Thursday, April 16, 2026
HomeNationalદેશમાં પ્રથમ સજાતિય ન્યાયાધિશની નિમણૂંક થશે કે નહીં?

દેશમાં પ્રથમ સજાતિય ન્યાયાધિશની નિમણૂંક થશે કે નહીં?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી): India’s first gay judge: આમ તો કોર્ટે વિવાદીત મુદ્દાનું સમાધાન લાવવાનું હોય કે પછી તેમાં ન્યાય તોળવાનો હોય. પણ છેલ્લા કેટલાંક સમયથી ન્યાયક્ષેત્ર કૉલેજિયમના મુદ્દે અટવાયેલું છે. ન્યાયાધિશોની નિમણૂંકમાં સરકારનો હસ્તક્ષેપ હોય કે પછી તેની નિમણૂંક અત્યાર સુધી જેમ ન્યાયાધિશોના આધીન રહી છે તેવી રહેવી જોઈએ, તેને લઈને ઘણાં વખતથી સરકાર અને સુપ્રિમ કોર્ટ (Supreme Court of India) વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. આવો એક બીજો મુદ્દો છેલ્લા પાંચ વર્ષથી સરકારના માથાનો દુખાવો બન્યો છે અને તે છે સમલૈંગિક સંબંધ ધરાવનારા સૌરભ કૃપાલની (Saurabh Kirpal) દિલ્હી હાઇકોર્ટમાં ન્યાયાધિશના (Delhi High Court Judge)પદે નિયુક્તિ. 2017માં વિધિવત રીતે દિલ્હી હાઇકોર્ટમાંથી જ કૉલેજિયમ દ્વારા ન્યાયાધિશ અર્થે સૌરભ કૃપાલનું નામ મૂકાયું હતું. આ ભલામણ કેન્દ્ર સરકાર પાસે પહોંચી ત્યારે સૌરભ કૃપાલના નામ અંગે કેન્દ્ર દ્વારા પુર્નવિચાર કરવાનું કહેવામાં આવ્યું. કેન્દ્ર સરકારે આશંકા દર્શાવી કે સમલૈંગિક અધિકારોને લઈને સૌરભ કૃપાલના પૂર્વગ્રહ ધરાવનારા હોઈ શકે.

India's First gay Judge Saurabh Kirpal
India’s First gay Judge Saurabh Kirpal

આ મુદ્દાને સતત પાછળ ઠેલીને કેન્દ્ર સરકાર આ મુદ્દે કશુંય કહેવા માંગતી નહોતી. કશુંય બોલવાથી સરકારને ફસાઈ પડવાનો ભય હતો, તેથી સમય વહેવા દેવાની નીતિ કેન્દ્રએ અખત્યાર કરી હતી. પરંતુ આ વર્ષે જાન્યુઆરી માસમાં ફરી સૌરભ કૃપાલના નામની ભલામણને યોગ્ય ગણીને ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી. વાઈ. ચંદ્રચુડ, જસ્ટિસ એસ. કે, કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફના કૉલેજિયમે કહ્યું કે સૌરભ કૃપાલ તેમના અભિગમ વિશે કશુંય છુપાવ્યું નથી અને બંધારણીય રીતે મળેલા અધિકારોને ધ્યાનમાં રાખીએ તો સૌરભ કૃપાલને મળેલા અધિકારને નકારવામાં આવે તો તે બંધારણીય સિદ્ધાંતોથી બિલકુલ વિપરીત હશે.

- Advertisement -

આ મુદ્દે અત્યાર સુધી અસંખ્ય તથ્યો-તર્ક મૂકાયા છે. પણ પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે કૃપાલ સૌરભ છે કોણ? દિલ્હી હાઈકોર્ટમાં કૃપાલ સૌરભ સિનિયર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. સૌરભના પિતા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે અને તેથી પણ સૌરભ પરિવાર કાયદા ક્ષેત્ર સાથે સતત સંકળાયેલો રહ્યો છે. આજે પચાસના થઈ ચૂકેલા કૃપાલ બે દાયકાથી દિલ્હી હાઈકોર્ટમાં એડવોકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છે. દિલ્હી યુનિવર્સિટીના સેંટ સ્ટિફન્સ કોલેજમાં તેઓ ફિજિક્સ વિષયથી સ્નાતક થયા. તે પછી તેમનું કાયદાનું શિક્ષણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં થયું. અને ત્યાર બાદ કૃપાલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાના ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. કારકિર્દીની આરંભમાં તેઓ યુનાઇટેડ નેશન્સ સાથે પણ જોડાયા. આ ઉપરાંત તેઓએ સજાતીય સંબંધોને ગુનાઇત ન ગણવા અર્થે ઝુંબેશેય ચલાવી છે. 2018માં સુપ્રિમ કોર્ટે હોમોસેક્સ્યુઅલિટીને ગુનો ન ગણવાનું જાહેર કર્યુ ત્યારે તેના અરજકર્તાઓમાં એક કૃપાલ પણ હતા. નાગરીકોના અધિકારો પ્રત્યે કૃપાલનું વલણ હંમેશા ઉદાર રહ્યું છે અને એટલે ગત વર્ષે તેઓ ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ન્યૂઝલોન્ડ્રીના તરફેણમાં રહી કેસ લડ્યા હતા. ટીવી ટુડે નેટવર્ક ન્યૂઝલોન્ડ્રીની સામે હતું, ટીવી ટુડે નેટવર્કની મુખ્ય દલીલ હતી કે ન્યૂઝલોન્ડ્રીના કાર્યક્રમ દ્વારા અમારી શાખનું ધોવાણ થઈ રહ્યું છે. જોકે સૌરભ કૃપાલનું કહેવું હતું કે ઓનલાઈન પોર્ટલ ‘સત્યની રાહબારી’ હેઠળ કાર્યરત છે અને જો તેમાં યોગ્ય ટીકા કડક શબ્દોમાં થતી હોય તો તેને માનહાનીભર્યું નિવેદન ન ગણી શકાય.

સૌરભ કૃપાલની જાતીય સંબંધો નાગરિકોના અધિકારોની લડત વર્ષોથી ચલાવી રહ્યા છે અને આ મુદ્દે તેમણે થાય એટલું કામ પણ કર્યું છે. આ કામ અંતર્ગત તેમનું એક પુસ્તક પ્રકાશિત થયું છે : ‘સેક્સ એન્ડ સુપ્રિમ કોર્ટ : હાઉ ધ લો ઇઝ અપહોલ્ડિંગ ધ ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિયન સિટીઝન’. આ પુસ્તકમાં અનેક ન્યાયાધીશોએ પોતાનો મત આ વિષય પર ખુલીને દર્શાવ્યો છે. સૌરભ કૃપાલનું કાર્ય ગંજાવર હોવા છતાં સજાતિય સંબંધોના કારણે તેમની પ્રગતિ અટકી પડી છે. આ વિશે હાલમાં સુપ્રિમ કોર્ટે પૂર્વ કાયદા મંત્રી રવીશંકર પ્રસાદ અને રિસર્ચ, એનાલિસિસ વિન્ગ સાથે થયેલાં પત્રવ્યવહારને જાહેર કર્યો છે. આમાં તેમની ન્યાયાધિશ તરીકેની નિમણૂંકમાં બે મુખ્ય વાંધા સરકારે દર્શાવ્યા છે. એક – સૌરભ કૃપાલ જેની સાથે સજાતીય સંબંધ ધરાવે છે તે સ્વીસ નાગરિકતા ધરાવે છે. બીજું કે તેઓ પોતાના જાતીય જીવન અંગે તેઓ વાત કરે છે.

આ મુદ્દા વિશે દેશના બંધારણના નિષ્ણાત ગણાતા ફૈઝાન મુસ્તફાએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેઓએ આ વિશે વિસ્તૃત છણાવટ કરીને મુદ્દાને સ્પષ્ટતાથી મૂકી આપ્યો છે. તેમનું કહેવું છે કે, ન્યાયાધિશો પોતાના સિનિયર ન્યાયાધિશોથી પણ વિચારધારાની રીતે વેગળા હોઈ શકે. જેમ કે આજે વિશ્વમાં 132 દેશો હોમોસેક્સ્યુઅલિટીને ગુનો ગણતા નથી, પણ તેમાંથી માત્ર 32 દેશો એવા છે જ્યાં સજાતિય લગ્નને કાયદાની મંજૂરી મળી છે.

- Advertisement -

ફૈઝાન મુસ્તફા સૌપ્રથમ સરકારે સૌરભ કૃપાલના સ્વિસ પાર્ટનર વિશે જે પ્રશ્ન ઊઠાવ્યા છે, તે વિશે વાત મૂકી છે. સરકારનતી દલીલ છે કે આ સંબંધ ધરાવનારા પૂર્વગ્રહયુક્ત હોઈ શકે છે. ફૈઝાન તે અંગે કહે છે દેશની ગુપ્ત સંસ્થા ‘રો’એ પણ પૂરતી તપાસ કરી છે અને સૌરભ કૃપાલના પાર્ટનર વિશે કોઈ જ શંકાસ્પદ બાબત મળી નથી. ઉપરાંત, સ્વિઝર્લેન્ડ સાથે ભારતના સંબંધ મૈત્રીપૂર્ણ રહ્યા છે અને અગાઉ પણ ઘણાં મહત્ત્વના પદે રહેનારાં વ્યક્તિઓ સ્વિસ નાગરિકોને પરણ્યા છે. ફૈઝાન 2018નો ‘નવજેત સિંઘ જોહર’નો કેસ ટાંકતા કહે છે કે જાતીય બાબતમાં બધું જ વ્યક્તિને આધીન છે. તે વિશે કોઈ પણ અન્ય વ્યક્તિને ટિકાટિપ્પણી કરવાનો અધિકાર નથી. આ ઉપરાંત, સૌરભ કૃપાલે કાયદાના ક્ષેત્રમાં અત્યાર સુધી નિષ્ઠા પુરવાર કરી છે. અને તેમનાં વર્તન-વ્યવહારના આધારે પણ તેઓ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે.

ફૈઝાન મુસ્તફા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવતની વાત પણ ટાંકે છે. હાલમાં મોહન ભાગવતે ‘એલજીબીટી’ કોમ્યુનિટીને લઈને ઉદાર મત વ્યક્ત કર્યો હતો.. મતલબ કે ‘એલજીબીટી’ કોમ્યુનિટીને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. ફૈઝાન સૌરભ કૃપાલના કિસ્સામાં અગત્યનો મુદ્દો એ ટાંકે છે કે પસંદગી માટેની મુક્તતા કોઈ પણ રીતે બહુમતિના દૃષ્ટિકોણના આધારે ન હોઈ શકે. બંધારણ ક્યારેય બહુમતિના અધિકારને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્યથી ઘડવામાં નથી આવતું.

ફૈઝાન મુસ્તફાએ આ અંગે વર્તમાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ચંદ્રચુડે ઉઠાવેલાં પ્રશ્નોને મૂકે છે, જેમાં ચંદ્રચુડે કહ્યું હતું કે, કંઈ બાબતને ‘કુદરતી’ ગણવી અને કંઈ બાબતને ‘અકુદરતી’? અને આ નક્કી કોણ કરી શકે? આ વિશે રાજ્ય કોઈ મર્યાદા નક્કી કરી શકે? આર્ટીકલ 15 મુજબ જાતીય બાબતોમાં કોઈ રીતે ભેદભાવ ન કરી શકાય. જાતીય સંબંધોની વિવિધતાને કુદરતી ગણવામાં આવી છે. અહીં ફૈઝાન એવું પણ ટાંકે છે કે વર્તમાન સરકારને આ પ્રકારના ઉદાર જાતીય સંબંધોથી વાંધો દેખાતો નથી. પરંતુ જ્યારે કોઈ બંધારણીય પદ પર આવાં સંબંધ ધરાવનારી વ્યક્તિ આવે ત્યારે સરકાર પોતાનો મત વ્યક્ત કરતી નથી.

- Advertisement -

આ અંગે અન્ય કાયદાના નિષ્ણાતો જે મત વ્યક્ત કરી રહ્યા છે તેમાં પણ મહદંશે સૌરભ કૃપાલની તરફેણ છે. સૌનું માનવું છે કે કોઈ અન્ય દેશના વ્યક્તિ સાથે જાતિય સંબંધ હોવાથી માત્ર કોઈની નિમણૂંક ન રોકી શકાય. સૌરભના વિરોધમાં કોઈ ઠોસ મુદ્દા સરકાર રજૂ કરી શકી નથી, પરંતુ તેમની નિમણૂંક થઈ રહી નથી તે પણ વાસ્તવિકતા છે. હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર આ મુદ્દાને ક્યાં સુધી અધ્ધરતાલ રાખે છે.

TAG: Saurabh Kirpal to be India’s first gay judge?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular