વર્તમાન ત્રિમાસિકમાં ભાવ ૧૫૫૭૫ ડોલર અને વર્ષાન્ત સુધીમાં ૧૪૩૪૦ ડોલરનું નવું તળિયું રચશે
નિકલ અને લિથિયમના ભાવ સતત ઘટતા રહેતા ઉધ્યોગો સામે કારખાના બંધ કરવાની નોબત
ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ):લંડન મેટલ એક્સ્ચેન્જ પર નિકલ (LME Nickel)ત્રિમાસિક વાયદો ગુરુવારે ટન દીઠ ૧૫૮૪૮ ડોલર બોલાયો હતો જે છેલ્લા બાવન સપ્તાહનો ૪૪ ટકા ઘટાડો દાખવતો હતો, વર્તમાન વર્ષના આરંભથી વાયદો ૭૨૫ ડોલર અથવા ૪.૪૦ ટકા ઘટ્યો હતો. આ ઘટાડાએ અનેક નિકલ ખાણ કંપનીઓ અને તેના ઉત્પાદન બનાવનારાઓને તેમના કામકાજ બંધ કરવાની ફરજ પાડી છે. ૨૦૨૨૨માં રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી ત્યાર પછી, નિકાલની જે અછત સર્જાઇ અને જે તેજી આવી તેમાં ભાવ, માર્ચ ૨૦૨૨માં એક તબક્કે ૪૨,૧૧૦ ડોલરની ઊંચાઈએ બોલાયા હતા, તેનાથી અત્યારે તદ્દન વિપરીત સ્થિતિ છે.
૨૦૨૩માં ઈન્ડોનેશિયાએ વિશ્વની કૂલ સપ્લાયના અંદાજે પચાસ ટકા સસ્તું નિકલ બજારમાં ઠાલવી દેતા આ સ્થિતિ આવી પડી છે. વર્તમાન ત્રિમાસિકમાં ભાવ ૧૫,૫૭૫ ડોલર અને વર્ષાન્ત સુધીમાં ૧૪૩૪૦ ડોલરનું નવું તળિયું રચશે, એવી આગાહી ટ્રેડરો કરી રહ્યા છે. ચીનએ, ઇન્ડોનેશિયાન સ્મેલટરોમાં મોટાપાયે મૂડીરોકાણ કરતાં, બજારમાં હલકી ગુણવત્તાના નિકલ પિગ આયર્નના ઘોડાપૂર આવવા શરૂ થઈ ગયા હતા.
ઓસ્ટ્રેલિયન ઉત્પાદકો સામે હવે નવી સમસ્યા એ થઈ છે કે નિકલ સલ્ફાઇડમાંથી વધુ ઉત્પાદન ખર્ચે પ્રાપ્ત કરાતું ઉચ્ચ ગુણવત્તાનું નિકલ, બજારની સ્પર્ધામાં ઊભું નથી રહી શકતું. રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીમાં મહત્વના કાચામાલ તરીકે નિકલ વપરાય છે, પરંતુ ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને ચીન દ્વારા નબળી ગુણવત્તાના માલો ઉતારી દેવાતા, ભાવ માર્ચ ૨૦૨૧ પછીની નવી નીચી સપાટીએ આવી ગયા છે.
નિકલ અને લિથિયમ બંનેના ભાવ સતત ઘટતા રહેતા ઉધ્યોગો સામે કારખાના બંધ કરવાની નોબત આવી છે અને હવે સપ્લાયમાં અંતરાયો પણ ઊભા થવા શરૂ થશે. બજારમાં શરૂ થયેલા આવા અનિશ્ચિત વાતાવરણને પગલે ગ્રીન એનર્જી મેટલ અને તેના રોકાણકારોના વિશ્વાસની કટોકટી ઊભી થવાની સંભાવના છે. ચીન, જે બાંધકામ ઉધ્યોગને (જેમાં સ્ટીલનો વપરાશ વધુ થાય છે) પ્રોત્સાહિત કરી રહ્યો છે, ત્યાં ઘરોનું વેચાણ ધારણા કરતાં ખૂબ ધીમું પડ્યું છે. જાગતિક અર્થતંત્રની સમસ્યા નાથવા ઊંચા વ્યાજદરો પણ કોઈ મદદરૂપ નથી થઈ રહ્યા.
માંગનું ક્ષેત્ર જોઈએ તો પણ નિકલ સામે મોટી સમસ્યા છે. “સ્ટીલ ઉધ્યોગમાં નબળાઈ,” નામની એક નોંધમાં મોર્ગન સ્ટેન્લીએ કહ્યું કે વૈશ્વિક સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદન ૨૦૨૩માં ૬ ટકા ઘટ્યું હતું, પણ ૨૦૨૪માં માંગ ૬.૮ ટકા વધવાની સંભાવના છે. આ અનુમાનો કહે છે કે નિકલ ભાવને વધુ પડતાં નીચે લઈ જવા જોખમી છે.
ઇલેક્ટ્રિક બેટરી વાહનોના ઉધ્યોગ, જે લિથિયમ અને અન્ય બેટરી મેટલના ભાવમાં મદદરૂપ થાય છે તેમાં પણ હાલમાં પીછેહઠ જોવાઈ રહી છે, તે પણ નિકલને નીચે જવા માટેનું એક કારણ છે. નિકલ ઉધ્યોગના ખરાબ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે મોર્ગન સ્ટેનલીના સંશોધિત વરતારા સમયસરના ગણાવાય છે. તેમના આ અહેવાલનું મથાળું છે “નિકલ: સમસ્યાના અંતિમ તબક્કામાં?” છે. તેમની આ માર્ગરેખા ૨૦૨૪માં નિકલ ભાવના સંયોગો નબળા રહેશે કે નહીં તેની આસપાસની રેખા દોરે છે.
મોર્ગન સ્ટેન્લી કહે છે કે ૨૦૧૬માં એલએમઇ ખાતે ભાવ ૮,૦૦૦ ડોલર આસપાસ નીચે ગયા પછીની આ પહેલી ઘટના છે, જેમાં નિકલની આવી ખરાબ મંદીની સાયકલ ચાલી છે. ભાવ એવા સ્તરે આવી ઊભા છે, જ્યાંથી નોન-પ્રોસેસ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટો (એનપીઆઈ)ને બંધ કરી દેવાની નજીક પહોંચાડી દીધા છે. મોર્ગન સ્ટેન્લી સૂચવે છે કે ચીનના અનેક એનપીઆઈ પ્રોજેક્ટ વર્ષે ૨.૪૦ લાખ ટન ઉત્પાદન કરતા હતા, તેમના નફા ઘસાઈ જતાં બંધ થઈ ગયા છે. વર્તમાન ભાવે ઇન્ડોનેશયાના કારખાના તાત્કાલિક બંધ થવાની સંભાવના ઓછી છે, જે બજારમાં ભાવને ઉછળકુદ કરાવવામાં મદદ કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








