Friday, May 1, 2026
HomeBusinessફુગાવા વૃદ્ધિનું જોખમ ઝળુંબે છે: પણ ચાંદીમાં ટૂંકાગાળામાં મોટી તેજી સંભવિત નથી

ફુગાવા વૃદ્ધિનું જોખમ ઝળુંબે છે: પણ ચાંદીમાં ટૂંકાગાળામાં મોટી તેજી સંભવિત નથી

- Advertisement -
  • ચાંદીમાં ૭૫.૪૩ ડોલરનો લક્ષ્યાંક ટકી નહિ શકે તો ૬૮.૨૮ ડોલરની બોટમ ફરી સર કરવા અગ્રેસર થશે
  • ફેડ ચેર જેરોમ પોવેલ વિદાય લઇ રહ્યા છે ત્યારે તેમની કામગીરીને નિષ્ઠાપૂર્વક યાદ રાખવી ઘટે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): આખા જગતને ચેતવણી આપતા અમેરિકન ફેડરલ રીઝર્વ બેન્કના ચેરમેન જેરોમ પોવેલે બુધવારે અમેરિકન નાણાનીતિ જાહેર કરતા કહ્યું કે ફુગાવા વૃદ્ધિનું જોખમ ઝળુંબે છે. આ જાહેરાત સાથે જ બજારની અપેક્ષા મુજબ જ યુએસ વ્યાજદર ૩.૫ અને ૩.૭૫ ટકા વચ્ચે સ્થિર રાખવાની જાહેરાત કરતા, સોના ચાંદીના ભાવ અચોક્કસ રીતે ઉથલપાથલ મચાવશે એ નક્કી થઇ ગયું. ગુરુ અને શુક્રવારે એમ બે દિવસમાં ચાંદીના ભાવ બે ટકા વધીને ૭૪.૫૯ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ટ્રેડ થવા લાગ્યા હતા. આ ઘટમાળમાં ૬ કરન્સી બાસ્કેટનો અમેરિકન ડોલર ઇન્ડેક્સ ઘટવા લાગતા, તાજેતરમાં ઘટ્યા ભાવથી નુકશાની ભોગવેલા બુલિયન તેજીવાળા અને કસીને ભાવ કરવાવાળા (બારગેન હન્ટર) રોકાણકારો નુકશાન સરભર કરવા બજારમાં ધસી આવ્યા હતા. બુધવારે ચાંદીનો ભાવ ત્રણ સપ્તાહના તળિયે ૭૦.૮૬ ડોલર મુકાયો હતો.

રોકાણકારોની માંગનો ઉસાહ ધીમો પડવો, ઔધ્યોગિક વપરાશમાં પરિવર્તન, અને ઊંચા ભાવ જોઈ ખાણોની ઉત્પાદન વૃદ્ધિ જેવા કારણોસર જુદા જુદા સમયગાળા માટે યુનિયન બેંક ઓફ સ્વીઝરલેન્ડ (યુબીએસ)એ ચાંદીના સરેરાશ ભાવની આગાહી ઘટાડી છે. બેન્કે જુન અંત સુધીનો ભાવ, અગાઉના અનુમાન સરેરાશ ૧૦૦ ડોલરથી ઘટાડી ૮૫ ડોલર મુક્યો છે. સપ્ટેમ્બર લક્ષ્યાંક ૯૫ ડોલરથી ઘટાડી ૮૫ ડોલર સ્થગિત કર્યું છે. ડીસેમ્બર માટે ૮૫ ડોલરથી ઘટાડી ૮૦ ડોલર અને માર્ચ ૨૦૨૭ માટે ૮૫ ડોલરનું અનુમાન હતું તે હવે ૭૫ ડોલર કર્યું છે. બેન્કે માંગ પુરવઠાનું પુન:અવલોકન કરીને આ નવી ભાવ આગાહી કરી છે. બેન્કે ૨૦૨૬મા ૩૦૦૦ લાખ ઔંસ પુરવઠાખાધનો અંદાજ બાંધ્યો હતો પણ હવે તે માને છે કે ૬૦૦થી ૭૦૦ લાખ ઔંસ જ ખાધ રહેશે.

- Advertisement -

બજારે ઈરાન યુદ્ધની ચિંતાઓ, વધેલા ક્રુડ ઓઈલ ભાવ, ફુગાવાનું જોખમ, તેમજ ફેડનાં સંકેતોને સીધો પ્રત્યાઘાત આપ્યો હતો. અલબત્ત, જો ૨૦ દિવસની ઇએમએ (એક્સ્પોનેટીઅલ મુવિંગ એવરેજને ધ્યાને લઈએ તો ટૂંકાગાળા માટે ચાંદીમાં ટોન ૭૫.૪૩ ડોલર આસપાસ મંદીનો છે. જો ૭૫.૪૩ ડોલરનો ભાવ ટકી નહિ શકે તો ૭ એપ્રિલે નોંધાયેલા ૬૮.૨૮ ડોલરની બોટમ ફરી સર કરવા અગ્રેસર થશે. અત્યાર સુધી ક્રુડ ઓઇલના ઊંચા ભાવ અને અર્થતંત્રમાં પ્રવર્તતી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી રોકાણકારોએ મૂડીના મુલ્ય સંગ્રહ માટે ઊંચા ભાવે પણ સોનાચાંદીમાં રક્ષણ લેવાનું વાજબી ગણ્યું હતું. રશિયા યુક્રેનની લડાઈ વચ્ચે ક્રુડ ઓઇલના ભાવ ૧૨૨ ડોલરની ઐતિહાસિક ઉંચાઈએ પહોચ્યા હતા, તે ગુરુવારે ઇન્ટ્રાડેમાં ૭.૧ ટકા વધીને ૧૨૬ ડોલરની નવી ઊંચાઈ સ્થાપિત કરી હતી.

ફેડ ચેર જેરોમ પોવેલ વિદાય લઇ રહ્યા છે ત્યારે, તેમની કામગીરીને નિષ્ઠાપૂર્વક યાદ રાખવી ઘટે. જો અર્થતંત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો તેમણે નિષ્ઠાપૂર્વક તેમના કાર્યકાળમાં અનેક આર્થિક સંકટોને પચાવી પાર પાડી જાણ્યા છે. તેમણે રાજકારણી અથવા ડોનાલ્ડ ટ્રમ્પનાં કોઈ પણ દબાણને વસ થયા વગર, અર્થતંત્રને સાબુત રાખનાર ઉત્તમ સંચાલક તરીકે આપણી પેઢી તેમને યાદ રાખશે. તેમની વિદાય પછી યુએસ વ્યાજદર ઘટાડાની તમામ સંભાવનાઓ પર લાંબાટૂંકાગાળા માટે સંભવિત નહિ બને, એવી અફવાઓ બજારમાં પ્રવર્તતી રહી છે. પરિણામે બિનઉપજાઉ અસ્કયામત સોના ચાંદી માટે નકારાત્મક સંભાવનાઓ સર્જાશે. દુનિયાભરના ૩૦ ટકા રોકાણકારો માની રહ્યા છે કે માર્ચ ૨૦૨૭ સુધીમાં એકાદ વ્યાજદર વૃદ્ધિ થઇ શકે છે. ફુગાવો કાબુમાં લેવા, અગાઉની વ્યાજદર ઘટાડાની નીતિમાં આ એક મોટો બદલાવ હશે.

(અસ્વીકાર સુચના: commodity dna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧-૦૫-૨૦૨૬

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular