નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરમાં ગઇકાલે વિદ્યાસહાયકોને સમર્થન આપવા પહોંચેલા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મી ઉપર ગાડી ચઢવા જેવા ગંભીર ગુનામાં યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના આંદોલન માટે જાણીતા અને ખ્યાતનામ બનેલા યુવરાજસિંહ જાડેજા ગઇકાલે વિદ્યાસહાયકોને સમર્થન આપવા પોલીસ તાલીમ કેન્દ્ર પહોંચ્યા હતા.
યુવરાજસિંહની ધરપકડ અંગે આજે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે જણાવ્યુ હતું કે, “યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાસહાયકોને ઉશ્કેર્યા હતા. વિદ્યાસહાયકોને પોલીસ તાલીમ કેન્દ્રમાં રાખવામા આવ્યા હતા જ્યાં યુવરાજસિંહ ગયા ત્યારે આ ઘટના બની હતી. તેમણે પોલીસ કોન્સટેબલ લક્ષ્મણભાઈને ઇજા પહોંચાડીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે હમેશા યુવરાજસિંહને સહકાર આપ્યો છે, તેમની વાત અને રજૂઆત સાંભળી છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે તેમણે આવી રીતે પોલીસ ઉપર જ કાર ચલાવીને નીકળી જાય. આ સમગ્ર ઘટના તેમની પોતાની કારના કેમેરામાં જ કેદ થઈ છે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “યુવરાજસિંહની ધરપકડ બાદ તેમના ફોનની પણ તપાસ કરવામાં આવશે, તેમની ઉપર અત્યારે આઇપીસી 307 અને 332 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, જે બિનજમીનપાત્ર ગુનો છે.” આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓએ ખોટી કોઈ ઉશ્કેરણીમાં આવવું ન જોઈએ, કાલે કેટલાક વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં ભેગા થઈને વાતાવરણ બગાડવાનો પપ્રયત્ન કર્યો હતો તેમની ઉપર પણ જરૂર પડશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. યુવરાજસિંહ સાથે જોડાયેલી તમામ વસ્તુઓને ફોરેન્સિક માટે મોકલવામાં આવશે અને પોલીસ કાર્યવાહી બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે જે વિડીયો જાહેર કર્યો છે તે જોઈને લોકોને પણ સમજાશે કે યુવરાજસિંહે શું કર્યું છે.
યુવરાજસિંહની ધરપકડ અંગે ગાંધીનગર IG અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી, Video પુરાવા રજૂ કર્યા pic.twitter.com/1hWCN2jH7w
— Navajivan News (@NavajivanNews) April 6, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











