નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર શહેર (Jamnagar City) ના એક બ્રાસપાર્ટ વેપારી સાથે GST એકાઉન્ટ ફરી કાર્યરત કરાવવાના બહાને 60 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ થતાં મામલો ટોક ઑફ ધ ટાઉન (Talk of the Town) બન્યો છે.
જામનગરમાં ‘શ્રી કલ્પ એન્ટરપ્રાઈઝ’ નામે બ્રાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી ભાવેશ તરાવિયાનું GST Account વર્ષ 2025માં કોઈ કારણસર બ્લૉક કરાયું હતું. આ એકાઉન્ટ પુનઃ ચાલુ કરાવવા ભાવેશભાઈએ જગદીશ રામોલીયાનો સંપર્ક કર્યો હતો. જગદીશ રામોલીયાએ વેપારીને આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર પ્રભારી પ્રકાશ દોંગા (Prakash Donga AAP) ની ઓળખ એક વકીલ તરીકે કરાવી હતી. GST સંબંધિત કાયદાકીય ગૂંચ ઉકેલવા અને ટેક્સની રકમ ભરવાના બહાને આરોપીઓએ ઑક્ટોબર 2025માં વેપારી પાસેથી કુલ 60 લાખ રૂપિયા મેળવી લીધા હતા. GST એકાઉન્ટમાં જમા કરાવવા અને પ્રોસેસિંગ ફી ચૂકવવા પેટે વેપારીએ આપેલી રકમ આરોપીઓએ સરકારી તિજોરીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી હતી.
લાંબા સમય બાદ પણ GST એકાઉન્ટ ચાલુ ન થતાં વેપારીને ઠગાઈનો અહેસાસ થયો હતો. આ મામલે પંચકોશી B ડિવિઝન પોલીસ મથકે (Panchkoshi B Division Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ દોંગા અને જગદીશ રામોલીયાની ધરપકડ કરી હતી.








