પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): ગુજરાત અને દેશના વિદ્યાર્થી આંદોલને દેશ અને ગુજરાતને અનેક રાજનેતાઓ આપ્યા છે. લોક રક્ષકની ભરતીના મુદ્દે ગુજરાતના વિદ્યાર્થીઓમાં યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) એક નવું નામ ઉભરીને આવ્યું. યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટી (આપ)ના સભ્ય તરીકે જોડાયા હોવા છત્તાં કોઈક અગમ્ય કારણસર પોતાને આપ પાર્ટી (AAP Gujarat)થી અલગ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજકીય નિરિક્ષકો માને છે કે તેમની આ રાજકીય ચાલ પાછળ સત્તાધારી પક્ષ ભાજપ (BJP Gujarat)ના જ કોઈ નેતાનો દોરી સંચાર છે.
લોક રક્ષક દળની ભરતીના મુદ્દે થયેલા વ્યાપક આંદોલનની બાગડોર યુવરાજસિંહ જાડેજાએ સંભાળી લીધી, જે બહુ અસરકારક સાબિત પણ થઈ હતી. આ આંદોલનમાં યુવરાજસિંહ એક વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. વિદ્યાર્થી નેતા તરીકે યુવરાજસિંહની તાકાત અને સમજને કારણે રાજ્ય સરકારને યુવરાજસિંહને મધ્યસ્થિ બનાવી ચર્ચામાં શામેલ કરવાની ફરજ પડી હતી. રાજકીય નિરિક્ષકો માને છે કે આંદોલનને ક્યારે ઉગ્ર બનાવવું અને આંદોલનને ક્યારે ઠંડુ પાડવું તેની સારી સમજ યુવરાજસિંહે કેળવી લીધી છે.
વિજય રુપાણી (Vijay Rupani) સરકાર સામે જનઆક્રોશના કારણે ભાજપ હાઈકમાન્ડે રૂપાણી સહિત આખી સરકારને બદલી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ને નવા ચહેરાઓ સાથે સરકારની બાગડોર સોંપી. દરમિયાનમાં યુવરાજસિંહ જાડેજા પણ વિદ્યાર્થી નેતામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર બની ગયા. ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે ફરી યુવરાજસિંહ જાડેજા મેદાનમાં ઉતર્યા છે. પેપર લીક થવાના મુદ્દે યુવરાજસિંહ જાડેજાની માહિતી એટલી સચોટ અને અસરકારક હતી કે તેને કોઈ સરકારી તંત્ર નકારી શકે તેમ નહોતું.
પેપર લીકનો મુદ્દો અત્યંત મહત્વનો અને સચોટ હતો. રાજકીય નિરિક્ષકોના મતે અહીંયા શંકા કરવાનું કારણ એવું છે કે, કોઈપણ સરકારી મદદ વગર આટલી સચોટ માહિતી યુવરાજસિંહ જાડેજા પાસે કેવી રીતે પહોંચી. એક તબક્કે માની લેવાય કે આ તમામ માહિતી યુવરાજસિંહે પોતાના સંપર્કસૂત્રો પાસેથી મેળવી છે તો આ મુદ્દે યુવરાજસિંહ બહુ જ ગણતરી પુર્વક આગળ વધી રહ્યા છે કે આખા મુદ્દે તેઓ જે રાજકીય પક્ષના કાર્યકર છે તેવી આપ પાર્ટીમાં પોતાની શામેલગીરીને સ્પષ્ટ કરી શકે નહીં.
ગુજરાતમાં કોંગ્રેસ એક લકવાગ્રસ્ત પાર્ટી સાબિત થઈ રહી છે ત્યારે આપે આ મુદ્દે મોરચો માંડી ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમને ઘેરી લીધું હતું, પરંતુ આ ઘેરાવના કાર્યક્રમમાં પણ યુવરાજસિંહની સૂચક ગેરહાજરી નોંધનીય હતી. યુવરાજસિંહે જ્યારે પણ આ મામલે પ્રેસ વાર્તા કરી ત્યારે તેમણે ક્યારેય પણ આપનો ખેસ અથવા ટોપી પહેરી નથી. તેઓ ક્યારેય પણ આમ આદમી કાર્યાલયમાંથી પ્રેસવાર્તા કરતા નથી. આમ તેમણે પોતાના રાજકીય દરવાજા અન્ય પાર્ટીમાં જવા માટે ખુલ્લા રાખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર ભીંસમાં આવે અથવા ભીંસમાં આવેલી સરકારને મદદ કરવા ભાજપના જ કોઈ નેતા મધ્યસ્થી બને અને તેમાં યુવરાજસિંહની ભૂમિકા બહુ અગત્યની હોય તેવું રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે. નિરિક્ષકોના મતે યુવરાજસિંહની ભૂમિકા પાછળ ભાજપના જ નેતાનો દોરી સંચાર હોવાનું કારણ નકારી શકાય તેમ નથી.
![]() |
![]() |
![]() |











