત્તાવાહી અવાજમાં કહ્યું, “ચાલો.”
બધા કેદીઓ સિપાહીની પાછળ ચાલવા લાગ્યા. ગોપાલ પોતાનો થેલો, જેલમાંથી મળેલા વાસણો અને ધાબળો લઈને ચાલવા લાગ્યો. સલીમનો સામાન આવ્યો નહોતો, પણ તે કહેતો હતો કે, આજે કોઈ તેને સામાન આપી જશે. એટલે તેની પાસે રહેલો ધાબળો અને થાળી–વાટકો ઉપાડી તે પણ ચાલતો થયો.
જેલની બરાબર વચ્ચે એક નાનો રોડ હતો. રોડની બંને તરફ મોટા મોટા યાર્ડ હતા. જેમાં બેરેકો હતી. બંધી ખુલ્લી જ હતી એટલે કેદીઓ પોતાના નિત્યક્રમ પ્રમાણે કામ કરી રહ્યા હતા. જે જૂના કેદી હતા, તે બધા આ નવા આવેલા મહેમાનો સામે જોઈ અંદર અંદર તેમની મશ્કરી કરી રહ્યા હતા.
સિપાહી તેમને એક યાર્ડમાં લઈ ગયો. ગોપાલે જોયું કે, તેની બહાર ‘છોટાચક્કર’ એવું બોર્ડ મારેલું હતું. ત્યાં એક સિપાહી બેઠો હતો. ગોપાલને લઈને આવેલા સિપાહીએ છોટાચક્કરના સિપાહીને નવા આવેલા કેદીઓની યાદી આપી અને કહ્યું, “આમને અંદર લેજે.”
છોટાચક્કરના સિપાહીનો મરતબો કોઈ મોટા અધિકારી જેવો હતો. તેણે બધાને સંબોધતા કહ્યું, “અહીંયા શાંતિથી રહેજો. કોઈ માથાકૂટ જોઈએ નહીં. નહીંતર મારા જેવો ખરાબ કોઈ નથી. સમજ્યા?”
ગોપાલને લાગ્યું કે, અહીંયા કારણ વગર બધા તેમને ધમકાવી રહ્યા હતા. સિપાહી બધાને બેરેકમાં લઈ ગયો. જૂના કેદીઓ આ બેરેકમાં પહેલેથી જ હતા. તેમના બિસ્તર પંખાની નીચે લાગ્યા હતા. જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં પોતાનો બિસ્તર લગાવવાનો હતો. સલીમે પોતાનો બિસ્તર લગાવ્યો. તેની બાજુમાં જ ગોપાલે પણ બિસ્તર લગાવ્યો. એ જ વખતે એક પડછંદ કેદી ન્હાઈ ધોઈને બાથરૂમની બહાર નીકળ્યો. એની નજર એકદમ ધારદાર હતી. તે પોતાના બિસ્તર પાસે ગયો અને જેલનાં સફેદ કપડાં પહેર્યા. પછી બેરેકમાં રહેલાં મંદિર પાસે જઈ, હાથ જોડી કંઈક પ્રાર્થના કરી.
પ્રાર્થના કરી લીધા પછી તેણે નવા આવેલા કેદીઓ સામે જોયું. જાણે કોઈ પોલીસ અમલદાર હોય, તેવી તેની નજર હતી. તેણે નવા આવેલા કેદીને આદેશના સ્વરમાં પૂછવાનું શરૂ કર્યું. ગોપાલને પૂછ્યું, “કયા ગુનામાં છે?”
જવાબ સલીમે આપ્યો. કહ્યું, “ફેક કરન્સી.”
સલીમનો જવાબ સાંભળીને પેલા કેદીના ચહેરા પર એકદમ ચમકારો આવ્યો. તેણે કહ્યું, “તો તો તગડી નોટો બનાવી હશે!”
સલીમે જવાબ આપ્યો, “નોટો બનાવે તે પહેલાં જ પકડાઈ ગયો.”
પેલાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. કપાળની રેખાઓ તંગ થઈ. તેણે સલીમ સામે જોતાં પૂછ્યું, “મેં તને કંઈ પૂછ્યું છે? તું કેમ જવાબ આપે છે?”
પરંતુ સલીમના ચહેરાના ભાવ પર કોઈ ફેરફાર થયો નહીં. તેણે ગોપાલના ખભે હાથ મૂકતા જવાબ આપ્યો, “મારો ભાઈ છે.”
ભાઈ શબ્દ સાંભળતા જ પેલા કેદીઓ પૂછ્યું, “તારો ભાઈ છે, તારું નામ શું?”
“સલીમ. અને આનું ગોપાલ”
“તો તારો ભાઈ કેવી રીતે થયો?”
સલીમે જવાબ આપ્યો, “ભાઈબંધ છે.”
પેલા કેદી કહ્યું, “તો ભાઈબંધ જ કહેવાનું.”
તેના અવાજમાં કડકાઈ હતી. તેણે કહ્યું, “ભાઈ થવાનો શોખ રાખીશ નહીં. ખોવાઈ જઈશ. આ જેલ છે. આહીંયા એક જ ભાઈ છે.”
સલીમ કંઈ બોલે તે પહેલાં જ પેલા કેદીએ પોતાની છાતી પર આંગળી મૂકતા કહ્યું, “ગોવિંદ દવે. મારું નામ છે.”
ગોપાલને તો સમજાયું જ નહીં કે, ઝઘડો કઈ બાબતનો થઈ રહ્યો છે! ગોવિંદ બેરેકમાંથી રવાના થઈ ગયો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








