પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ચૂંટણીનું મતદાન પુરું થયા પછી વિવિધ ટેલિવિઝન ચેનલ્સ પોતાનો એક્ઝિટ પોલ અથવા સર્વે જાહેર કરતાં હોય છે. આવો જ એક્ઝિટ પોલીસ સટ્ટોડિયાઓ પણ કરતા હોય છે અને માધ્યમોના એક્ઝિટ પોલ કરતાં સટ્ટોડિયાઓનો એક્ઝિટ પોલીસ હકીકતની વધુ નજીક એટલા માટે હોય છે કારણ કે તેમાં તેમના રૂપિયા દાવ પર લાગેલા હોય છે. જોકે સટ્ટોડિયા કઈ રીતે અને કયા પ્રકારનો સેમ્પલ સર્વે કરે છે તેની જાણકારી નથી.
સટ્ટા બજારના અનુમાન પ્રમાણે જો હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો સત્તાધારી પક્ષ ભાજપને 90 બેઠકો મળે તેમ છે. ગત ચૂંટણીની સરખામણીમાં નવ બેઠકો ઓછી થવાનું કારણ આદિવાસી વિસ્તારમાં ચાલતા આંદોલનોને માનવામાં આવી રહ્યા છે. જો સટ્ટા બજારનો ઓપિનિયન પોલ સાચો પડે તો સત્તા બનાવવા માટે પણ ભાજપને બે બેઠકોની જરૂર પડે તેમ છે. ગુજરાતમાં જ્યારે પણ ત્રિપાંખીયો જંગ થાય ત્યારે તેનો ફાયદો ભાજપને થાય છે, પરંતુ સટ્ટાબજાર માને છે કે, ગુજરાતમાં આપ (આમ આદમી પાર્ટી)ની એન્ટ્રી કોંગ્રેસની સાથે સાથે ભાજપને પણ નુકસાન કરશે. કારણ આપનું ફોકસ શહેરી વિસ્તારો છે જ્યાં ભાજપનો દબદબો છે.
સટ્ટા બજારે કોંગ્રેસ માટે કરેલા અનુમાન પ્રમાણે તત્કાલ ચૂંટણી થાય તો કોંગ્રેસ 81 બેઠકો મેળવી શકે તેવી સ્થિતિ છે, ગત ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી, જેમાં વધારો થતાં આ વખતે તે 81 સુધી પહોંચે તો પણ સત્તા મેળવવા માટે તેને 11 બેઠકો ઓછી પડે છે. આમ સટ્ટા બજારના અનુમાન પ્રમાણે કોંગ્રેસની સ્થિતિ ફરી વખત વિધાનસભાને અડીને પાછા આવવા જેવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય તો ચોક્કસ તેઓ ભાજપને મહાત આપી શકે તેવું મનાય છે પરંતુ પંજાબના સમિકરણો જોયા પછી તેઓ ગુજરાતમાં ગઠબંધન કરે તેવી હાલમાં કોઈ શક્યતા દેખાતી નથી.
પંજાબમાં વિજય મેળવ્યા પછી આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ વધ્યો છે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કેજરીવાલે ગુજરાતનો એક પ્રવાસ પુરો કર્યો છે, તેમણે ફરી બિજા રાઉન્ડની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, પરંતુ આપની મર્યાદા એવી છે કે ગુજરાતમાં તેમનું સંગઠન નથી. સટ્ટોડિયા માને છે કે, આ સ્થિતિમાં જો આમ આદમી પાર્ટી મેદાનમાં આવે તો તેમના ફાળે માત્ર ત્રણ જ બેઠકો આવી શકે તેમ છે. તેવી જ રીતે અન્યને પણ ત્રણ બેઠક મળે તેમ છે. ઉલ્લેખનીય છે કે આ સર્વે હજુ 177 બેઠકોનો છે આમ મૂળ ગુજરાત વિધાનસભા 182 બેઠકો ધરાવે છે.
![]() |
![]() |
![]() |











