નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં મોંઘવારી, રોજગારી, કાયદાની સ્થિતિ વગેરે મામલાઓને લઈને બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઘણા શહેરો જિલ્લાઓમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે કોલેજ બંધ કરાવવાની શરૂ કરતા તંત્ર અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે ચકમચ થઈ હતી. અહીં સુધી કે પોલીસે તેમને ટીંગાટોળી કરી ડબ્બામાં ભર્યા હતા. ઘણા સ્થાનો પર નેતાઓ અને લોકો વચ્ચે પણ ચકમક થઈ ગઈ હતી.

રાજકોટમાં શૈક્ષણીક કાર્યો બંધ કરાવવા જતા એનએસયુઆઈના ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ અને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના નેતાઓ દ્વારા અમદાવાદના વેજલપુર, ગુજરાત યુનિવર્સિટીમાં કામગીરી બંધ કરાવાઈ હતી. આ અંગેની જાણકારી મળતા પોલીસે નવરંગપુરા, સીજી રોડ, હાટકેશ્વર વગેરે સ્થાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

જોકે કોંગ્રેસ ઘણી શૈક્ષણીક સંસ્થાઓ, હોટલ્સ, દુકાનો, યુનિવર્સિટી, વગેરેની કામગીરી અટકાવી દેવામાં સફળ બની હતી. બંધના એલાનને લઈને પોલીસે હલ્લાબોલ કરનારા કાર્યકરોની અટકાયત પણ કરી લીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગ્દીશ ઠાકોર પણ બંધ કરાવવા કાર્યકર્તાઓની સાથે નીકળ્યા હતા. બંધ પાળવા માટે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું હતું. જગ્દીશ ઠાકોરે કહ્યું કે આ બંધ વખતે ઠેર ઠેર અમારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયતો કરવામાં આવી રહી છે. અમે મોંઘવારી અને રોજગારી જેવા મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ.









