Saturday, July 4, 2026
HomeGeneralતમારા ઘરની તીજોરીમાં એક મદદ નામનું કવર રાખજો, તે ગજબનું તમારા જીવનમાં...

તમારા ઘરની તીજોરીમાં એક મદદ નામનું કવર રાખજો, તે ગજબનું તમારા જીવનમાં કામ કરશે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): મારા એક મિત્રના પિતા બીમાર થયા મિત્રના પિતા બીમાર છે તેની અન્ય મિત્રોને પણ ખબર પડી તેમણે મને પુછયુ આપણે હોસ્પિટલ તેમની ખબર જોવા જઈશુને, મેં કહ્યુ ના હું ખબર જોવા જતો નથી, કદાચ તેને મારો આ જવાબ ગમ્યો પણ નહીં અને સમજાયો પણ નહીં હોય, પણ મારા ઉત્તમ શિક્ષક અનુભવ રહ્યો છે, આમ તો માણસે અનુભવમાંથી શીખવાનું હોય છે, પરંતુ મોટા ભાગે અનુભવમાંથી માણસ નકારાત્મકતા શીખે છે, તેને થયેલા કડવા અનુભવને કારણે તેને લાગે છે દુનિયા ખરાબ છે અને તમામ માણસો દગાખોર છે. જીવનનો એક તબ્બકો એવો છે કે માણસનું જીવન આવી નકારાત્મકતાથી ખીચોખીચ ભરાઈ જાય છે. જે આખરે તેને જ ખતમ કરે છે. આ જ પ્રકારના અનુભવો મને પણ થયા છે, હું રોજ મારા જીવનમાંથી શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરૂ છુ. સ્કુલમાં હતા ત્યારે પેન્સીલથી લખતા હતા અને ભુલ પડે તો રબરથી ભુંસી ફરી લખતા હતા આ પ્રેકટીસ મેં જીવનમાં ચાલુ રાખી છે. હું ભુલોને ભુંસવાનું રબર સતત સાથે રાખુ છુ.



મેં મારા મિત્રને કહ્યુ કે હું હોસ્પિટલમાં ખબર જોવા જતો નથી, તેનું કારણ એવુ છે કે મારા અનુભવથી મને સમજાયુ કે ખબર જોવાનો કોઈ અર્થ નથી. ખબર જોવી એટલી એક ઔપચારીકતા પુરી કરવાની વાત છે, હોસ્પિટલમાં જવાનું જતી વખતે કહેવાનું કે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો. તે પણ આપણને ખબર છે આપણને તે કામ કહેવાનો નથી. માણસ જીવનના જુદા જુદા તબક્કામાં પસાર થાય છે આવા જ એક તબ્બકામાં હું 2015માં પસાર થયો. બહુ જ કફોડી સ્થિતિ હતી, ખીસ્સા અને બેન્ક એકાઉન્ટ ખાલી થયા હતા, જેના પરિણામ સ્વરૂપ હું આ સ્થિતિમાં આવ્યો તેની મિત્રો અને પરિચીતો કદર કરતા હતા અને કહેતા હતા કે તમે બહુ સારુ કામ કરો છો, મારે લાયક કોઈ કામ હોય તો કહેજો. મને કોઈ મદદ કરે તેની જરૂર હતી પણ મને જરૂર છે તેવુ કહેવાની મારા હિમંત ન્હોતી, આ અનુભવમાંથી હું શીખ્યો કે કોઈ પરિચીત કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હોય ત્યારે તેમને પુછવુ નહીં કે મારે લાયક કોઈ કામ હોય તો કહેજો.



મારા મિત્રના પિતા બીમાર છે અને હોસ્પિટલમાં છે તેવી ખબર મળતા મેં તરત મારી હેસીયત પ્રમાણેની એક નાનકડી મદદ મારા મિત્રને મોકલી આપી. મને લાગે છે કે મારે લાયક કામ હોય તો કહેજો તેના કરતા તેને જેની જરૂર છે તે મદદનો એક નાનકડો હિસ્સો પણ તમારી પાસે હોય તો મોકલી આપવો. કારણ ખબર જોઈને પાછા આવવાથી જે બીમાર છે અને બીમારના પરિવારની કોઈ તકલીફ ઘટતી નથી, એક સાદી બાબત છે એવી છે કે માણસ બીમાર છે ત્યારે તેને સૌથી વધુ પૈસાની જરૂર હોય છે. આપણા શબ્દોમાંથી પૈસા પડતા નથી જેનાથી તે દવા લાવે કે પછી હોસ્પિટલનુી બીલ ભરે, ઘણી વખત એવુ બનતુ હોય છે કેટલીક બીમારીઓનો ખર્ચ બહુ મોટો હોય છે. આપણે માની લઈએ છીએ કે આટલો મોટો ખર્ચ છે તેમાં આપણી નાનકડી મદદ કેવી રીતે કામમાં આવશે? હવે થાય છે એવુ કે મારી નાની મદદ કોઈ કામની નથી તેવુ માનનારો મોટો વર્ગ છે જેના કારણે કોઈ મદદ કરતુ નથી.



પણ નાની નાની મદદ કરનાર જો ભેગા થાય તો મોટુ કામ થઈ શકે છે. બની શકે કે આપણી પાસે નાની મદદ કરવાની પણ વ્યવસ્થા નથી ત્યારે આપણા પરિચીત સાથે હોસ્પિટલમાં માણસ તરીકે ઉભા રહેવાનું કામ પણ અગત્યનું છે. કારણ આજે બધા જ કહે છે મારી પાસે સમય નથી, હવે આ સંયુકત પરિવારમાં રહેતા નથી વિભક્ત પરિવારો હોવાને કારણે ઘરમાં એક વ્યકિત હોસ્પિટલમાં હોય તો જે સાજો છે તે દોડધામમાં પોતે બીમાર જેવો થઈ જાય છે. આવી સ્થિતિમાં કોઈ દોડધામ કરનારની મદદ પણ બહુ અગત્યની હોય છે, પણ આપણે આ બે પૈકી કઈ કરતા નથી. માત્ર કામ હોય તો કહેજો તેવુ કહી પાછા ફરીએ છીએ, મને બહુ મોડા ખબર પડી કે આવી ઔપચારિકતા કોઈના જીવનને કોઈ ફાયદો કરતી નથી. આપણી હોય કે બીજાની તકલીફ કહીને આવતી નથી એટલે જયારે કોઈની તકલીફ પડે ત્યારે અચાનક આપણે વ્યવસ્થા કેવી રીતે કરવી તેવો પણ એક પ્રશ્ન હોય છે.

- Advertisement -



હું પણ આવી સ્થિતિમાંથી પસાર થયો, મેં તેનો એક રસ્તો શોધી કાઢયો છે. મારી તીજોરીમાં એક મદદ નામનું મેં કવર બનાવ્યુ છે. મારો પગાર થાય તેની સાથે દરમહિને એક નાની રકમ હું તે કવરમાં મુકી દઉ છું. મારી આ ટેવ હવે મારા દિકરામાં પણ આવી છે કારણ તે પણ નોકરી કરતો થયો છે, આ મદદ નામના કવરમાં હું દર મહિને જે રકમ મુકુ છુ, તેમાંથી મારા કોઈ પરિચીતને જરૂર છે તેવી ખબર પડે તેની સાથે મારે લાયક કોઈ કામ હોય તો પુછયા વગર બંધ મુઠ્ઠીમાં તે રકમ મુકી આવુ છું. દર મહિને મદદના કવરમાં એક રકમ મુકુ છુ તેના કારણે જયારે ખરેખર મદદની કોઈની જરૂર હોય ત્યારે મને આકરૂ પણ લાગતુ નથી. હું આ એટલા માટે લખી રહ્યો છુ કે હવે કોઈને ખબર જોવાને બદલે તેમને મદદ કરી તેમની ખબર રાખવાનું શરૂ કરજો. આ આપણે જે કઈ કરીએ છીએ તેમા કોઈની ઉપર ઉપકાર પણ નથી. કારણ આ તો આપણે એટલા માટે કરીએ છીએ કે આ કર્યા પછી આપણુ મન શાંત અને આનંદીત થાય છે. હું આસ્તીક માણસ છુ મંદિરમાં જાઉ ત્યારે ચોક્કસ માગુ છું, પણ માગુ ત્યારે ઈશ્વરને કહુ છુ મને ખુબ આપજે, પણ આપે ત્યારે બીજાને આપવાનું મન પણ આપજે કદાચ એટલે જ ઈશ્વર મારી દરકાર રાખે છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular