Saturday, May 30, 2026
HomeBusinessઘઉના ભાવ સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં વધી 8.42 ડોલર, આર્જેન્ટિનામાં નબળો પાક,...

ઘઉના ભાવ સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં વધી 8.42 ડોલર, આર્જેન્ટિનામાં નબળો પાક, પુતિનના આડેધડ નિવેદન પછી ભાવ વધ્યા

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): યુક્રેન સાથેના તાજેતરના ઘઉ નિકાસ સોદા સામે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારે બખાડા કાઢ્યા, તેનાથી કાળા સમુદ્રના દેશોના અનાજ વેચાણ પર આખી દુનિયાનું ધ્યાન આકર્ષિત થયું છે. આ તરફ લેટિન અમેરિકન ઘઉ ઉત્પાદક દેશ આર્જેન્ટિનામાં ઊભા પાક પર છેલ્લા બે સપ્તાહથી થઈ રહેલી બરફ વર્ષાને પગલે ૨૦૨૨-૨૩ના પાકમાં મોટી નુકશાની થવાનો દાવો, બુઓનીસ એરિસ ગ્રેન એક્સચેન્જે કર્યો છે. એક્સ્ચેન્જ કહે છે કે આરંભિક વાવેતર અંદાજ ૬૬ લાખ હેક્ટરથી ઘટાડીને હવે ૬૧ લાખ હેકટર મૂક્યો છે. ૨૦૨૧-૨૨ વાવેતર ૬૭ લાખ હેકટર અને ઉત્પાદન ૨૨૪ લાખ ટન આવ્યું હતું.

આ બંને સમાચારોની આસરે ગુરુવારે શિકાગો ડિસેમ્બર ઘઉ વાયદો ઇન્ટ્રાડેમાં ૬.૯ ટકા ઊછળી ૮.૫૬ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બોલાયો, જે ૧૧ જુલાઇ પછીની નવી ઊંચાઈ હતી. કોમોડિટી ફંડો નેટ બાયર થઈ જતાં, શુક્રવારે સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં વધી, ભાવ ૮.૪૨ ડોલર મુકાયા હતા. પુતિને તો રોક બાય ઠોક (કોથળામાં પાનશેરી મૂકી) કહી દીધું કે, યુક્રેનની દલાલી કરતાં યુનાઇટેડ નેશન્સના દલાલોએ, મર્યાદિત દેશોને જ ઘઉના શિપમેન્ટ પ્રાપ્ત કરવા દેવાની શરત મૂકીને, રશિયા અને વિકસિત દેશો સાથે છતેરપિંડી કરી છે.

- Advertisement -

અમેરિકા સ્થિત સ્ટોનેકસના કોમોડિટી ઇકોનોમિસ્ટ અરલાન સુડ્રેમેન કહે છે કે રશિયામાં ઘઉનો ખૂબ મોટો પાક આવ્યો છે ત્યારે, યુક્રેનને અનાજનું ખૂબ વધુ વેચાણ થઈ રહ્યું છે તેમાં પૂતીનને કોઈ રસ નથી. ફાઓનો ઓગસ્ટ સરેરાશ ફૂડ પ્રાઇસ ઇંડેક્સ ૧૩૮ પોઈન્ટ જાહેર થયો જે જુલાઇ કરતાં ૧.૯ ટકા નીચો હતો. પણ વર્ષાનું વર્ષ જોવા જઇ તો હજુ ૭.૯ ટકા ઊંચો છે. ફાઓ દર મહિને આખા જગતના ખોરાક કોમોડિટીના સામાન્ય વેપાર બાસ્કેટના સરેરાશ ભાવનો ઇંડેક્સ તૈયાર કરે છે.

રશિયા અને યુક્રેનથી અનાજ નિકાસને વધારવાના પ્રયાસમાં પડતર પ્રશ્ન એવા પશ્ચિમના દેશો તરફથી વેપાર પ્રતિબંધ, જેમાં અનાજ અને ખારત નિકાસ જેવા મુદ્દાનો સમાવેશ થાય છે, તે અંગેની રશિયન ફરિયાદ સંદર્ભે ચર્ચા કરવા જીનેવા ખાતે રશિયન યુનોના સિનિયર અધિકારીઓ મળ્યા હતા. જ્યારે અમેરિકાનું કહેવું છે કે રશિયાએ ૨૪ ફેબ્રુઆરીથી યુક્રેન અને આસપાસના પાડોસી દેશો હુમલો કર્યા બાદ, વેપાર નિયંત્રણો લાદયા તેમાં અનાજ અને ખાતરનો સમાવેશ કરવામાં આવ્યો નો હતો, આથી રશિયાએ અનાજ નિકાસ મુદ્દે ખોટી બૂમાબૂમ નહીં કરવી જોઈએ.

આ તરફ લેટિન (દક્ષિણ) અમેરિકન દેશોમાં હાલમાં ઘઉ પાકવાની મોસમ બેસી ગઈ છે, તેની લણણી નવેમ્બરમાં શરૂ થઈ, જાન્યુઆરીમાં પૂર્ણ થશે. રશિયા તેના બમ્પર ઘઉ પાકની નિકાસ માટે સંઘર્ષ કરી રહ્યું છે. ગતવર્ષની તુલનાએ મોટા ઘઉ પાક છતાં જુલાઇ ઓગસ્ટમાં નિકાસ ૨૨ ટકા ઘટી હતી. પશ્ચિમના નિકાસ પ્રતિબંધમાંથી અનાજ વેચાણને બાકાત રાખવામાં આવ્યું છે. અલબત્ત, કેટલાંક જહાજ માલિકો અને બેન્કો વેપાર કરવામાં ભય અનુભવે છે.

- Advertisement -

યુક્રેનના બ્લેક સી કોરિડોરમાંથી ગરીબ દેશોને અનાજ નિકાસ કરવા સમસ્યા પેદા થઈ, તેનું મૂળ કારણ રશિયન પ્રમુખ તરફથી કરવામાં આવતી વારંવારની ટીકાઓ છે. બ્લેક સી કોરિડોર બંધ કરી દેવામાં આવ્યો છે અથવા તેને કનડગતનો સામનો કરવો પડી રહ્યાના સમાચારોએ પણ ઘઉ બજાર જે સામાન્ય રીતે સંવેદનશીલ છે, તેને મુશ્કેલી પાડવા લાગી છે.

જુલાઇ ૨૦૨૧થી શરૂ થયેલી ભારતીય ઘઉ મોસમમાં સરકારે ૨૦૨૧-૨૨નો સર્વાંગી પાક અંદાજમાં ૩ ટકાનો ઘટાડો કરીને ૧૦૬૮.૪ લાખ ટન મૂક્યો છે. ઘઉ ઉત્પાદન ઘટવાનું મૂળ કારણ હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશ જેવા ઉત્તરના રાજ્યોમાં માર્ચથી જૂન દરમિયાન વધુ પડેલી ગરમી અને તડકાને ગણાવાઈ રહ્યું છે. સ્થાનિક સપ્લાયને સરળ બનાવવા મે મહિનાથી ઘઉ નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સરકારને ફરજ પડી હતી. વેપારી અનુમાનો કહે છે કે ઘઉ પાક ૧૦૦૦ લાખ ટન કરતાં ઓછો આવ્યો છે.

(અસ્વીકાર સુચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular