નવજીવન ન્યૂઝ.ભાવનગરઃ ઘણી વખત આરોપો થયા છે કે પોલીસ ફરિયાદ લેતી નથી, ફક્ત અરજી અરજી રમે છે. આવા આરોપો ઘણી વખત શંકા ઉપજાવે છે પણ ઘણી ઘટનાઓ એવી પણ બને છે જે આ આરોપો પર સ્ટેમ્પ મારી જાય છે. આવી જ એક ઘટના ભાવનગરના જેસરમાં બની છે. જ્યાં વ્યાજખોરોના ત્રાસે એક વ્યક્તિએ જીવન ટુંકાવી દીધું છે.
ભાવનગરમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, જેસરના જયંતિભાઈ ચાવડા ખેત મજુરી કરીને જીવન ગુજારો કરતા હતા. તેમના પત્ની ખેતમજુરી કામ માટે ગયા હતા. સાંજે તે ઘરે આવ્યા ત્યારે તેમના માસીજી સાસુએ તેમને જાણ કરી કે જયંતિભાઈએ જલદ પ્રવાહી પી લીધું છે. તેમને દવાખાને લઈ ગયા છે. મહુવા સરકારી હોસ્પિટલમાં તેમને લઈ ગયા ત્યારે તેમને જયંતિભાઈ મરણ પામ્યાનું તબીબે કહ્યું.
આરોપ છે કે, તેમણે તેમના દિયરને અગાઉ કહ્યું હતું કે મહુવાના ગોબર ગીગાભાઈ નકુમ પાસેથી પૈસા લીધા હતા. તેમને પૈસા આપવાનો સમય થતા મેં લીધેલા અને અપાવેલા પૈસા મારી પાસેથી સગવડ નહીં થતા હવે હું એસીડ પી ગયો છું. તેઓ અવારનવાર જરુર હોય તો ગોબર નકુમ પાસેથી રૂપિયા લાવતા હતા. તેમની પાસેથી 2 વર્ષ અગાઉ 50 હજાર રૂપિયા લાવ્યા હતા. જે વ્યાજ સહિત પાછા આપવાની ઉઘરાણી કરવા ડરાવતો, ધમકાવતો હતો. તેના કારણે તેમણે અંતિમ પગલું લીધું છે. જોકે આ મામલે હવે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે.
બનાવનું બીજું એક પાસું પણ છે કે, જ્યારે જયંતિભાઈ જીવતા હતા ત્યારે ત્રણ મહિના સુધી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી જ નહીં. પરિવારજનોનો આરોપ છે કે, 50 હજાર પાછા આપી દીધા હોવા છતા 1.30 લાખના વ્યાજની વસુલી માટે જયંતિભાઈને આ માણસ હેરાન કરતો હતો. જે મામલે પરિવારે મોટા ખુટવડા પોલીસને અરજી આપી હતી. PSIએ અરજીના આધારે તપાસ ચલાવી હતી પરંતુ ફરિયાદી પરિવાર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા અંતે ખુટવડા પોલીસ સ્ટેશનનો ભાંડો ફૂટી ગયો અને સામે આવ્યું કે પોલીસે માત્ર અરજીના આધારે ત્રણ મહિના સુધી ફરિયાદ નોંધી નહીં.
આ મામલાની તપાસ કરતા PSI ભાનુમતિ ચુડાસમાએ જણાવ્યું કે, આ ઘટનામાં જે તે સમયે અકસ્માતે મોત સંદર્ભે ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં જ્યારે વ્યાજખોરીને કારણે આ વ્યક્તિએ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું ત્યારે હવે આ પુરાવાઓને આધારે પોલીસ દ્વારા હવે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરાંત પોલીસે આ મામલાના આરોપીને પણ ઝડપી પાડ્યો છે અને તેની ધરપકડ કરી છે. અરજી પર કામ કોઈ કર્યું નથી તે વાત ખોટી છે, પોલીસ પર આક્ષેપ થવાના જ. અરજી જ્યારે કરી ત્યારે કોઈ પુરાવા સામે આવ્યા નહોતા. જ્યારે જયંતિભાઈએ આપઘાત કર્યો તે પછીની તપાસ શરૂ થઈ ત્યારે બીજા વ્યક્તિના મોબાઈલમાંથી કેટલાક રેકોર્ડિંગ્સ મળ્યા જેમાં આ વ્યક્તિ દ્વારા તેમને હેરાન કરાતા હોવાનું સામે આવ્યું હતું.