Woman murdered in Gondal Rajkot : ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ખેતરમાં મજૂરી કામ કરતી એક આધેડ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. બુધવારે સવારે વાડીમાં કામ કરતી વખતે થયેલી બોલાચાલી અને તકરારની અદાવત રાખીને કેટલાંક શ્રમિકોએ મહિલાના માથાના ભાગે હુમલો કરી લાશને મરચી-રીંગણના પાક વચ્ચે છુપાવી દીધી હતી. ખેતરમાંથી ગુમ થયેલી મહિલાનો મૃતદેહ કલાકોની શોધખોળ બાદ મળી આવતા પોલીસે આ મામલે ફરાર શ્રમિકોની શોધખોળ શરૂ કરી છે.
જીતેન્દ્ર અમૃતિયા અને તેમના પત્ની જ્યોત્સનાબહેન (ઉ.58) છેલ્લાં કેટલાંય સમયથી ત્રાકુડા ગામે આવેલી વાડીમાં મજૂરી કામ કરતા હતા. આ વાડીમાં અન્ય પણ કેટલાંક શ્રમિકો કામ કરતા હતા. 11 નવેમ્બરના બુધવારના રોજ અમૃતિયા દંપતી અને શ્રમિકો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. થોડાક સમય બાદ જીતેન્દ્રભાઈ ખેતરના શેઢે સુકવેલા કપડાં લેવા ગયા હતા. દરમિયાનમાં શ્રમિકોએ એકલતાનો લાભ લઈ જ્યોત્સનાબહેન પર ઘાતકી હુમલો કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ્યોત્સનાબહેનની હત્યા કરી દઈ તેમની લાશને ખેતરમાં મરચી-રિંગણના પાક વચ્ચે છુપાવી આરોપીઓ નાસી છૂટ્યા હતા.
જીતેન્દ્રભાઈ કપડા લઈને પરત ફરતા તેમના પત્ની નહીં મળતા શોધખોળ આરંભી હતી. આખરે છ કલાકની શોધખોળ બાદ જ્યોત્સનાબહેનનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવતા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા ગોંડલ પોલીસ (Gondal Police) તેમજ ડીવાયએસપી સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ફરાર શ્રમિકોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.








