નવજીવન ન્યૂઝ, બોટાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Election) માટે ઉમેદાવારો જાહેર થતાંની સાથે જ નારાજગી, વિખવાદ અને બગાવતનો દૌર શરૂ થઈ ગયો છે. બોટાદ શહેર ભાજપ (Botad BJP) કાર્યાલય ખાતે ટિકિટ વિવાદમાં પૂર્વ ભાજપ આગેવાન ભૂપતભાઈ ચૌહાણે શહેર ભાજપ પ્રમુખ (BJP President) કિરીટ પાટીવાળા સાથે ઝઘડો કરી પથ્થરમારો કર્યો છે. આ ઘટનામાં એક કાર્યકર ઘાયલ થતાં સમગ્ર મામલામાં પોલીસની એન્ટ્રી થઈ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બબાલ (Conflict at BJP Office) થઈ છે. બોટાદ ચૂંટણી માટે પૂર્વ ભાજપ આગેવાન ભૂપતભાઈ ચૌહાણના દીકરીને ભાજપે ટિકિટ ન આપતા તેઓ બોટાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઉગ્ર બોલાચાલ કરી હતી. બોલાચાલી વધુ ઉગ્ર બનતા ગંભીર થઈ હતી અને મારામારી તેમજ પથ્થરમારા સુધી પહોંચી હતી. જોકે, આ ઘટનામાં શહેર ભાજપ પ્રમુખનો બચાવ થયો હતો, પરંતુ તેમને બચાવવા વચ્ચે પડેલા એક કાર્યકરને પગમાં ઈજા પહોંચી છે. આ મામલો બોટાદ પોલીસ સ્ટેશને (Botad Police Station) પહોંચતા પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પૂર્વ ભાજપ આગેવાન સામે ફરિયાદ નોંધાવી છે.








